અમારી હોસ્ટેલ આમ તો સ્વચ્છ અને મોટી હતી. રૂમ પણ પ્રમાણમાં મોટા હતા. મારો રૂમ છેક છેલ્લા ચોથા માળે હતો. નીચે ગ્રાઉન્ડ ફ્લોર છોકરીઓનો હતો. જેના મહિલા રેકટર ત્યાં જ રહેતા. આમ બીજી બધી હોસ્ટેલ કરતા, આં હોસ્ટેલ અપવાદ હતી. ઉપર બોયસ અને ગ્રાઉન્ડ ફ્લોર પર ગર્લ્સ હોસ્ટેલ, એમ બંને ભેગી.
હોસ્ટેલમાં મારા જેવા નવા એડમિશન વાળા “ફર્સ્ટ યરના” વિદ્યાર્થીઓ જ વધુ હતા. બાકીના મોટા ભાગના વિદ્યાર્થીઓ ગામમાં ભાડે રહેતા. હોસ્ટેલમાં ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર એમ યર પ્રમાણે વિભાગો પાડી વિદ્યાર્થીઓને રૂમો આપવામાં આવતા. ફર્સ્ટ યર વિભાગમાં બધા ફર્સ્ટ યર વાળા વિદ્યાર્થીઓ જ હોય..સેકન્ડ યરમાં બધા સેકન્ડ વાળા તે રીતના.. હોસ્ટેલનું તંત્ર કોલેજ કરતાં વધુ કડક હતું. સિનિયર દ્વારા રેગિંગ થવાની કે હેરાનગતિ થવાની કોઈ સંભાવના ન હતી. અને આવા કિસ્સામાં રેકટરનો માર પણ પડતો… જોકે મોટા ભાગના સિનિયર નપાસ થઈને ઘરે બેઠેલા. અને વધેલા તે ગામ માં ભાડે રહેતા.
પણ બીજી બધી બાબતોમાં હોસ્ટેલ રામ ભરોસે ચાલતી. આમ પણ કોલેજના વિદ્યાર્થીઓ નિયમોનું પાલન કરે જ, તે આશા રાખી શકાય નહીં.
તો પેહલા વર્ષે મારા રૂમમાં મારા સિવાય બે રૂમ પાર્ટનર હતા. વિશાલ અને તનમય. વિશાલ થોડો ધૂની અને આખા બોલો. પાછળથી બધા તેને વિશાલ ગાંડો જ નામ પડેલું. પેલી વારમાં કોઈને ગમે તેવો માણસ નહીં. તેની જીભ પર કાંટાઓ. બોલવામાં કંઈ ભાન નહીં. પણ સાચા બોલો. આ બધાં લક્ષણો હોવા છતાં હૃદયમાં કોઈ પાપ નહીં. કોઈ પણ કામ અને મદદ માટે હમેશા તૈયાર. તનમયનું પણ તેવું જ. પણ વિશાલ કરતા થોડો સ્વાર્થી. પેલા પોતાનો લાભ જોવાનું. પણ મદદ માટે હંમેશા તૈયાર.. આખા ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ અહીં આવેલા. આજુબાજુના રૂમોમાં મારા જેવા જ ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ રહેતા.
લગભગ એક અઠવાડિયું ગયું હશે.એક બાજુ હોસ્ટેલમાં રહેવું ન ગમે. ગામડાનું વાતાવરણ, તે ફરવા ક્યાં જવું? બીજી બાજુ કોલેજમાં શું ચાલે છે, તે જ ખબર ન પડે. રૂમ પર આવી પુસ્તકો વાંચવાનો પ્રયત્ન કરું પણ અંગ્રેજીમાં લખ્યું સમજાય નહિ. મેં નિર્ણય કરી લીધો આ એન્જિનિયરિંગ આપણાથી પૂરું થવાનું નથી. વળી કોઈ બે વર્ષથી નપાસ થયેલા, તો કોઈ ત્રણ વર્ષથી નાપાસ થયેલા રખડતા દેખાય. જે વર્ષે મે એડમિશન લીધું હતું, તેની પહેલાની આખી બેચ નપાસ થયેલ.
પણ આ બધા કરતાં મને રહેવાનો જ કંટાળો આવતો હતો. ક્યાંય ચેન નહોતું પડતું…મારા રૂમ પાર્ટનર પણ મને સમજાવ્યો.
તો હું બધું મૂકીને પાછો આવ્યો જામનગર. નક્કી કરી નાખ્યું કે આટલે દૂર એન્જિનિયરિંગ કરવાની આપણી શક્તિ નથી. અને તે પણ વાલિયા જેવા પછાત ગામડામાં. ઘરે આવી નિર્ણય જાહેર કરી દીધો, “આપણે એન્જિનિયરિંગ નથી કરવું” .. ઘરે થોડો સમય તો બધાએ મારી હા એ હા કરી. પણ પછી સમજાવ્યું. જુદા જુદા લોકોએ પણ સમજાવ્યો. અમારા સંબંધી બે ત્રણ એન્જિનિયરો હતા તેમણે પણ સમજાવ્યો. “શરૂઆતમાં અંગ્રેજીમાં કંઇ ખબર નહીં પડે, પછી બધી ખબર પડશે”….” એ તો થોડા દિવસ ન ગમે, પછી ગમવાનું ચાલુ થઈ જ��ે” … વગેરે વગેરે.
મને પણ થોડાક દિવસ બાદ થયું, “આ હાર માનીને ભાગ્યો તે ખોટું કર્યું ” હવે એડમિશન લીધા બાદ પાછા ફરવાનો અર્થ ન હતો.
વળી જામનગરની B.SC કોલેજમાં એડમીશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી. હવે ત્યાં આવતા વર્ષે એડમિશન મળે તેમ હતું. આમ આ આખું વર્ષ બગડે..
વળી આમ હાર માની ભાગી છૂટવું તે તો આંખમાં પડેલા કચરાની જેમ મને ખૂચવા લાગ્યું.
આમ આ બધું વિચારી કૂદી પડવાનું નક્કી કર્યું.
“એક વર્ષ એન્જિનિયરિંગ કરી જોઈએ. શક્તિ પ્રમાણેની મહેનત કરી જોઈએ. જોઈએ શું થાય છે?…. આમ પલાયન કરી ભાગી છૂટવું, તે તો યોગ્ય ન ગણાય… વળી બીજા પણ અહીંથી ચાર વર્ષમાં પાસ થઈ ગયા છે, અને એન્જિનિયર બની ગયા છે. એવું લાગશે તો થોડીક મહેનત વધારે કરીશું પણ આ પડકારને તો ઝીલવો જ પડશે.”…
આવા વિચારો કરીને મનને મક્કમ કર્યું…
- લેખક હર્ષદ રાઠોડ