કચ્છમાં 1819માં આવેલા ભયાનક ભૂકંપને 200 વર્ષ પૂર્ણ થતાં આજે કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ સાયન્સ વિભાગે રાષ્ટ્રીય કક્ષાનો બે દિવસીય વર્કશોપ યોજ્યો છે. તેમાં વૈજ્ઞાનિકો અને તજજ્ઞો અલ્લાહબંધ અને વીઘાકોટ સહિતના સ્થળની મુલાકાત લેશે. ભૂકંપને કારણે સિંધુ નદીનો એક પ્રવાહ કચ્છમાં આવતો અટકી ગયો હતો. સિંદરી કિલ્લો ધરાશાહી થયો હતો. બે હજાર લોકો તે વખતે મરણ ગયા હતા. કચ્છમાં આ ભૂકંપે દૂરોગામી અસર કરી હતી.
ભૂકંપના 200 વર્ષે વૈજ્ઞાનિકો અભ્યાસ કરશે
આ ભૂકંપ અને ત્યારબાદ સર્જાયેલા કુદરતી અલ્લાહબંધના અભ્યાસ માટે વર્કશોપ યોજાયો છે. ડો.એસ.કે.બિશ્વાસની હાજરીમાં શનિવારે પ્રારંભ થશે. વર્કશોપના બીજા દિવસે મોરીબેટ,કારીમશાહી આર્કોલોજીકલ સાઇટ, અલ્લાહ બંધ, વિઘાકોટ કિલ્લાની વૈજ્ઞાનિકો મુલાકાત લેશે. સાંજે આ ભૂકંપમાં જીવ ગુમાવનારા દિગવંતો માટે બે મિનિટનું મૌન પડાશે. આ સ્થાનના ભૌગોલિક સ્થાનના કારણે તેમાં જોઇએ તેવું સંશોધન થયું નથી. ત્યારે આ બે દિવસના મંથનમાં તજજ્ઞોને શોધખોળની નવી તક મળશે.
વર્કશોપમાં વૈજ્ઞાનિકો ભાગ લેશે
ડો. બિશ્વાસ ઉપરાંત પ્રો. વિશ્વાસ કાલે, પ્રો. એલ.એસ. ચમ્યાલ, ડો. નવીન જુયાલ, પ્રો. અનિંદયા સરકાર, પ્રો. એમ.જી.ઠક્કર, પ્રો. ડી.એમ. મૌર્યા, ડો. અનિલ શુક્લા, ડો. ભવાનસિંગ દેશાઇ, પ્રો. વિણા જોશી, ડો. રવીકુમાર, ડો. સુમેર ચોપડા, ડો. સી.પી. રાજેન્દ્રન, પ્રો. પ્રાંતિક મંડલ, ડો. કુશાલા રાજેન્દ્રન ભાગ લેશે.
‘અલ્લાહબંધ’આવી રીતે સર્જાયો , સિંધુ નદી તેણે અટકાવી!
ભૂકંપના કારણે કચ્છની કોરી ક્રિક અને આજના પાકિસ્તાનમાં 80 કિલોમીટર લાંબો, 6 કિમી પહોળો જમીનનો પટ્ટો 6 મીટર ઉપર આવી ગયો. જેના કારણે સિંધુ નદીની એક મોટી શાખા જે કચ્છની કોરી ક્રિક અને લખપત સુધી આવતી હતી, જેના થકી વેપાર, ધંધા અને વહાણવટો ચાલતો હતો તે આવતી બંધ થઈ ગઈ. તે કુદરતી રીતે સર્જાયેલા ‘ડેમ’ ને ‘અલ્લાહ બંધ’ ના નામે ઓળખાય છે. મીઠા પાણીનો ફ્લો બંધ થતાં અને સીંદરી તળાવ અને આખો પટ્ટો જે એક સમયે ચોખાની પેદાશ માટે જાણીતો હતો તે વેરાન થતાં અને ત્યાં સમુદ્રનું પાણી ઘુસી આવ્યું હતું. જેના કારણે મીઠાથી લબાલબ આજનું રણ બની ગયું છે.
200 વર્ષ પહેલા જ્યારે ભૂકંપે સિંધુના વહેણ ફેરવી કચ્છને તરસ્યુ કર્યુ!
ભૂકંપ આવ્યાની થોડાજ સમય બાદ સમુદ્રએ ઉછાળા મારવાનું શરૂ કરી દીધું હતું અને ઈતિહાસ નોંધે છે કે, કચ્છ સહિત આસપાસના કોસ્ટલ એરિયામાં ત્સુનામી આવી ગઈ હતી. જેના કારણે સમુદ્રનું પાણી કચ્છના ગ્રેટ રણમાં ફરી વળ્યું હતું. તે સમયે કચ્છના મોટા શહેર ગણાતા અંજાર, ભુજ, માંડવી અને તેરામાં ભારે તારાજી થઈ હતી અને આજના અબડાસા તાલ��કામાં આવતા કોઠાળા, મોથાળા, નળીયા અને વિંઝાણ ગામો મહત્તમ રીતે પડી ભાંગ્યા હતા. પડ્યા પર પાટુની જેમ મહાવિનાશક ભૂકંપ બાદ આવેલી ત્સુનામીએ કોસ્ટલ એરિયામાં રહેલા અનેક અજાણ માછીમારોના નાના ગામોને તબાહ કરી દીધા. મોટા શહેરોમાં જે તે સમયે 1543 લોકોના મોત નિપજ્યાનું ઈતિહાસ નોંધે છે પરંતુ અનેક ગામોમાં ફરી વળેલા કાળચક્રની કોઇ નોંધ નથી.
ભૂકંપ બાદ ફરી સિંધુનું પાણી ગુજરાતમાં આવ્યું?
ઇસરોના સેટેલાઈટ આર્કોલોજીસ્ટ ડો. પી.એસ.ઠાકરે 2010માં જાહેર કર્યુ હતું કે, સિંધુ નદીના જૂના વહેણ વિસ્તારમાં ઉપરી તરફ મોટી માત્રામાં વરસાદ પડતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે જે સિંધુ નદીનો વહેણ વિસ્તાર 1819 બાદ બંધ થઈ ગયો હતો, તે થકી જ પાણી રણમાં પ્રવેશ્યું હતું. જમીન નીચેની નદીની ચેનલ ફરી કાર્યાન્વિત થઈ હોવાની ચર્ચાએ ત્યારબાદ જોર પકડ્યું હતું. કેટલાક વૈજ્ઞાનિકોએ કરેલા દાવા અનુસાર 2001ના ભૂકંપે સર્જેલા ઉલટફેરના કારણે ફરી તે ચેનલ કાર્યાન્વિત થઈ છે.
તે ગોઝારા દિવસની સાંજે શું થયું હતું?
આજથી ઠીક 200 વર્ષે અગાઉ 16 જુન,1819ના સાંજે 6:45 વાગ્યે કચ્છની ધરતી ધણધણી ઉઠી હતી. ‘ગ્રેટ અર્થક્વિક’ કહેવાતા એ ભૂકંપનો વ્યાપ એટલો વધારો હતો કે પશ્ચિમમાં અફઘાનિસ્તાનથી પૂર્વમાં કોલકતા અને દક્ષિણે ચેન્નાઈ સુધી ધરતી ધ્રુજી ઉઠી હતી. વિજ્ઞાન અંદાજો લગાવે છે કે તેની તીવ્રતા 7.7થી 8.2 ની રહી હશે જે બે થી ત્રણ મિનિટ જેટલો લાંબો ચાલ્યો હતો.
રોજની લાખો કોરીની આવકવાળું લખપત ભેંકાર થયું
સમયની થપાટ એટલી મોટી હતી કે જેનું નામ રોજની લાખ કોરી (કચ્છનું જે તે સમયનું ચલણ)નો વેપાર થતો હોવાથી લખપત પડ્યું હતું, તે વહેણ બંધ થતાંની સાથે અને ભૂકંપ, ત્સુનામીની તારાજી બાદ પડી ભાંગ્યુ હતું. એક સમયે મુંબઈ સહિત દૂરદૂરથી અહીંથી માલ, સામાનની થતી આયાત નિકાસ બંધ થઈ ગઈ હતી. જેના કારણે વેપાર, ધંધા તૂટી પડ્યા, જે હતા તેમની પાસે કરવા માટે કાંઈ ન રહ્યું હતું. જે લખપત શહેરમાં લૂંટના ઈરાદે હુમલો ન થાય તે માટે ચારે બાજુ કિલ્લેબંધી કરવામાં આવી હતી, જ્યાંથી ગુરુ નાનક મક્કા મદીના જવા રવાના થયા હતા. તેને મુકિને બધા ચાલ્યા ગયા હતા. આજે પણ લખપતમાં ગુરુદ્વારા અને બીએસએફની ચોકી સિવાય કોઇ નથી.
લખપત આજે પણ ખાસ
લખપતનો પ્રવેશદ્વાર આજે પણ આ ગામ ‘લખ’‘પત’ હોવાની શાખ પુરે છે. આ ગામ ભલે તબાહ થઇ ગયું હોય, પણ તે જાહોજલાલી બતાવે છે. ઉલ્લેખનીય છે કે ભારતે 2018માં 29મી નવેમ્બરે હાઇપરસ્પેકટ્રલ ઇમેજિંગ સેટેલાઇટે (હાઈસિસ) છોડ્યો હતો ત્યારે તેણે સૌ પ્રથમ તસવીર ગુજરાતના કાંઠાની ખેંચી હતી. 2જી ડિસેમ્બર 2018માં એનઆરએસસી હૈદરાબાદ ખાતે ઝિલાયેલી તે પ્રથમ તસવીર લખપત વિસ્તારની હતી અને તેમાં લખપતનો કિલ્લો ખાસ ફોકસ કરાયો હતો.
Source : Divay Bhaskar