ગુજરાત કોંગ્રેસ પર હાર્દિક પટેલે આકરા પ્રહારો કર્યા છે. જેમાં જણાવ્યું છે કે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પ્રથમવાર પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે મેં ગઇકાલે ગર્વ સાથે રાજીનામું આપ્યું છે. એક કાર્યકર્તા સારું કાર્ય કરવાની ભાવના સાથે પાર્ટીમાં જોડાઇ છે.
કોંગ્રેસમાં સાચું બોલો એટલે મોટા નેતાઓ તમને બદનામ કરે
ગુજરાતમાં પાટીદાર સમાજ હોય કે અન્ય સમાજના હોય, તેમને કોંગ્રેસમાં સહન કરવું પડ્યું છે. કોંગ્રેસમાં સાચું બોલો એટલે મોટા નેતાઓ તમને બદનામ કરે અને એ જ તેમનો વ્યૂહ છે. ગુજરાતમાં માત્ર હાર્દિક જ કોંગ્રેસથી નારાજ નથી. ગુજરાતમાં અસંખ્ય નેતાઓ અને ધારાસભ્યો એવા છે, જે માત્રને માત્ર કોંગ્રેસનો ઉપયોગ કરે છે. કોંગ્રેસમાં કોઈ મજબૂત થાય ત્યારે એને હટાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. સત્તામાં બેસીને પાર્ટીના વખાણ કરો એનો મતલબ એ નથી એ પાર્ટીમાં બે ટકા વસતિ ધરાવતા સમાજના મુખ્યમંત્રી બની શકે છે.7થી 8 લોકો 33 વર્ષથી કોંગ્રેસ ચલાવે છે. મારા જેવા કાર્યકરો રોજના 500-600 કિ.મી. ફરીને લોકો વચ્ચે જઈને તેમનાં સુખ-દુખ જાણવાનો પ્રયાસ કરે તો અહીંના મોટા નેતાઓ એસી ચેમ્બરમાં બેસીને આ પ્રયાસને ખોરવી નાખવા પ્રયાસ કરે છે.
મેં મારા જીવનનાં 3 વર્ષ કોંગ્રેસમાં બગાડ્યા
કોંગ્રેસ ગુજરાતના લોકોને દુઃખી કઈ રીતે કરી શકાય એ જ કામ કરે છે. મેં મારા જીવનનાં 3 વર્ષ કોંગ્રેસમાં બગાડ્યા છે. હાલમાં ભાજપમાં કે આપમાં જવાનો કોઈ નિર્ણય કર્યો નથી. જ્યારે પણ કરીશ ત્યારે ગર્વથી કરીશ. જે નિર્ણય લઈશ એ ઈમાનદારીથી કરીશ. મારા ગુજરાતને સર્વશ્રેષ્ઠ બનાવવાના પ્રયાસો કરીશ.
કોંગ્રેસ છોડવાનો નિર્ણય હિંમત સાથે લીધો
જ્યારે ગુજરાતમાં રાહુલ આવે ત્યારે આજ સુધી તેમના વિરુદ્ધ બોલ્યો નથી. તેઓ જ્યારે ગુજરાત આવ્યા ત્યારે તેમને ગુજરાતની સમસ્યા વિશે વાત કરી નથી. પાર્ટીના નેતાઓ રાહુલ ગાંધી માટે ચિકન સેન્ડવિચ અને ડાયટ કોકની વ્યવસ્થા કરે છે. પક્ષમાં એવી ચર્ચાઓ કરવામાં આવે છે કે જ્યારે લોકો કંટાળી જશે ત્યારે કોંગ્રેસને વોટ આપશે. નરેશ પટેલને પાર્ટીમાં લેવાની વાતો કરે છે, પણ હજી કોઈ નિર્ણય લીધો નથી. મેં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે વાત કરી છે અને ગુજરાતની સમસ્યા જણાવી છે. તેમણે મને શું સમસ્યાઓ છે એવું પૂછ્યું અને મેં જણાવી છે. ત્યારે મને ઈગ્નોર કરવામાં આવ્યો હતો. મેં પક્ષ છોડવાનો દુઃખ સાથે નિર્ણય નથી લીધો, પણ હિંમત સાથે લીધો છે.