સવાર થતાં પપ્પા જામનગરથી આવી પહોંચ્યા. બપોર સુધીમાં મારા ભાઈ ની તબિયત સુધરી હતી. અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ૨:૩૦ આવનાર "જામનગર સુરત ઇન્ટરસિટીમાં" મારા ભાઈને જામનગર મોકલી દીધો. પપ્પા કહે, "હું થોડાક દિવસ તારી સાથે રહી જાવ. જેથી તને એકલું ન લાગે"... મારી ઇચ્છા હતી નહીં. આમ છતાં છેવટે અનિચ્છાએ તેમની વાત સ્વીકારી. તે વખતે મને શરમ આવતી હતી કે બીજા છોકરાઓ મારા વિશે શું વિચારશે?? ઘરથી એકલો રહી પણ શકતો નથી. પપ્પા લગભગ ચાર-પાંચ દિવસ સાથે રહીને ગયા..
તે વખતે GTU ન હતી. ગુજરાતમાં વિસ્તાર પ્રમાણે જુદી જુદી યુનિવર્સિટી હતી. અમારે VNSGU એટલે કે " વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરત" લાગુ પડતી. અત્યારે GTU માં જે રીતના, પાઠ્યપુસ્તક ટાઈપના પુસ્તકો આવે છે, અને સરળતાથી ઉપલબ્ધ છે. તેવા પુસ્તકો અમારે ન હતા. જુદા જુદા મુદ્દાઓ/ટોપીકો યુનિવર્સિટી પરથી આપવામાં આવે, અને તેની સાથે જુદા-જુદા સંદર્ભ પુસ્તકોના (Reference book) નામ આપવામાં આવે. અને તે જુદા જુદા સંદર્ભ પુસ્તકોનો ઉપયોગ કરી તૈયારી કરવાની. વળી VNSGU યુનિવર્સિટીનો અભ્યાસક્રમ (syllabus) બાકી બીજી યુનિવર્સિટી કરતા લાંબો અને અઘરો હતો. અને તે પાસ કરવો એટલે ખરેખર લોઢાના ચણા ચાવવા બરાબર હતા. VNSGU માંથી જેણે એન્જિનિયરિંગ કર્યું હશે તેઓને જ ખબર હશે કે VNSGUનું કામ કેટલું ખરાબ. પરીક્ષાના ટાઈમ ટેબલના કોઈ ઠેકાણા નહીં. પેપર સ્ટાઇલ જેવું કંઈ નહીં. પેપર આવે ત્યારે ખબર પડે.... રીઝલ્ટ ક્યારે આપે તે નક્કી નહીં.. અને કોઈપણ કામ એક જ વખતમાં યુનિવર્સિટી ઉપર થઈ જાય તો ગંગા નાહ્યા... કેટલાકની અટક બદલી જાય.. તો કેટલાકના નામ પાછળ કુમારમાંથી કુમારી થઈ જાય. નામ સુધારવા આપેલ રીઝલ્ટ કે ડોક્યુમેન્ટ ક્યારે પાછો આવ્યો તે નક્કી નહીં... અને પાછો આવ્યા બાદ કોલેજ પરથી ક્યારે મળે?? ... અમારી કોલેજ તો યુનિવર્સિટીને પણ સારી કહેવડાવે.
ગોધરા થી પાછા આવ્યા અંકલેશ્વર - મારી એન્જિનિયરિંગની યાત્રા ની આત્મકથા ભાગ -5
આમ છતાં અમુક વાતોમાં યુનિવર્સિટીનો વાક ન હતો. પાછળથી મે GTUમાં એન્જિનિયરિંગ પણ ભણાવ્યું. અને તેના આધારે હું કહી શકું કે GTUના અભ્યાસક્રમ કરતા, VNSGUનો અભ્યાસક્રમ લાખ ગણો સારો હતો. અને તે અભ્યાસક્રમ વધારે ઊંડાણપૂર્વક અને લંબાણથી મુદ્દાઓને સ્પર્શતો. મારું માનવું છે કે એન્જિનિયરિંગમાં પેપર સ્ટાઇલ જેવું હોવું જ ન જોઈએ. અને આજે જે રીતના GTU માં પાઠ્યપુસ્તક ટાઈપના પુસ્તકો આવે છે, માત્ર તેટલું જ તૈયાર કરીને જવાનું. તેવું તો બિલકુલ ન હોવુ જોઈએ. એન્જિનિયરિંગમાં રિસર્ચ તરફ પ્રોત્સાહન આપતો અભ્યાસક્રમ હોવો જોઈએ. આમ છતાં આપણી પદ્ધતિ બીબા ઢાળ પ્રકારની જ રહી છે.
હવે થોડું અમારી કોલેજ વિશે. કોલેજ બે મજલાની મોટી ઈમારત હતી. વાલીયા ગામ થોડી દુર રસ્તા ઉપર આવેલી. કોલેજની ઇમારતની આજુબાજુ ખુલ્લું વાતાવરણ અને ઉજ્જડ મેદાન. તેમાં બગીચો બનાવવાનો પ્રયત્ન થયેલો પણ કોલેજનું પગ-માથા વગરનું મેનેજમેન્ટ તેમાં નિષ્ફળ ગયેલું. અને તેની નિષ્ફળતા ની ચાડી ખાતા સૂકા ઝાડ-છોડ ભૂતની જેમ ત્યાં દેખાતા. કોલેજમાં ચાર બ્રાન્ચ હતી. મિકેનિકલ, કોમ્પ્યુટર, ઈલેક્ટ્રીકલ અને EC...
અંકલેશ્વરના બદલે ગોધરા આવી ગયું - મારી એન્જિનિયરિંગની યાત્રા ની આત્મકથા ભાગ -4
તે દિવસોમાં ચોમાસાની શરૂઆત થઈ ગયેલી. એક રાત્રે ખૂબ વરસાદ પડ્યો. અમારો "ફર્સ્ટ યરનો" મેકેનિકલનો ક્લાસ જે હોલમાં બેસતો, તેમાં એક ઇંચ જેટલું પાણી ભરાઈ ગયું. પગ પાણીમાં ડૂબેલા રહે. આ સ્થિતિમાં ભણવાનું અને લેક્ચરરોએ ભણાવવાનું. પૂરા બે દિવસ આવી સ્થિતિ રહેલી. છેવટે પાણી જે રીતના ભરાયું હતું, તે જ રીતના અમારી દયા ખાઈને આપમેળે ઉતરી ગયું. તે દિવસોમાં કોલેજમાં પીવાના પાણીની કોઇ વ્યવસ્થા નહીં. બધા વિદ્યાર્થીઓ ફરિયાદ કરી કરીને થાકી ગયા. ત્યારે ત્રણ-ચાર મહિને એક કૂલર આવ્યું. તે પણ ક્યારેક પાણી વગરનું રેહતું... પીવાના પાણીની બાબતમાં કોલેજના કુલરનો ભરોસો કરી શકાય નહીં. તમે તરસા આવ્યા હો, ત્યારે જ કૂલરમાં પાણી ખલાસ હોય. અને આ સિવાય પાણીની બીજી કોઈ વ્યવસ્થા નહીં. આખી કોલેજમાં "સેકન્ડ યરનો" ક્લાસ જ નહીં. ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ, કોમ્પ્યુટર કે EC એક પણ બ્રાન્ચનો ક્લાસ નહીં. કારણ કે "સેકન્ડ યરની" આખી બેન્ચ જ નપાસ થયેલ..બધા જ ઘરે બેસી ગયા. મને યાદ છે ત્યાં સુધી માત્ર છ- સાત વિદ્યાર્થીઓ પાસ થયેલા. અને તેમાંથી મેકેનિકલના તો માત્ર બે જ.. આ, ટૂંકમાં અમારી વાલિયા કોલેજનો પરિચય. કોલેજ પર લખવા માટે તો ઘણું બધું છે. પણ તે ધીમે ધીમે આવતું રહેશે. તો આમ અમારી કોલેજ બધા કરતા વિશિષ્ટ હતી. આમ છતાં જ્યારે તે બંધ થઈ, અને તે સમાચાર મળ્યા, ત્યારે સૌથી વધુ દુઃખ મને થયું. જીવનના અમૂલ્ય એવા ચાર વર્ષ ત્યા વિતાવેલા
- લેખક હર્ષદ રાઠોડ