વિધાનસભા ગૃહમાં નવી સરકારના મંત્રીઓ ઉત્સાહી પણ ઓછો અનુભવ દેખાઇ આવ્યો, જૂના મંત્રીઓ મૌન રહ્યા. મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયેલાં ડ્રગ્સ મુદ્દે વિપક્ષના સભ્યોએ બેઠાં-બેઠાં કરેલી ટીપ્પણી પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉત્તેજિત થઇને ભાષણ ફટકાર્યું, વિપક્ષોએ કાન આમળ્યો. નવાં અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્ય નિર્વિરોધ ચૂંટાઇ આવ્યા, વિપક્ષના વોક આઉટ અને શોકદર્શક ઠરાવો વચ્ચે ચોમાસું સત્રની ગૃહની પ્રથમ બેઠક પૂરી થઇ.
ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રની શરૂઆતમાં જ નીમાબેન આચાર્ય ગૃહના અધ્યક્ષ તરીકે નિર્વિરોધ ચૂંટાઇ આવ્યા હતા. તેમને ગૃહમાં તેમની બેઠક પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને સંસદીય બાબતોના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અધ્યક્ષની ખુરશી સુધી દોરી લાવ્યા હતા. તે પછી તરત જ વિધાનસભાના નાયબ મુખ્યદંડક તરીકે દુષ્યંત પટેલની નિમણૂંક થઇ હતી. પરંતુ નવી સરકારની કસોટી પ્રશ્નકાળમાં થઇ હતી. પ્રથમવાર જ સરકારનો હિસ્સો બનેલાં મોટાભાગના મંત્રીઓને વિપક્ષે જોરદાર ભીંસમાં લીધા હતા, આ દરમિયાન અગાઉની સરકારના તમામ મંત્રીઓ મૌન સેવીને બેઠા હતા.
વિપક્ષના સભ્યો અનેક મુદ્દે સરકારને ગૃહમાં ભીંસમાં લેતા હતા તેની સામે મંત્રીઓનો ઓછો અનુભવ અને કાચી પૂર્વતૈયારી દેખાઇ આવતી હતી. દિવસની સમગ્ર કાર્યવાહી દરમિયાન આશ્ચર્યજનક રીતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંદર અંદર વાતો કરતાં રહ્યાં. જ્યારે અન્ય મંત્રીઓ સાવ મૂકદર્શક બની રહ્યા. ભાજપના સભ્યોની બહુમતીને કારણે ભરવાડ ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાઇ આવ્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ડો. અનિલ જોષીયારાને મત મળ્યા ન હતાં.
વિપક્ષના સભ્યોની કોમેન્ટને પ્રશ્ન ગણીને ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ વટાણાં વેર્યાં
પ્રશ્નકાળ દરમિયાન સાતમા ક્રમે પૂછાયેલો પ્રશ્ન મૂળભૂત રીતે રાજ્યમાં દારૂની પરમિટ રીન્યુ કરવા બાબતે હતો, પરંતુ પોતાની પાટલી પર બેઠાં બેઠાં સિનિયર વિપક્ષી ધારાસભ્ય વીરજી ઠુંમરે મુન્દ્રા બંદર પર ઝડપાયેલાં ડ્રગ્સ સંદર્ભે કોમેન્ટો પાસ કરી હતી. સાતમા પ્રશ્નનો જવાબ આપવા ઊભા થયેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તે સંદર્ભે ઉત્તર આપવાને બદલે ડ્રગ્સ કાંડ મુદ્દે ઉત્તેજિત થઇને ભાષણ શરૂ કરી દીધું હતું, આ દરમિયાન વિપક્ષના સભ્યોએ રીતસરનો હુરિયો બોલાવ્યો હતો.
અધ્યક્ષે પણ સંઘવીને ઉત્તેજિત થવાને બદલે શાંત રહીને જવાબ આપવા જણાવ્યું હતું. આ પ્રશ્નને અંતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને આંકલાવ ધારાસભ્ય અમિત ચાવડાએ કહ્યું કે નવા બનેલા મંત્રીએ પોતાના પુરોગામી મંત્રી પાસેથી ગૃહમાં કેવી રીતે જવાબ આપવો તે શીખીને આવવું જોઇએ, ગલીના નેતાની જેમ ભાષણ આપવાથી ગૃહની ગરિમા જળવાય નહીં. વિપક્ષના નેતાએ પણ આ મુદ્દે ઝંપલાવતાં આક્ષેપ કર્યો કે 21,000 કરોડનું ડ્રગ્સ ભાજપ સરકારની મીઠી નજર હેઠળ આવ્યું. આ પહેલાં પણ અનેક પ્રશ્ને વિપક્ષ શાસક પક્ષ પર હાવિ રહ્યો.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ માર્ગદર્શન માટે વારંવાર નીતિન પટેલ પાસે દોડી જતા હતા
આરોગ્ય સંબંધી મુદ્દાઓની ચર્ચાને લઇને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમના સ્થાન પરથી વ��રંવાર ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ પાસે દોડી જતા હતા. તેમની સાથે આપસમાં ચર્ચા કરીને તેઓ પોતાના ભાષણના મુદ્દા તૈયાર કરતા હતા.
ગૃહમાં સભ્યોની બેઠકો બદલાઇ, રૂપાણી-નીતિન પટેલ જ ગૃહમાં પહેલી પાટલી પર રહ્યા
નવી સરકારની રચના બાદ વિધાનસભા ગૃહની બેઠક વ્યવસ્થા ઊડીને આંખે વળગે તેવી હતી. નવી સરકારના તમામ મંત્રીઓ ટ્રેઝરી બેન્ચમાં અને ગૃહમાં આગળની પાટલીઓ પર બેઠાં હતાં. જૂની સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને જ આગળની પાટલી પર સ્થાન અપાયું હતું, જ્યારે બાકીના તમામ ભૂતપૂર્વ મંત્રીઓ પાછળની પાટલીઓ પર બેઠાં હતાં.
ભૂપેન્દ્ર પટેલ છેક સુધી બેસી રહ્યા
અગાઉની સરકારના મુખ્યમંત્રીઓ ગૃહમાં પ્રશ્નકાળ અને ખૂબ મહત્ત્વની કામગીરી દરમિયાન જ હાજર રહેતા હતાં. તેને સ્થાને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છેક સુધી ગૃહમાં હાજર રહ્યા હતા. તેમણે મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વક્તવ્ય વિધાનસભાના અધ્યક્ષ પદે નીમાબેન આચાર્યની નિમણૂંક સંદર્ભે કર્યું હતું.
પાટીલની શીખામણ ઝાંપા સુધી રહી
ગૃહની બેઠક પહેલા ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે દંડકના કાર્યાલયમાં પક્ષના મંત્રીઓને તથા ધારાસભ્યોને માર્ગદર્શન આપ્યું હતું. અલગ અલગ મુદ્દા પર વિપક્ષને હાવિ ન થવા દેવા અંગે કેવા પ્રત્યુત્તર આપવા તે અંગે તેમણે શીખામણ આપી હતી. પરંતુ આ શીખામણ ગૃહના બારણાં સુધી જ રહી. ગૃહની અંદર મંત્રીઓ કે ધારાસભ્યો સી.આર.પાટીલની શીખામણ પ્રમાણે વર્તી શક્યા નહીં અને વિપક્ષ સામે કાચાં પડ્યાં.
મંગળવારે અમદાવાદ અને રાજકોટની કોવિડ હોસ્પિટલોમાં આગનો રીપોર્ટ રજૂ થશે
મંગળવારે સત્રના બીજા અને અંતિમ દિવસે અમદાવાદની શ્રેય અને રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ સંદર્ભે જસ્ટિસ ડી એ મહેતા પંચે કરેલી તપાસનો અહેવાલ ગૃહમાં રજૂ કરાશે. આ ઉપરાંત રાજ્યની નાણાંકીય પરિસ્થિતિનો ચિતાર રજૂ કરતો કંપ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ (કેગ)નો અહેવાલ રજૂ થશે. આ ઉપરાંત ત્રણ વિધેયકો પણ સરકાર ગૃહમાં લાવશે.