મારા વિચારો સતત બદલાતા રહ્યાં છે. સમય અને અનુભવે મને લાગે કે આ વિચારો ખોટા છે, તો તેનો ત્યાગ કરવા માટે એક ક્ષણનો પણ વિચાર કરતો નથી. કાલે જે માનતો હતો, કદાચ તે આજે નથી માનતો. અને આજે જે માનું છું, કદાચ આવતીકાલે નહીં માનતો હોવ.
બધાની સાથે આવું જ થતું હોય છે. પણ મોટા ભાગના આ વાત સ્વીકારતા નથી. આખરે આપણે આપણા અનુભવો દ્વારા તો શીખીએ છીએ. જો આવું ન હોય તો પછી જીવંત અને મૃત વ્યક્તિ વચ્ચે ફરક શું? આમ મારા શબ્દોમાં, મારા વિચારોમાં વિરોધાભાસ જણાય, તો જે જુના વિચારો હોય તેને રદ માનવા.
સેકન્ડ યરમાં બનેલી કે પછી થર્ડ યરમાં બનેલી એક ઘટના મને યાદ આવે છે. જોકે આજે મને બરાબર યાદ નથી કે કયા વર્ષની આ વાત છે.
તે દિવસોમાં રોજ મંદિરે રાતની આરતીમાં જવાનો મારો અને મારા મિત્રોનો ક્રમ. મંદિર આરતી કરી પછી જમવા જવાનું. આ ક્રમ લગભગ બે વર્ષ જેટલો લાંબો ચાલ્યો હશે. વાલીયા ગામમાં ત્રણ ચાર મંદિરો હતા. તેમાંથી આ મોટું મંદિર હતું. "મોટું મંદિર" એટલે ઘણા-બધા ભગવાનના નાના-મોટા મ��દિરોનું ઝૂમખું. તેમાંથી એક "મોટા મંદિરમાં" આરતી થાય, અને બીજા મંદિરોમાં દીવો. કારણ કે આટલા બધા મંદિરોમાં આરતી કરવી પણ કેવી રીતના!!
આ મંદિરો વળી તળાવના કિનારા ઉપર આવેલા. જેથી સમય હોય, તો શાંતિથી બેસવાની મજા આવે. વળી, તે દિવસો સતત તાણ અને ટેન્શનના હતા. તેથી અહીં બેસવાની મઝા આવતી. આરતી પહેલા કલાક... અડધી કલાક બેસવાનો નિયમ પણ પછી અનાયાસે જ બની ગયેલો.
આટલા લાંબા સમયથી નિયમિત આવતા હોવાથી, અમારા બધાની મંદિરના પૂજારી અને તેમના દીકરાઓ સાથે મિત્રતા પણ થઈ ગયેલી.
ઘણા સમય બાદ આ "મંદિરોના ઝૂમખાંથી" ઘણે દૂર એક બીજું મંદિર બની રહ્યું હતું. તેને આ મંદિરોના મેદાનમાં ઊભા રહીને જોઈ શકાય. કારણ કે વચ્ચે કોઈ મકાનો હતા જ નહીં. ગામ જ પૂરું થઈ જતું હતું.
હિંદુ પ્રજાની આ પણ એક નકારાત્મકતા છે. મંદિરો અને મંદિરો જ બનાવ્યા રાખે. બધા પોતપોતાના મંદિરો બનાવે. એકની જરૂર હોય ત્યાં ૧૦૦ મંદિરો બનાવવાથી શું ફાયદો? પૈસાની અને માનવ શ્રમની બરબાદી. અને પરિણામ કંઈ નહીં. પણ હિન્દુ પ્રજાને સમજાવે કોણ? પૂજારીઓ, ધર્મના ઉપદેશકો વગેરેને તો પોતાનો સ્વાર્થ છે. ઘણા બધા મંદિરો એટલે ઘણા બધા અર્થ ઉપાર્જનના સાધનો. તે થોડા હિન્દુઓને સમજાવવાના? પોતાના પગ ઉપર કુહાડો મારવાના?
મૂળવાત ઉપર આવીએ. તો આ મંદિર થોડા મહિનામાં બનીને તૈયાર થઈ ગયું. તે બનતું હતું, ત્યારે જોવા જવાની ઈચ્છા હતી. પણ જઈ ન શક્યા. તૈયાર થઈ ગયું, અને મૂર્તિ મૂકવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો કે તે સાઈબાબાનુ મંદિર બનાવ્યું છે. ( હવે આ વાત મને યાદ નથી, કે તે ક્યાં ભગવાનનું મંદિર હતું.)
આ "મંદિરોના ઝૂમખાંના" પૂજારી સાથે એક દિવસ ચર્ચા થતી હતી. આરતી ને હજી થોડી વાર હતી. બાહર ઓટલા ઉપર અમે બધા બેઠા હતા. વાતો વાતોમાં આ નવા મંદિરનો ઉલ્લેખ થયો.
પૂજારીએ કહ્યું, "તે મંદિરમાં તો આદિવાસી યુવાનને પૂજારી તરીકે રાખ્યો છે. તે શાસ્ત્રોની વિરુદ્ધ છે. પૂજારી તો બ્રાહ્મણ જ હોવા જોઈએ."
મને ન ગમ્યું. મેં કહ્યું, " એટલે કોઈ આદિવાસીના ઘરે જન્મે એટલે તે પવિત્ર, અને બ્રાહ્મણના ઘરે જન્મવા માત્રથી તે પવિત્ર બની જાય??"
પૂજારી બોલ્યા, " પવિત્ર- અપવિત્રની વાત નથી. બ્રાહ્મણોને જન્મથી શીખવવામાં આવ્યું હોય કે કર્મકાંડ કેમ કરવો. તે બ્રાહ્મણના લોહીમાં હોય. અમારા સંસ્કારો છે. મારા પિતા પુજારી હતા. મારા દાદા પણ પૂજારી હતા. મારી સાત પેઢીના પૂર્વજો કર્મકાંડો અને શાસ્ત્રોના શાસ્ત્રીઓ રહ્યા છે. "
મને તેની વાત ગળે ન ઉતરી. મારી દલીલ હતી કે આદિવાસી પણ પવિત્ર છે. બ્રાહ્મણ જેટલા જ પવિત્ર છે. તે મંદિરના પૂજારી જ નહીં, બધા જ કર્મકાંડો કરી શકે. માત્ર બ્રાહ્મણ પવિત્ર છે, અને તે જ પૂજા અને કર્મકાંડ કરી શકે, એવી વાતો કરનાર પંડાઓએ હિન્દુઓને બરબાદ કરી નાખ્યા છે.
તાપમાન વધતું જતું હતું. દલીલો ઉપર દલીલો થવા માંડી. જો તે સમયે ગામના આદિવાસી મિત્રોએ દખલગીરી ન કરી હોત, તો છુટા હાથની મારામારી થવાની હતી...મને આજે પણ લાગે છે, આવા જાતિવાદી લોકોએ જ આ દેશનું સત્યાનાશ કર્યું છે... અને કરી રહ્યા છે.
પણ મૂળ પ્રશ્ન હતો રોજગારીનો. બ્રાહ્મણ પૂજારીને મહિને પૂજા અને મંદિરની સાફ સફાઈ કરવાના ૬૦૦૦ ની આસપાસનો પગાર આપવામાં આવતો. વધારામાં જે ચડાવો અને દાન આવે તે તેને મળતું. પણ ભાગ્યે જ ત્યાં 20- 25થી વધારે દાન આવતું હશે. કારણ કે સામાન્ય દિવસોમાં મંદિરે દર્શન કરનારા જ ઓછા હોય. વારે- તહેવારે સારું એવું દાન જરૂર મળે... હવે આ પુજારીને બે દીકરા.. આમ કુલ ચાર સભ્યોનું કુટુંબ માંડ માંડ બે છેડા ભેગા કરતું. આમ, છતાં બીજો કોઈ ધંધો કે નોકરી કરવાનું નામ ન લે...
નવા બનેલા મંદિરમાં આદિવાસી યુવકને પૂજારી તરીકે રાખ્યો તેં આ માણસને ન જ ગમે. પોતાનો હરીફ કોને ગમે? એટલે શાસ્ત્રોની અને પવિત્ર-અપવિત્રની વાતો ઉખેડી. કદાચ તેની ગણતરી હોય કે નવા બનેલા મંદિરમાં પોતાના એકાદ દીકરાને પૂજારી તરીકે રખાવી દે. તો થોડી આવક થાય. પણ આ ગણતરી ઊંધી પડી હોય....
પણ આ ઘટના બાદ મારું મન ઊઠી ગયું. ત્યારથી તે મંદિરે જવાનું બંધ થઈ ગયું. આપોઆપ બંધ થઈ ગયું. અંદરથી ઈચ્છા ન થાય. તે તળાવના કિનારાનું શાંત વાતાવરણ પણ ખાવા દોડતું હોય તેમ લાગતું. થોડા દિવસ પછી મારા મિત્રોએ પણ બંધ કરી દીધું.
આ જાતિવાદી માનસિકતા, પુજારી બ્રાહ્મણની શુદ્ર સ્વાર્થ વૃતિના પહેલી વખત દર્શન થયા. પછી તો આખો ગ્રંથ લખાય તેટલા પાખંડો ધર્મના નામે ચાલતા જોઈ લીધા... જોઈ રહ્યો છું.
થોડીક નવી વાત. હમણાં જ એક વર્ણવ્યવસ્થાનો સમર્થક અને સવઘોષિત રાષ્ટ્રવાદી મને કહેતો હતો, "બ્રાહ્મણ કોઇ વર્ણ નથી. જન્મથી બધા જ શૂદ્ર હોય છે. કર્મ આધારિત વર્ણવ્યવસ્થા શાસ્ત્રોમાં છે... વગેરે... વગેરે..." મારે એટલું જ કહેવાનું કે કોઈક દિવસ તો આદિવાસીઓ, દલિતોની પાસે બેસો. બાકી શાસ્ત્રોમાં લખેલ કર્મ આધારિત વર્ણવ્યવસ્થા ક્યારે અસ્તિત્વમાં હતી? તેના કોઈ ઈતિહાસીક પુરાવા મળતા નથી. હા, જન્મ આધારિત વર્ણવ્યવસ્થા, દમનકારી વ્યવસ્થા હતી. અને આજે પણ છે. એટલે ખોટી વાતો કરવાની બંધ કરવી જોઈએ.
અને આજે પણ આદિવાસી, દલિતો અને વંચિતોની સંભાળ કોણ લે છે? ક્યો શ્રી શ્રી 108, મહામંડલેશ્વર, બ્રહ્મચારી, પોતાને ભગવાન તરીકે ઓળખાવનાર તેમના આંસુ લૂછવા જાય છે?