રવિવાર એટલે રજાનો દિવસ. આખા સપ્તાહમાં ઘણા બધા કામોની યાદી બનાવવામાં આવી હોય, એ આશાએ કે રવિવારે તેમને પૂરા કરી શકાશે... અને રજાનો દિવસ આ કામો કરવામાં ક્યારે વિતી જાય, તેની ખબર પણ ના રહે. વળી, કામોની યાદી એવડી મોટી હોય કે માત્ર અડધા જેટલા કામો થઈ શકે. રવિવારે એટલું બધું થાકી જવાય કે સોમવારે થાક ઉતારવાની રજા રાખવાનો વિચાર આવે!! અને વોટ્સઅપ ઉપર આવતા કાર્યસ્થળ ઉપરના મેસેજની શું વાત કરવી?
આમ, સપ્તાહના અંતમાં આવતો રવિવાર માથાનો દુખાવો થઈ પડે... વળી ક્યાંકને ક્યાંક ફરવા જવાનો પ્લાનિંગ ઘરના સભ્યોએ બનાવ્યો હોય. ફરવા જવાનો પ્લાનિંગ ના હોય તો બહાર જમવા જવાનો પ્લાન બનાવ્યો હોય. હવે, રવિવારના દિવસે રેસ્ટોરનો અને નાસ્તાની લારીઓ ઉપર પણ એટલી ભીડ હોય કે મજા ન આવે. ફરવાના સ્થળો ઉપર પણ એટલો બધો ઘોંઘાટ હોય કે માથું દુઃખી આવે. કારણકે બધાને રવિવારની રજા ઉજવવાનો શોખ હોય. આખું સપ્તાહ મજૂરી કરીને થાકી ગયા હોય અને ઇચ્છા હોય કે થોડુંક ચેન્જ થાય... મજદૂર અને કામદાર વર્ગ માટે તો સપ્તાહમાં આવતી એક રજા એટલે એક દિવસના સ્વર્ગની ટીકીટ....
એટલે મેં રવિવારની રામાયણમાંથી છુટકારો મેળવવાનું નક્કી કર્યું. આડા દિવસ કરતાં વધારે રવિવારે કંટાળતો. એટલે રવિવારે નક્કી કર્યું કે "રવિવાર એટલે રવિવાર...."
તે દિવસે કોઈ કામ કરવાનું નહીં. ભલે ગમે તેટલું અગત્યનું હોય. સવારના ઉઠી તૈયાર થઈ અને વાંચવા બેસી જવું.... બસ એના સિવાય બીજું કોઈ કામ કરવાનું નહીં... અને તે દિવસ માટે કોઈપણ પ્લાનિંગ કરવાનો નહીં. ન બાહર ફરવા જવાનો કે ન જમવા જવાનો... કોઈ પ્લાનિંગ નહીં. ઓચિંતાનું મન થઈ જાય તો નીકળી પડવાનું...
છેલ્લા કેટલાક સમયથી રવિવાર ખરેખર મજાનો વીતે છે. કોઈ જાતના ટેન્શન વગરનો અને કોઈ જાતની ચિંતા વગરનો. હું તો કહું છું કે આનો અમલ કરવો જોઈએ. રોજેરોજ એટલી ભાગાભાગ કરીએ છીએ, થોડોક સમય થંભી જવાની જરૂર.. થોડોક સમય ઊભા રહીને અવલોકન કરવાની જરૂર છે. આપણે ખૂબ ઝડપથી આગળ તો વધી રહ્યા છીએ પણ ક્યાંક ખોટી દિશામાં તો આગળ નથી વધતાને??
આને જ પોતાની જાત માટે સમય કાઢવાનું કહી શકાય. તે દિવસ માટે કંઈક થોડુંક જુદું કામ કરવાનું. જુદી જગ્યાએ ફરવા જવાનું કે... પછી સાહિત્યની મહાન રચનાઓને વાંચવાનું. તે એક નવીનીકરણની પ્રક્રિયા પૂરી પાડે છે. અને આખો ઉપર, હૃદય ઉપર, મન ઉપર, છવાઈ ગયેલી ધૂળને સાફ કરે છે.
બાકી, આ નફા કેન્દ્રિત વ્યવસ્થા માણસને શાંતિથી મરવા પણ દેવાની નથી. મર્યા બાદ પણ તેમાંથી નફો નીચોડવાની છે.