અત્યારે ૩૧મી ડીસેમ્બર નજીક આવી રહી છે, એટલે એક-બે પ્રસંગ મને યાદ આવે છે.
હું આગળના ભાગોમાં જણાવી ચુક્યો છું કે મેં ક્યારેય આલ્કોહોલ લીધો નથી. આજ સુધી તેનું એક ટીપું પણ ચાખ્યું નથી. (મને બારમા ધોરણથી ઓળખનારા મિત્રો આ બધું વાંચી રહ્યા છે. અને જો ખોટું બોલતો હોઉં, તો મને ગાળો દેવા માટે એક ક્ષણનો પણ વિલંબ કરે તેવા નથી.) મને દારૂની વાસથી જ એલર્જી છે. પણ મારી સાથે રહેનારા તો મેહફીલ કરતા.
ભલે લગ્ન ના કર્યા હોય, પણ જાનમાં તો ગયા હોય કે નહીં!! જાનમાં જનારની મજા જુદી હોય છે. આજ રીતે આવી મહેફિલોમાં બેસવાની મજા પણ કંઈક જુદી જ હોય..
તો ૩૧મી ડિસેમ્બર આવી. ૩૧મી ડિસેમ્બરને દારૂ પીને ઉજવવાનો શું અર્થ? તે મને આજ સુધી સમજાયું નથી.... ૩૧મી ડિસેમ્બરે મહેફિલનું આયોજન કરવામાં આવ્યું. સાત દિવસ પહેલા તેની તૈયારીઓ થઈ. બધાને થોડી- થોડી સગવડ કરવાનું કામ સોંપવામાં આવ્યું. કોઈક ઠંડા પીણાનો બંદોબસ્ત કરે, તો કોઈ નાસ્તાનો. પૈસાનો ફાળો પણ ઉઘરાવવામાં આવ્યો.
અમારા હોસ્ટેલના ફ્લેટની સામે બીજા વિદ્યાર્થીઓ રહેતા હતા. તેમાંનો એક વિદ્યાર્થી જે અમારી સાથે મેકેનિકલ બ્રાંચમાં જ હતો, તેની વાત છે હવે.
આપણે તેને "મિસ્ટર બી." તરીકે ઓળખીશું. કારણકે આજે તો તે સારી એવી જગ્યા ઉપર નોકરી કરે છે. અને મને સ્પેશિયલ વિનંતી કરી છે કે તેનું નામ ન લખું.
હવે બધાની તકેદારી હતી કે આ "મિસ્ટર બી." ને આ આયોજનની ખબર ન પડવી જોઈએ. કારણ કે આ "મિસ્ટર બી." મફતનો માલ લૂંટનારો માણસ હતો. મફતનું જ શોધે. મારે થોડીક વાત "મિસ્ટર બી." ની કર્યા વગર ચાલે તેમ નથી. કારણ કે સ્પેશિયલ તેના ઉપર લખવા માટે મને ઘણા બધા ફોન આવ્યા છે!!...પબ્લીક ડિમાંડ છે!! ભાઈ. આથી "મિસ્ટર બી." મને માફ કરે!!
તો "મિસ્ટર બી." નુ શરીર ગેંડા જેવું. એટલું બધું જાડું કે દીવાલ સાથે ભટકાય તો દિવાલ તૂટી જાય. ખાવાનું પણ એટલું બધું ખાઈ કે કેન્ટીનવાળા ના પાડી દે, હવે ખાવા ન આવતો.
આ ભાઈ રસ્તાઓ પર આવતો હોય અને નાસ્તાની લારી કે દુકાન ઉપર કોઈ નાસ્તો વગેરે કરતા હોય, તો લોકો નાસ્તાની ડીશો છુપાવી દે. બને તો મોઢું પણ છુપાવી દે. પછી તો નાસ્તાની લારીવાળા, દુકાનવાળા પણ આ ભાઈને આવતો જોઈને ચેતવતા ���ઈ ગયેલા. "અલ્યા... એ આવે છે..." અને બધાઈ નાસ્તો કે ખાવાનું લઈને આડાઅવળા થઈ જાય. અને જે આ "મિસ્ટર બી."ના હાથમાં આવ્યું તેનો નાસ્તો કે ખાવાનું "મિસ્ટર બી." ચટ કરી જાય. ઉપરથી વધારે મંગાવી ખાઈ જાય....અને બિલ બીજા માટે ચોટાડી પોતે ચાલતી પકડે.
આવા ભુખડ વર્તન માટે લોકો તેને ગાળો આપતા. અમે બધાએ પણ ઘણું સમજાવ્યું. પણ સમજે તો ને!!
હવે "મિસ્ટર બી." ને પીવાની ટેવ, અને તેને બરાબર જોઈએ. તેને પેટ નહોતું, કૂવો હતો.
૩૧મી ડિસેમ્બરે બધાએ પોતાના ગ્રૂપ સાથે પ્લાનિંગ બનાવેલા. પણ આ વખતે "મિસ્ટર બી."ને બધા ઓળખી ગયેલા. એટલે કોઈએ ખબર ન પડવા દીધી. તેના રૂમમાં રહેનારા વિદ્યાર્થીઓ પણ છાનામાના સુરત ચાલ્યા ગયેલા. "મિસ્ટર બી." ને જાણ કર્યા વગર.
એટલે "મિસ્ટર બી." ગામમાં રખડે. બધાના રૂમ ઉપર જઈને કરગરે." કોઈક તો મને પાર્ટીમાં લો.."... મારા બધા રૂમ પાર્ટનર કહેતા હતા,"ગયા વર્ષે સાથે રાખેલ. તેણે પૈસા આપ્યા નહીં. અને ઊલટાનું અડધા ઉપરનું ખલાસ કરી ગયો. અને મોટા ભાગનો નાસ્તો પણ એકલો ખાઈ ગયો હતો."
એટલે કોણ સામેલ કરે? બધા તેને એવું જ કહેતા હતા, "આ વખતે અમારું કોઈ આયોજન નથી."
પણ "મિસ્ટર બી." ને એ ગંધ આવી ગઈ. ૩૧મી ડિસેમ્બરની સવારથી જ તે રૂમ ઉપર આવી ગયો અને જવાનું નામ ન લે. બધા અકળાયા. આ અહીંથી ન જાય તો આયોજન કેન્સલ કરવું પડે.
બપોર પડવા આવી. ત્યાં "મિસ્ટર બી." ઉપર તેના રૂમ પાર્ટનરનો ફોન આવ્યો. અને કહ્યું, "આઠ વાગ્યાની આસપાસ અંકલેશ્વર આવી જવું. ત્યાં પાર્ટીનું આયોજન કર્યું છે. પોહચી જાજે."
"મિસ્ટર બી." રંગમાં આવી ગયો. આમ પણ તે મારા રૂમ પાર્ટનરો ઉપર ગરમ થયેલો. આ ફોન આવતા તેણે બધાને ગાળો આપી. પહેલા તેને ગરજ હતી એટલે જતો ન હતો. પણ ફોન આવતા હવે કોઈ ગરજ ન રહી. મનુષ્ય પણ કેવો સ્વાર્થી પ્રાણી છે!! થોડી ક્ષણો પહેલા બધાને પગે પડતો હતો.. અને હવે બેફામ ગાળો આપતો હતો!!
તે ચાલ્યો ગયો. બધા હાસકારો અનુભવ્યો. લગભગ સાત વાગ્યાની આસપાસ તૈયાર થઈ નવા કપડાં પહેરી, "મિસ્ટર બી. " અંકલેશ્વર જવા ઉપડ્યો. અમે બધાએ તેને જતા જોયો.
તેના ગયા પછી મારા એક રૂમ પાર્ટનરે રહસ્ય ખુલ્લું કર્યું. હકીકતમાં તે અમારા રૂમમાંથી જાતો ન હતો, એટલે રૂમમાંથી બહાર નીકળીને મારા મિત્રએ યોજના બનાવી. તે મુજબ સુરત ગયેલા "મિસ્ટર બી."ના રૂમ પાર્ટનરે ફોન કરી, "મિસ્ટર બી."ને અંકલેશ્વર આવી જવાનું અને પાર્ટીનું આયોજન કર્યું છે, તેવું કહ્યું..
વાસ્તવમાં અંકલેશ્વર કોઈ પાર્ટી હતી નહીં. માત્ર છટકું હતું. ત્યાં કોઈ તેની રાહ જોતું ન હતું. પણ મફતમાં ખાનારને અક્કલ કેવી!! જ્યારે અમને બધાને આ વાતની ખબર પડી ત્યારે પેટ પકડીને હસ્યા. મને થોડુંક દુઃખ પણ થયું. હવે અંકલેશ્વરથી તરત પાછો આવે એવી કોઈ સંભાવના જ નહોતી. કારણ કે રાતના વાહનો ભાગ્યે જ મળતા..
૩૧મી ડિસેમ્બરે અમારી રૂમ પર શું થયું તેના માટે અલગ ભાગ લખીશ.. એટલે સીધી હવે સવારની વાત.
"મિસ્ટર બી." સવારના ૮ વાગ્યે અમારી રૂમ પર આવી પહોંચ્યા. આંખો લાલ હતી. અને બેફામ ગાળો બોલતો હતો. હકીકતમાં બન્યું એવું હતું કે અંકલેશ્વર પહોંચી "મિસ્ટર બી." એ તેના રૂમ પાર્ટનરને ફોન કર્યો. પણ ફોન બંધ. "મિસ્ટર બી." અંકલેશ્વર ફસાયા.. આખી રાત રોડ ઉપરના પથ્થરો ઉપર બેસીને પસાર કરવી પડી.. કારણ કે પાછું આવવા કોઈ વાહન મળતું નહોતું.. વળી અડધી રાત્રે, "મિસ્ટર બી." ઉપર તેના રૂમ પાર્ટનરે ફોન કરી, કેવી રીતે મજાક કરી, તેવું કહીને ગાળો આપી હતી. અને આ બધું તેની મોફતમાં ખાવાની વૃતિના કારણે થયું છે, તે જણાવ્યું. એટલે "મિસ્ટર બી." ને ગુસ્સો ચડી આવ્યો હતો.
વહેલી સવારના એક ટ્રકવાળો મળ્યો. અને તે આવી શક્યો. આવી અને સીધો રૂમ પર પહોંચ્યો.
પણ બોલવાથી વિશેષ કંઈ કરી શકે તેમ ન હતું.. "અલ્યા ચોખ્ખી ના પાડી દીધી હોત, તો હું ચાલ્યો જાત. મારી સાથે આવી મજાક કરાય!! આખી રાત પથ્થરો ઉપર બેસવું પડ્યું. " તેવું કહેવા લાગ્યો...
જોકે રૂમ ઉપરની સ્થિતિ જોતા, તે જ પાછો ભાગ્યો..રૂમ ઉપર મહાભારતનું યુદ્ધ ખેલૈયાનો માહોલ હતો.