- 20 વર્ષ પહેલા એક નાનકડું બીજ વાવ્યું હતુઃ PM
- આજે એ બીજ વિશાળ વાઇબ્રન્ટ વટવૃક્ષ બની ગયું છે
- 20 વર્ષની ઉજવણીમાં સામેલ થતા મને ખૂબ ખુશી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે પીએમ મોદીએ સાયન્સ સિટીમાં આયોજીત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિતે આયોજીત કાર્યક્રમમાં ભાગ લીધો છે. પીએમ મોદી અહીં ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા જણાવ્યું છે કે 20 વર્ષ પહેલા એક નાનકડું બીજ વાવ્યું હતુ. આજે એ બીજ વિશાળ વાઇબ્રન્ટ વટવૃક્ષ બની ગયું છે. 20 વર્ષની ઉજવણીમાં સામેલ થતા મને ખૂબ ખુશી છે.
ગુજરાતના આર્થિક જીવનમાં હાહાકાર મચેલો હતો
વાઇબ્રન્ટ માત્ર બ્રાન્ડિંગ નહીં, બોન્ડિંગનું આયોજન છે. વિશ્વ માટે આ સફળ સમિટ એક બ્રાન્ડ હોઇ શકે છે. મારા માટે આ એક મજબુત બોન્ડનું પ્રતિક છે. આ બોન્ડ ગુજરાતના 7 કરોડ લોકોના સામર્થ્ય સાથે જોડાયેલો છે. વિવેકાનંદે કહ્યુ હતું કોઇ કામ 3 તબક્કામાંથી પસાર થાય. પહેલા ઉપહાસ થાય, પછી વિરોધ અને પછી સ્વીકારી લે. 2001ના ભૂકંપ બાદ ગુજરાતની સ્થિતિ શું હતી. પહેલા દુષ્કાળ અને પછી ભૂકંપમાં હજારો લોકોનાં મોત થયા. ભૂકંપમાં લાખો લોકો પ્રભાવિત થાય હતા. આ સમયે માધવપુરા મર્કન્ટાઇલ સહકારી બેંક પડી ભાંગી. એ સમયે ગુજરાતના આર્થિક જીવનમાં હાહાકાર મચેલો હતો.
ગુજરાતનો આર્થિક વિકાસ સંકટમાં આવી ગયો હતો
ગુજરાતનો આર્થિક વિકાસ સંકટમાં આવી ગયો હતો. ત્યારે હું પહેલીવાર ધારાસભ્ય બન્યો હતો. ત્યારે હું નવો હતો, અનુભવ નહોતો. ત્યારે ગોધરાની હૃદય વિદારક ઘટના પણ બની હતી. ટ્રેનમાં કારસેવકો ભડથું થઇ ગયા હતા. ત્યારે મુખ્યમંત્રી તરીકે મને વધુ અનુભવ નહોતો. પણ મને મારા ગુજરાતના લોકો પણ અતૂટ ભરોસો હતો. કોઇપણ ઘટનાનું તારણ કાઢનારા પણ ત્યારે હતા. ગુજરાતમાંથી યુવાનો, વેપારીઓ નીકળી જશે એવી વાતો થતી. ગુજરાત બરબાદ થઇ જશે એવી વાતો કરાતી. એવુ કહેવાયું કે ગુજરાત ફરીથી ઉભું નહીં થઇ શકે. ગુજરાતને બદનામ કરવાનો પ્રયત્ન કરાયો. ત્યારે મેં સંકલ્પ કર્યો કે ગુજરાતને આમાંથી બહાર કાઢીશ. ગમે તે પરિસ્થિતિ હોય ગુજરાતને બહાર કાઢીને જ રહીશ. ગુજરાતને બેઠું કરવું જ નહીં, તેને આગળ વધારવું હતું. ત્યારે વાઇબ્રન્ટ સમિટનો અમે પાયો નાંખ્યો હતો.
2009માં વાઇબ્રન્ટ કર્યુ ત્યારે દુનિયાભરમાં મંદીનો માહોલ હતો
ગુજરાતની ક્ષમતા વિશ્વને બતાડવાનું આ પ્લેટફોર્મ હતુ. ભારતની કુશળતા, દિવ્યતા, ભવ્યતા વિશ્વને દર્શાવાની તક હતી. અમે વાઇબ્રન્ટને ગુજરાતના ઔદ્યોગિક વિકાસનો પર્વ બનાવ્યો. આજે વિશ્વ વાઇબ્રન્ટ ગુજરાતની સફળતા જોઇ રહ્યું છે. એ સમયે કેન્દ્ર સરકાર પણ ગુજરાત તરફ બેરૂખી દર્શાવતી. કેન્દ્રની સરકાર ગુજરાતના વિકાસને રાજનીતિ સાથે જોડતી હતી. કેન્દ્રના નેતાઓ સમિટમાં આવવાનો ઇન્કાર કરી દેતા. વિદેશી રોકાણકારોને સમિટમાં ન જવા ધમકાવાતા. સમિટમાં અડચણો ઉભી કરવાનું કામ કરાતુ હતુ. આટલા બધા છતા વિદેશી રોકાણકારો ગુજરાત આવ્યા, એ વખતે એટલી હોટલ્સ નહોતી જ્યાં ઉદ્યોગપતિઓ ઉતારાય. સરકારી ગેસ્ટ હાઉસો પણ ભરાઇ જતા, યુનિવર્સિટીની હોસ્ટેલમાં પણ ગેસ્ટને રખાયા હતા. 2009માં વાઇબ્રન્ટ કર્યુ ત્યારે દુનિયાભરમાં મંદીનો માહોલ હતો.
20 વર્ષ પહેલા નહોતું વિચાર્યુ કે આ ઇવેન્ટ આટલી સફળ બનશે
જાપાન જેટ્રોના વડા સુઝુકીએ સંબોધન કરતા જણાવ્યું છે કે મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટિવમાં જાપાન સૌથી આગળ છે. અમે 2013માં અમદાવાદમાં પ્રોજેક્ટ ઓફિસ શરૂ કરી હતી. તેમજ વેલસ્પનના ચેરમેન ગોયન્કાએ વાઇબ્રન્ટની ઉજવણીમાં સંબોધન કરતા જણાવ્યું કે 20 વર્ષ પહેલા નહોતું વિચાર્યુ કે આ ઇવેન્ટ આટલી સફળ બનશે. 20 વર્ષમાં હવે રાજ્યો, દેશો ભાગીદારી કરે છે. 2003માં મોદીજી સાથે મે વિસ્તરણની યોજનાની વાત કરી હતી. તેમણે મને ત્યારે કચ્છમાં રોકાણ કરવાની સલાહ આપી હતી. તેમણે કહ્યુ હતું 1 રૂપિયો કચ્છમા રોકશો, 1 ડોલર રિટર્ન મળશે. આજે કચ્છ રોકાણ માટેનું સ્વર્ગ બની ગયુ છે. ગ્રીન હાઇડ્રોજનનું કચ્છ હબ બનવા જઇ રહ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત સપનાને હકીકતમાં બદલવાનું પ્લેટફોર્મ છે. અમે છેલ્લા બે દાયકાથી વાઇબ્રન્ટ ગુજરાતનો ભાગ છીએ.