ધોરણ12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પાસ કરી. ત્યારે બધા એવું કહેતા હતા કે એન્જિનિયરિંગ કરવા જેવું છે. ભવિષ્યમાં એન્જિનિયરિંગ માંગ રેહવાની. મને પણ થયું કે ચાર વર્ષ એન્જિનિયરિંગ ભણ્યા બાદ તરત જ નોકરી મળી જાય, તો B.sc કે બીજા કોર્સ કરવા કરતા એન્જિનિયરિંગ કરવું સારું.
જોકે તે વખતે મને એ પણ ખબર નહોતી કે એન્જિનિયરિંગ એટલે શું? આ તો બધા કહેતા એટલે મેં પણ માની લીધું. ટૂંકમાં ગાડરિયા પ્રવાહમાં ઝંપલાવી દીધું.
એન્જિનિયરિંગમાં એડમિશન માટે તે વખતે ઓનલાઇન પદ્ધતિ ન હતી. એન્જિનિયરિંગની બધી જ કોલેજો માટે એક જ ફોર્મ ભરવામાં આવતું. અને તે બેંકમાં મળતું. ફોર્મ ભરીને પોલિટેકનિક કોલેજમા આપી આવવાનું. ત્યારબાદ મેરીટ પ્રમાણે બધાને અમદાવાદ, એલ. ડી. કોલેજ પર બોલાવે. બધા ડોક્યુમેન્ટ અને ફી ભરવાના પૈસા બધું જ લેતા જવાનું.
મેરીટ પ્રમાણે જે કોલેજમાં એડમિશન મળતું હોય તે આપણને કોમ્પ્યુટર સ્ક્રીન પર દર્શાવે. જો આપણને મનગમતી કોલેજ અને બ્રાન્ચ મળે, તો ત્યારે જ એડમિશન કન્ફર્મ કરાવવાનું. અને જો પ્રાઇવેટ કોલેજ હોય તો પછી પણ ત્યાં ભરી દેવાની.
મેં પણ ફોર્મ લાવી ભરી નાખ્યું. મારું મેરીટ બહુ સારું પણ નહીં અને ખરાબ પણ નહી. મને એડમિશન મળી જવાની સંભાવના હતી. ફોર્મ ભર્યા બાદ લગભગ એક મહિના બાદ પ્રક્રિયા ચાલુ થઈ. અમદાવાદ જવા માટેનો કાગળ આવ્યો.
હું અને પપ્પા જામનગરથી રાત્રે ઉપડતી સૌરાષ્ટ્ર મેલમાં અમદાવાદ જવા નીકળ્યા. સૌરાષ્ટ્ર મેલના જનરલ વિભાગમાં 365 દિવસ ભીડ રહેતી હોય છે. ઘેટાની જેમ મુસાફરો ભરાય છે. આ માટેનું મુખ્ય કારણ બસ કરતા ટ્રેનની ટિકિટ સસ્તી હોવાનું. આજે પણ જનરલ ડબ્બામાં આવી હાલત હોય છે. ગરીબો પાસે બીજો કોઈ વિકલ્પ નથી. અને આ દેશમાં ગરીબોને કોઈને પડી નથી. જનરલ વિભાગમાં આખી રાત ધક્કામુકી અને ઉભા-ઉભા વિતાવી. જ્યાં પગ મૂકવાની જ જગ્યા નહોતી, ત્યાં ઊંઘવાનો તો પ્રશ્ન જ ક્યાં રહ્યો?
સવારના જ્યારે સાત વાગ્યાની આસપાસ અમદાવાદ આવ્યું, ત્યારે ટ્રેનના આં ભયાનક વાતાવરણમાંથી છુટકારાનો શ્વાસ લીધો.
અમદાવાદ રેલ્વેસ્ટેશન ભારતના બીજા રેલવેસ્ટેશનો જેવું જ છે. ટ્રેક પર ઉકરડો,ગંદા પાણી વહેતા હોય, ઉંદર આટા મારતા હોય, પ્લેટફોર્મ પર કુલીઓ અને ફેરિયાઓના અવાજો અને ઘોંઘાટ. ટૂંકમાં સ્વચ્છતા કરતા ગંદકી વધુ. દુર્ગંધની તો વાત શું કરવાની?…. જો કે હું પહેલી વખત અમદાવાદ નહોતો આવ્યો, કે ન તો પહેલી વખત અમદાવાદ રેલ્વેસ્ટેશન પર આવ્યો હતો. દરેક વખતે આવું જ સ્ટેશન જોવા મળતું અને આજે પણ હાલત એવી જ છે..
હું અને પપ્પા નાસ્તો કરીને એલ.ડી. કોલેજ જવા માટે નીકળ્યા. લગભગ દસ વાગ્યાની આસપાસ કોલેજ પહોંચ્યા. કાગળમાં દર્શાવેલા સમય પ્રમાણે 10 વાગે જ પહોંચવાનું હતું.
ગુજરાત આખાના વિદ્યાર્થીઓ અને વાલીઓનો ત્યાં મેળો જામ્યો હતો. જ્યાં જુઓ ત્યાં માણસો અને માણસો. કોલેજની બહાર મેદાન પર રાહ જોવાનું. મેરીટ યાદી બહાર સ્ક્રીન પર દેખાઈ અને તે પ્રમાણે લાઈનમાં ઊભા રહેવાનું. તે લાઈનમાં ધક્કામુક્કીનો પાર નહીં. આ બધામાં ગરમીનું તો કેવું શું? ગુજરાતમાં અમદાવાદનો ઉનાળો બદનામ છે. અહીં જેટલી ગરમી પડે છે ત���ટલી ભાગ્યે જ બીજા વિસ્તારોમાં પડતી હશે.
આમ, અમે બધા “ભવિષ્યના એન્જિનિયરો”એકબીજા સાથે ધક્કામુક્કી કરતા કરતા આગળ વધ્યા. લગભગ ત્રણ કલાક પછી વારો આવ્યો.
મેં અત્યાર સુધી કઈ બ્રાન્ચમાં એડમીશન લેવું તે નક્કી નહોતું કર્યું..પપ્પા કહે તારી ઇચ્છા હોય તેમ કરજે. મને પોતાને શું મેકેનિકલ, શું ઇલેક્ટ્રિકલ કે શું સિવિલ એન્જિનિયરિંગ તે ખબર જ નહોતી. આમ છતાં મિકેનિકલ બ્રાન્ચ લેવાનું વિચાર્યું. કારણકે મશીનો સાથે કામ કરવું સહેલું. કોમ્પ્યુટર પસંદ નહોતું. ઈલેક્ટ્રીકલ અને E.C. માં વાયરો અને કરંટ આવે તેવું મારું માનવું હતું. અને તે મને ગમતું નહિ. સિવિલ એન્જિનિયરિંગમાં શું આવે, તે જ મને ખબર નહીં. જોકે તે સમયે મારે કોઈ નિષ્ણાંતની સલાહ લેવાની જરૂર હતી. પણ મેં સલાહ લીધી ન હતી.
મારો વારો આવ્યો. અંદરના A.C. વાતાવરણમાં રાહત થઈ. કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જુદી જુદી કોલેજના નામ અને નંબર હતા.
મને ઓપરેટરે પૂછ્યું, “કેમાં એડમિશન લેવું છે?”
મેં કહ્યું, “મિકેનિકલ બ્રાન્ચમાં, ગુજરાતમાં જ્યાં મળે ત્યાં.”
ઓપરેટર સારો હતો. તેણે કહ્યું, “માત્ર આ એક કોલેજમાં મેકેનિકલમાં જગ્યા ખાલી છે. પણ ત્યાં એડમિશન ન લે, તો સારું. કારણકે ત્યાં ચાર વર્ષ બાદ એન્જિનિયર થઈને છોકરા-છોકરીઓ બહાર નીકળતા નથી, પણ ડોન થઈને બહાર નીકળે છે. જો આ બીજી કોલેજમાં સિવિલમાં જગ્યા ખાલી છે. સારી કોલેજ.”…
પણ હું માન્યો નહીં. મને આજે પણ ખબર નથી પડતી કે શા માટે હું મેકેનીકલ બ્રાન્ચને વળગી રહ્યો??? વાસ્તવમાં મારી પાસે કોઈ કારણ નહોતું મિકેનિકલ બ્રાન્ચને વળગી રહેવાનું. ઓપરેટરે પપ્પાને સમજાવ્યા. પપ્પાએ તો પહેલેથી જ મારું મન હોય તેમ કરવાની સ્વતંત્રતા આપી હતી…. ઓપરેટર ની સલાહ માટે આભાર માન્યો અને મારે મેકેનિકલમાં જ લેવું છે, તેવું સ્પષ્ટ કહ્યું. આમ ના છુટકે ઓપરેટરે મિકેનિકલ બ્રાન્ચમાં એડમીશન કન્ફોર્મ કર્યું…
એડમિશન મળી ગયા બાદ નિયમ પ્રમાણે જે કોલેજમાં એડમિશન મળ્યું હોય ત્યાં રિપોર્ટિંગ કરાવવા જવાનું હોય. અમે પણ કોલેજ પર રિપોર્ટિંગ કરવા માટે નીકળ્યા. ભરૂચ પોહચતા રાત પડી. ભરૂચ તપાસ કરી એક હોટલમાં રોકાયા. અને સવારે અંકલેશ્વરથી કોલેજ પહોંચ્યા.
કોલેજ જોઈને ઓપરેટરની વાત યાદ આવી ગઈ. કોલેજની પાસે પોતાનું બિલ્ડીંગ જ નહોતું. તે આર્ટસ કોલેજના મકાનનો ઉપયોગ કરતી. અને કોલેજ જે ગામડામાં હતી, તે સાવ ગામડું. ટૂંકમાં પુરુ વાતાવરણ ભયાનક. ફોર્મ ભરી, ફોટો ચોંટાડી પાછું આપવામાં ત્રણ કલાક વીતી ગયા. જો કે લાઇન એટલી બધી લાંબી ન હતી. પણ ક્લાર્ક વારંવાર બદલાતો અને બહાર ચાલ્યો જતો. અને એક ફોર્મની કોમ્પ્યુટર પર એન્ટ્રી કરતા ખાસો સમય લાગતો. જો કોઈ કાર્યદક્ષ વ્યક્તિ બરાબર કામ કરે, તો અમે જેટલા પણ લાઇનમાં ઉભા હતા, બધા જ ફોર્મ ભરતા અડધી કલાક પણ ન થાય. આમ અડધી કલાકના કામના ત્રણ કલાક થયા.
પહેલી જ વારમાં કોલેજની કાર્યપદ્ધતિના દર્શન થઇ ગયા. આપણા તંત્રની અને સરકારની મૂર્ખતા અને શિથિલતા જ કહેવાય કે આવી કોલેજને મંજૂરી આપે. જે કોલેજની પાસે પોતાનું મકાન ન હોય, પૂરતો સ્ટાફ ના હોય. તે શું એન્જિનિયરિંગ ભણાવવાની??? અને તેમાંથી બહાર નીકળતા એન્જિનિયર શું કરવાના??…. જોકે પછીના ચાર વર્ષમાં એ સાબિત થઈ ગયું કે આ કોલેજ કે એન્જિનિયરિંગ મને ન્હોતું ભટકી ગયું, પણ હું કોલેજ અને એન્જિનિયરિંગને ભટકી ગયો હતો..
જો કોલેજ પાસે અને એન્જિનિયરિંગ પાસે બોલવાની શક્તિ હોત, તો ખરેખર તેઓ બૂમો પાડી પાડીને મને ગાળો આપત… “આ નાલાયક ક્યાં એન્જિનિયરિંગમાં આવી ગયો”..
- લેખક હર્ષદ રાઠોડ