આનંદનિકેતન સ્કૂલની વિદ્યાર્થિનીઓના મોર્ફ કરેલા ન્યૂડ ફોટો વાઇરલ કરી એક્ઝામ રદ કરાવવાના પ્રકરણનો શંકાસ્પદ કરોડપતિ નબીરો દુબઈ શિફ્ટ થઈ ગયો હોવાની વિગતો ખુલી છે. ઈવેન્ટ મેનેજમેન્ટ, ક્રિપ્ટો કરન્સી અને ડિજીટલ વોલેટના ધંધાર્થી અગ્રવાલ પરિવારના નબીરાને રાજકારણી અને પોલીસ અધિકારીઓની છત્રછાયા હોવાની ચર્ચાએ જોર પકડયું છે. રાજકીય વગ સાથે લાખો રૂપીયા વાપરી કરોડપતિ બિઝનેસમેન બાપે પુત્રને બચાવી લીધાની ચર્ચાએ જોર પકડયું છે. બીજી તરફ આનંદનિકેતન સ્કૂલના કેસમાં કોઈ પુરાવા ન મળ્યાનું સાઇબર ક્રાઈમે રટણ કર્યું છે. સાઇબર ક્રાઈમના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ કેસમાં શંકાના દાયરામાં અનેક લોકો છે, કોઈ એક વ્યક્તિ નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, કરોડપતિ નબીરો કેસમાં પહેલાથી શંકાના દાયરામાં આવી ગયો હતો. જો કે, કોઈ કારણોસર તેની પૂછપરછ કરવામાં આવી નહીં અને દુબઈ જવા દેવામાં આવ્યો હતો. દુબઈથી આવેલા નબીરાના બાપે પણ પોલીસ અધિકારીઓ સમક્ષ પોતે દૂબઈ શિફ્ટ થઈ રહ્યાનું જણાવ્યું પણ અધિકારીઓ હાથ ઘસતા રહ્યા હતા. પોલીસ સામાન્ય માણસ પર શંકા જાય તો તેની પૂછપરછ તેમજ થર્ડ ડિગ્રી અપનાવી ગુનાના મૂળ સુધી પહોંચે છે જો કે, આ કેસમાં આવું કઈ નથી. ટેકનીકલ પૂરાવા ના હોય પણ આરોપીની પૂછપરછ તેમજ નિવેદન લઈ પોલીસ વિગતો કઢાવી શકે તેમ પોલીસ સૂત્રોેએ જણાવ્યું હતું.
આનંદનિકેતન સ્કુલ કેસમાં શંકાના દાયરામાં રહેલો વિદ્યાર્થી મે,2020માં સિંગાપોર ગયો બાદમાં દૂબઈ જતો રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ તે હાલમાં દૂબઈમાં અભ્યાસ સાથે તેના પિતાના ધંધામાં મદદ કરી રહ્યો છે. કિશોરના પિતા તાજેતરમાં અમદાવાદ આવ્યા ત્યારે સિનિયર આઈપીએસ અધિકારીને 5, નવેમ્બર,2021ના રોજ મળ્યા હતા. બિઝનેસમેન અગ્રવાલે પોતાની તમામ સંપતી વેચી પરિવાર સાથે દૂબઈ શિફ્ટ થઈ રહ્યાની વાત આઈપીએસ અધિકારીને કરી હતી. અગ્રવાલ પરિવારના નબીરાને બચાવવા માટે રાજકીય નેતાઓ તેમજ આઈપીએસ અધિકારીઓ મેદાનમાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જેના પગલે શંકાના દાયરામાં રહેલા કિશોરને દૂબઈ જવા દેવામાં આવ્યો હતો. બનાવની વિગતો મુજબ ગત તા.9-9-2020ના સ્કુલને ધમકીભર્યો મેઈલ મળ્યો કે, તેઓ મિડ ટર્મ એક્ઝામ રદ કરે જો તેઓ સ્કુલની વિદ્યાર્થીનીઓના ન્યુડ ફોટો વાઈરલ થવા દેવા ના માંગતો હોય તો. જે મેઈલના પગલે સ્કુલ મેનેજમેન્ટે ધો 8 થી 12ની મિડ ટર્મ એક્ઝામ રદ કર્યા બાદ સાયબર ક્રાઈમબ્રાંચનો સંપર્ક કર્યો હતો. અરજીના આધારે પોલીસે તપાસ કરી ગત તા.3-10-2021ના રોજ ગુનો દાખલ કર્યો હતો. સાયબર ક્રાઈમ આ મામલે તપાસ કરી રહી હતી તે દરમિયાન ગત તા.6-12-2020ના રોજ બીજો એક મેઈલ કરી ધો 10 થી 12ની પ્રિલીમ એક્ઝામ રદ કરવાની માંગ કરવામાં આવી હતી. ડાર્ક વેબના ઉપયોગથી બંને મેઈલ કરવામાં આવ્યા બાદમાં મેઈલ કરનારે ગત તા.31-03-2021ના રોજ વર્ચ્યુઅલ સેલ ફોન નંબરના ઉપયોગથી સ્કુલની ઝૂમ મિટિંગમાં એન્ટર થઈને સ્કુલની વિદ્યાર્થીનીઓના મોર્ફ કરેલા ન્યુડ ફોટોની લિંક પોસ્ટ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઈન્વેસ્ટીગેશમાં ધ્યાને આવ્યું કે, મેઈલ કરનાર વ્યક્તિ બે વિદ્યાર્થીનીઓને બદનામ કરવા માંગતો હતો. જેનું કારણ એવું હતુ ંકે, એક વિદ્યાર્થીનીએ તેની ઓફર ઠુકરાવી દીધી તેમજ તે ઓફર ઠુકરાવવા પાછળ જવાબદાર બીજી વિદ્યાર્થીની હતી તેવું તે માનતો હતો. પોલીસે 120 જેટલા વિદ્યાર્થીઓના ઈલેક્ટ્રોનીક્ ડિવાઈસ કબજે લઈ તપાસ માટે મોકલ્યા જેમાં ડાર્ક વેબનો ઉપયોગ થયો હોય તેવા પૂરાવા મળ્યા ન હતા. આ દરમિયાન ઓગષ્ટ,2021માં સ્કુલના વોટસગ્રૂપને હેક કરીને કોઈએ તેમાં અભદ્ર ઈમેજ પોસ્ટ કરી ધો-12ની ફર્સ્ટ ટર્મની એક્ઝામ રદ કરવાની માંગ કરી હતી. આ મેસેજ અગાઉના મેઈલ પ્રકરણમાં શંકાસ્પદ એવા કિશોરે ન કર્યાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. ક્રાઈમબ્રાંચના જેસીપી પ્રેમવીરસિંગે જણાવ્યું હતું કે, આનંદનિકેતન સ્કુલ પ્રકરણમાં એક નહી અનેક લોકો શંકાસ્પદ છે. આ અંગે તપાસ ચાલી રહી છે જો કે, હજુ સુધી તપાસ દરમિયાન અમને કોઈની વિરૂદ્ધ કોઈ પૂરાવા મળ્યા નથી.
ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, આનંદનિકેતન સ્કુલમાં થયેલા મેઈલ પ્રકરણમાં વ્યક્તિએ ડાર્કવેબના પ્રોટોનથી મેઈલ કર્યો હતો. જેમાં પૂરાવા મળવા મુશ્કેલ જરૂર પણ આરોપી શોધવો અશક્ય નથી. ડાર્કવેબમાં ઓટો ડિલીટેડ સિસ્ટમ આવતી હોવા ઉપરાંત જે તે વ્યક્તિએ પ્રોટોન મેઈલ કર્યો જેમાં આઈપી ત્રણ જગ્યાએ જમ્પ થઈને જતો હોય છે. આ વેબ���ાં નેટવર્કીંગ લેયર સિસ્ટમ હોવાથી તે ઓનીયન વેબ તરીકે ઓળખાય છે. કોઈ વ્યક્તિ પ્રોટોન મેઈલ પરથી મેઈલ કરે તો તેણે તેનું ડેસ્ટિનેશન ખબર ના પડે તેમજ પ્રોટોન પર આવેલો મેઈલ કયાંથી આવ્યો તે ખબર પડતી નથી. આમ, ડાર્કવેબના ઉપયોગની ડિવાઈસ મળે તો પણ પૂરાવા ના મળે તેવું બને છે. જો કે, આ કેસ સૂલઝાવવો અઘરો જરૂર પણ મુશ્કેલ નથી.
US એજન્સીએ ડાર્કવેબ પર ડ્રગ્સનું હબ ગણાતા સિલ્ક રોડને રાતોરાત બંધ કરાવી દીધી હતી. આનંદનિકેતન સ્કુલના કેસમાં સાયબર સેલની ટીમે અમેરીકાની જ એજન્સીની મદદ લઈ ડાર્કવેબથી પ્રોટોન મેઈલ કરનાર શખ્સને ઝડપી લેવા માટે કવાયત કરી હતી. સુત્રોના જણાવ્યાં મુજબ આ એજન્સીએ મદદ કરી હોવા છતાં આરોપી પકડાયો નથી. જેને પગલે સેટિંગ થઈ ગયું હોવાની ચર્ચા ખુદ પોલીસ બેડામાં જ થાય છે.