ચિંતામાંથી મુક્ત થવું એ આપણા હાથની વાત છે. જો આપણે ઇચ્છા ન હોય તો કોઈ પણ વ્યક્તિ આપણને ચિંતામાંથી મુક્તિ અપાવી શકે નહીં.
આ આપણે જાણતા હોવા છતાં, કેમ ચિંતામાંથી મુક્ત થઈ શકતા નથી? લાખો પ્રયત્ન કરીએ, તો પણ ચિંતા મુક્ત થવાતું નથી!! આનું કારણ સાદું અને સરળ છે. મોટાભાગની વ્યક્તિઓએ જાણતા જ નથી કે ચિંતામાંથી મુક્ત કેવી રીતે થવું!
ચિંતા /તણાવ વખતે આપણને કેવા વિચારો આવે છે?કોઈ દિવસ તે વિશે અવલોકન કર્યું? તે ધ્યાનપૂર્વક જોવાની જરૂર છે. તે સમયે ભય અને ડરની લાગણીઓ શક્તિશાળી બની જાય છે. જે બાબતની ચિંતા હોય તે વિશે સાચા-ખોટા વિચારો, એક પછી એક આવતા જ રહે છે. આ એક જ પ્રકારના વિચારો અસ્પષ્ટ હોય છે. અને ઘણી વખત તો આપણે ખુદ એક ને એક જ વિચારો કરતા રહીએ છીએ!!!..આવા વિચારોને અટકાવવાનો પ્રયત્ન કરીએ તો પણ તે અટકતા નથી. આવું કેમ બને છે? આવા સમયે ભય,ક્રોધ, હિંસાની લાગણીઓ એટલી બધી પ્રબળ બની ગઇ હોય છે કે આપણે પોતાને પણ ખ્યાલ આવતો નથી, કે આપણે એક જ પ્રકારના વિચારોના વાવાઝોડામાં ફસાયેલા છીએ!!
મારા અનુભવે એક પદ્ધતિ મને સૌથી વધુ યોગ્ય લાગી છે. અને તે મને ખૂબ જ મદદગાર પણ રહી છે.
જ્યારે જ્યારે મને લાગે કે હું ચિંતા અને તણાવમાં આવી રહ્યો છું, ત્યારે થોડીક વાર શાંત રહી, હું એ જોવાનો પ્રયત્ન કરું છું કે આખરે હું કોઈ બાબત વિશે ચિંતા કરી રહ્યો છું? શા કારણે આટલો બધો તણાવ અનુભવી રહ્યો છું? અને તેના વિશે કાગળ ઉપર લખી નાખું. પહેલા તો મને આ લખવાની ટેવ નહોતી. પણ પાછળથી સમજાયું કે આ રીતે કાગળ ઉપર લખી લેવાથી આપણી સમસ્યા/પ્રશ્ન વધુ સ્પષ્ટ બને છે. ઘણી વખત તો ચિંતાનું કારણ જાણીને જ મને આશ્ચર્ય થાય છે. આ બાબતમાં ખરેખર ચિંતા કરવા જેવી છે?
સમસ્યાને/પ્રશ્નને લખી લેવાથી તે સ્પષ્ટ બની જાય છે. આ રીતે લખ્યા બાદ તેને ઉકેલવા માટે શું કરી શકાય? તે માટે માહિતી ભેગી કરવી જોઈએ. વગર માહિતીએ/વગર જાણકારીએ કોઈ પ્રશ્નનો હલ કરવો, એ ઘાસમાં સોય શોધવા બરાબર છે. માહિતી ભેગી કરી તેને વ્યવસ્થિત કાગળ ઉપર લખી લેવી જોઈએ. જેથી તે વધારે સ્પષ્ટ બને. ઘણી વખત એવું બને કે આપણને ગમે તેવી વાતો, તથ્યો, વિચારો જ આપણે ભેગા કરીએ છીએ. જે વિચારો કે તથ્યો આપણી પસંદના નથી, તેને આપણે છોડી દેતા હોઈએ છીએ. માહિતી ભેગી કરવા સમયે આવો પૂર્વગ્રહ રાખવો જોઈએ નહીં. વિચારો કે તથ્યો ભલે આપણે નાપસંદ હોય, તો પણ તે સ્વીકારવા જોઈએ. પોતાની વ્યક્તિગત લાગણી દૂર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. નહીંતર, બને એવું કે જે માહિતી/તથ્યો ભેગા કરીએ તે આપણા મનગમતા જ હોય. અને ન ગમતા તથ્યો/માહિતી આપણે ધ્યાનમાં જ ન લઈએ. એટલે સરવાળે એકત્રિત કરેલી માહિતી અધૂરી હોય. માત્ર એક પક્ષ વિશે માહિતી આપણી પાસે આવે. મેં અનુભવ્યું છે કે વ્યવસ્થિત રીતે જો માહિતી એકત્રિત કરવામાં આવે, તો ઘણી વખત આ એકત્રિત કરેલા તથ્યો/માહિતીમાંથી જ સમસ્યાનો હલ મળી જતો હોય છે. પછી ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી રહેતી.
આ રીતે એકત્રિત કરેલી માહિતીનું ત્યારબાદ વિશ્લેષણ કરવું જોઈએ. અને સમસ્યા/ ચિંતા વિશે શું કરી શકાય, તેની નોંધ કરવી જોઈએ. ઘણી જટીલ સમસ્યાઓ માટે એક કરતાં વધારે ઉકેલો આપણને ધ્યાનમાં આવતા હોય, ત્યારે આ બધા ઉકેલોનું શક્ય તેટલું, મુદ્દાસર લિસ્ટ બનાવવું જોઈએ. અને દરેકને વિશે લખી લેવું. આમાંથી સૌથી સારો લાગતો ઉકેલ પસંદ કરીને નિર્ણય લઇ લેવો અને આ નિર્ણયને પણ સ્પષ્ટ, ટૂંકમાં કાગળ ઉપર લખી લેવો, અને અમલમાં મૂકવાનું આયોજન કરવું જોઈએ. અમલ કરવા સમયે બીજા ગમે તેટલા સારા-નરસા વિચારો આવે, પણ અમલ કરવાથી પાછું ન હટવું. જ્યારે જ્યારે ચિંતા કે તણાવની લાગણી જન્મે અથવા શક્તિશાળી બને ત્યારે આ નિર્ણય લખેલ કાગળ ઘણો મોટો લાભ કરે છે. ત્યારે પોતાની જાતને પૂછવું જોઈએ, "મને જે વાતની ચિંતા છે, તેનો ઉકેલ તો મને મળી ગયો છે. તે બાબતમાં હું અમલ પણ કરવાનો છું અથવા કરી રહ્યો છુ. તો પછી મને કેમ ચિંતા થાય છે?" મને વિશ્વાસ છે, આ રીતના આપણે આપણી લગભગ 80 ટકા ચિંતાને જડમૂળથી ઉખેડી શકીએ.
HJR