તે સમયે ગુજરાત સરકારે ટેકનિકલ એજ્યુકેશન માટે જી.ટી.યુ. યુનિવર્સિટી બનાવી. જેથી કરીને પૂરા ગુજરાતમાં ટેકનિકલનો અભ્યાસક્રમ સમાન રહે. અને પરીક્ષાના પેપરો પણ સરખાં નીકળે. જેથી કરીને કોઈને અન્યાય ન થાય. જી.ટી.યુ. પહેલા બધી યુનિવર્સિટીઓ પોતપોતાની રીતે એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ ચલાવતી. VNSGU નો સૌથી અઘરો ગણાતો, તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સૌથી સેહલો. મે તો તેવું પણ સાંભળેલું કે "ઘણી કંપનીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ભણેલા એન્જિનિયરને રાખતી નથી... સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં નપાસ થવું હોય તો પણ અરજી કરવી પડે કે નાપાસ કરજો"... જોકે આ બધી વાતોના પુરાવા મને મળ્યા નથી. છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિશે લોકો શું વિચારે છે, તેની મને ખબર છે.
પહેલું વર્ષ પૂરું થયું એટલે હોસ્ટેલના બદલે બહાર રહેવા જવાનું નક્કી કર્યું. હોસ્ટેલમાં આમ પણ ગમતું નહોતું. અમને ત્યારે ગામથી થોડે દુર, એમ કહો કે છેવાડે એક રૂમ મળ્યો. નીચે મકાનમાલિક રહેતા અને ઉપરના બે રૂમમાંથી એક રૂમ, જે પ્રમાણમાં નાનો હતો, તે અમને ભાડેથી આપ્યો. તે સમયે વ્યક્તિ દીઠ 800 રૂપિયાનું ભાડું લીધેલું. જોકે તે સમય પ્રમાણે આ રકમ થોડીક વધારે જ કહેવાય. અને રૂમ પણ પ્રમાણમાં નાનો હતો. અમે ત્રણ, હું વિશાલ અને તન્મય ત્યાં રહેવા ગયા..
અમારો રૂમ ગામથી થોડે દૂર હોવાને કારણે પૂરતી હવા ઉજાસ વાળો હતો. આજે પણ મારી પસંદગીમાં કોઈ ફરક પડયો નથી. હવા-ઉજાસ વગરના મકાનમાં હું થોડા કલાકો પણ રહી શકતો નથી. આજે પણ શહેરની વચ્ચે ભીડભાડવાળા વિસ્તારમાં રહેવું ગમતું નથી. થોડે દુર જો રહેવાનું ગોઠવવામાં આવે તો સસ્તામાં અને પૂરતા હવા-ઉજાસ વાળી જગ્યા મળી રહે. થોડો આવવા જવાનો સમય લાગે,પણ તેની સામે બીમાર થવાનું જોખમ તો નહિ.
વાલીયા ગામમાં આદિવાસીના ઘરો પણ ઘણા. પાછળથી ઘણા સાથે ગાઢ મિત્રતા પણ થયેલી. આમાંથી મોટાભાગના સાદા ઘરમાં અથવા છાણથી લીપેલા ઘરોમાં રહેતા. પાછળથી ગુજરાતના જુદા-જુદા શહેરોમાં દલિત વિસ્તારો પણ જોયા છે. આ વિસ્તારોમાં મોટેભાગે ગંદકી અને અવ્યવસ્થા જોવા મળે છે. આ ગંદકી દૂર કરી શકાય તેમ છે. આદિવાસી કે દલિત વિસ્તાર હોય તેથી ગંદો જ હોય તે વાત ખોટી સાબિત કરી શકાય તેમ છે. ત્યાં રહેતા લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા કેળવવી જોઈએ. મને ખ્યાલ છે કે આ કાર્ય થોડું મુશ્કેલ જરૂર છે, પણ અશક્ય નથી. જો થોડાક લોકોને તે વિસ્તારમાંથી જ સંગઠિત કરવામાં આવે અને તેના દ્વારા સફાઈ અભિયાન જેવા અભિયાન યોજી ઘરે ઘરે પહોંચી જાગૃતતા કેળવવામાં આવે તો જરૂર પરિસ્થિતિમાં ફરક પડે. અને આ રચનાત્મક કામ, હજારો નકારાત્મક કામ કરતા ધીમી, પણ લાંબા સમય સુધી પોતાની અસર પાડી. જોકે આ માટે હું દલિત નેતાઓનો વાંક નથી જોતો. આ વિસ્તારમાં મોટામાં મોટો પ્રશ્ન તો બેકારીનો, અને તેમના પ્રત્યે રાખવામાં આવતા જાતિવાદ ભેદભાવને દૂર કરવાનો જ છે. પણ અસ્વચ્છતા, ગંદકીને પણ દૂર કરવી જોઈએ. એ પણ જીવનનો એક પ્રશ્ન તો ખરો...
વાલીયા ગામમાં આદિવાસી ના હોય તેવા બહારના લોકો પણ ત્યાં વસેલા. અને આમાંથી મોટાભાગના લોકો પોતાનો એકાદ રૂમ ખાલી કરી, થોડી અગવડ ભોગવી, ભાડે આપવાનો ધંધો કરતા. અને ભાડું પણ ઘણું વધારે લેતા. તેમાં વળી જાતજાતની પાબંધીઓ અને નિયમો..
તે સમયે અમે પ્રમાણમાં સાદાઈથી જ રહેતા. એક તો હજી ઓનલાઇનનો યુગ ચાલુ થયો હતો. અને તેમાં વળી મોટાભાગના વિદ્યાર્થીઓ એ નિમ્ન મધ્યમ વર્ગમાંથી અથવા ગરીબ વર્ગમાંથી આવતા. એટલે બહુ દેખાદેખી પણ નહોતી. મને યાદ છે, એન્જિનિયરિંગમાં જ્યારે એડમિશન લીધું તે વખતે નોકિયાનો મોબાઈલ લીધે લો. સાદો, કેમેરા વગરનો. તે વખતે કેમેરાવાળા મોબાઇલ મોંઘા આવતા. વળી કેમેરાની ગુણવત્તા પણ આજના જેવી નહોતી. તે સમયે એન્ડ્રોઇડ શબ્દ નહોતો સાંભળ્યો. અને કલ્પના પણ નહોતી કે એન્ડ્રોઇડ મોબાઈલ આવશે. નોકિયાનો મોબાઈલ એન્જિનિયરિંગના ચાર વર્ષ અને બાદમાં એક વર્ષ, એમ કુલ પાંચ વર્ષ વાપરેલો. છતાં તે સારો એવો ચાલેલો. રીપેરીંગ કરાવવાની જરૂર નહોતી પડી. ઓનલાઈન શોપિંગનો વિચારતો સ્વપ્નમાં પણ નહોતો. આજે જ્યારે તે સમયનો અને અત્યારના સમયની સરખામણી કરીએ, તો લાગે છે કે જાણે સો વર્ષનો તફાવત હોય.!!! ટેકનોલોજીનો વિકાસ ખરેખર દિવસે નથી થતો તેટલો રાત્રે થાય છે. બાર-તેર વર્ષમાં ટેકનોલોજી આટલી બદલાઈ ગઈ.
તો આમ સામાન્ય જીવનસરણી જ હતી. કોઇ વધારાનો કહી શકાય તેવો ખર્ચ નહોતો. અને બીજી એક વાત પણ સારી હતી કે અમારા ત્રણેય મિત્રોમાંથી એકને પણ કોઈ જાતનું વ્યસન નહતું. તમાકુ, સિગારેટ કે દારૂ... કોઈ વ્યસન નહીં...
આ વાત નીકળી છે, તો ગંજીપતા ની વાત પણ લખી નાખું.
ગંજી પત્તા રમવાની રમત મને ક્યારેય ગમી નથી. આજે પણ "પતાની" રમતને હું ધિક્કારું છું. અને તેને નૈતિક અધઃપતન રૂપ માનું છું. જો કે આ મારા વ્યક્તિગત વિચારો છે. બધા "પતા" રમનારા ખરાબ નથી હોતા. આમ છતાં પણ મને "પતા" રમવા નથી ગમતા. અને તે એટલે સુધી કે એન્જિનિયરિંગના પૂરા ચાર વર્ષ, મારા રૂમમાં બીજાને પણ રમવા નથી દીધા. આ જ રીતના દારૂ બાબતમાં પણ મારા વિચારો આવા જ છે. દારૂની વાસ મુદ્દલ નથી ગમતી. આજ સુધી હું સમજી શક્યો નથી કે દારૂનો નશો કરી, અર્ધબેભાન અવસ્થામાં શું મજા આવતી હશે?? મે બીજા લોકોને પીધા પછી તોફાનો કરતા, ગાળો બોલતા જોયા છે. મનુષ્યની અંદરનો પશુ દારૂના નશામાં બહાર આવી તમામ હદ વટાવી દે છે. સારા નરસાનું ભાન ગુમાવી દે છે. ઘણા બધા કિસ્સાઓમાં મેં જોયું છે કે પતા, દારૂ અને વ્યભિચાર એકબીજા સાથે થોડા ઘણા અંશે સંકળાયેલા છે. અને એક ખરાબ આદત, બીજી ખરાબ આદત તરફ દોરી જાય છે. અને છેવટે ચારિત્રનો અને આત્માનો વિનાશ કરે છે. મારા મિત્ર અને રૂમ પાર્ટનર વિશાલને પતા રમવાનો જબરો શોખ. પહેલા વર્ષમાં એકવારતો સતત ત્રણ દિવસ એક રૂમમાં, તેના જેવા બીજા લોકો સાથે તે પતા રમેલો. અને તે પરચુરણ જુગારમાં, જમવાનું, ભણવાનું પણ ભુલાઈ ગયેલું. છેલ્લા દિવસે કંઈક વાતમાંથી મોટો ઝઘડો થયેલો અને મારામારી થયેલી. પણ પછી બધાએ ભેગા મળીને શાંત પડેલા...
બીજા વર્ષ દરમિયાન દરરોજ ગામની બહાર ખુલ્લામાં નિયમિત ફરવા તો જવાનું જ. અને સૂર્યાસ્ત જોવાનો. આજે પણ તે દૃશ્ય મને યાદ છે. એનેરા રંગો મને તે વખતના સૂર્યના પીળા રંગોમાં અનુભવાતા. રોજ સૂર્યાસ્ત જોવા છતાં ક્યારેક કંટાળો આવ્યો નથી. રોજ તે જોવાની માનો આદત પડી ગઈ હતી. આ સમય દરમિયાન પ્રકૃતિની સુંદરતાને વધુ ઓળખતા શીખ્યો તેમ કહી શકાય....HJR