બીઆર ચોપરાની સીરિયલ મહાભારતમાં ભીમનું પાત્ર ભજવનાર અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું નિધન થયું છે. પ્રવીણ કુમાર 74 વર્ષના હતા. પ્રવીણ તેના વિશાળ કદ માટે જાણીતા હતા. તેમણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી હતી. સાડા 6 ફૂટ ઊંચા એક્ટર અને સ્પોર્ટ્સપર્સન પંજાબના હતા.
અભિનય ક્ષેત્રે જોડાતા પહેલા તે એથ્લેટ હતા
અભિનય પહેલા પ્રવીણ હેમર અને ડિસ્કસ થ્રો એથલીટ હતા. તેમણે એશિયન ગેમ્સમાં ચાર મેડલ (2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ) જીત્યા હતા. તેમણે બે ઓલિમ્પિક ગેમ્સ (1968 મેક્સિકો ગેમ્સ અને 1972 મ્યુનિક ગેમ્સ)માં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેઓ અર્જુન પુરસ્કાર વિજેતા પણ હતા. રમતગમતના કારણે પ્રવીણ કુમારને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)માં ડેપ્યુટી કમાન્ડન્ટની નોકરી મળી હતી.
70ના દાયકામાં મનોરંજનની દુનિયામાં પ્રવેશ કર્યો
ટ્રેક અને ફિલ્ડ સ્પોર્ટ્સમાં સફળ કારકિર્દી પછી પ્રવીણે 70 ના દાયકાના અંતમાં મનોરંજનની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. અકે ઈન્ટરવ્યુંમાં પ્રવીણે તેમની પ્રથમ બોલિવૂડ ફિલ્મ સાઈન કર્યાનું યાદ કર્યું જ્યારે તે એક ટુર્નામેન્ટ માટે કાશ્મીર ગયા હતા. તેમની પ્રથમ ભૂમિકા રવિકાંત નાગાયચ દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી જેમાં તેમને કોઈ ડાયલોગ બોલવાના નોહતા.
પ્રવીણ કુમાર બીમાર હતા
ગયા વર્ષે ડિસેમ્બરમાં પ્રવીણ કુમારે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે તેઓ ઘણા સમયથી ઘરે છે. તબિયત સારી નથી રહેતી. તેમને કરોડરજ્જુની સમસ્યા છે. ઘરમાં પત્ની વીણા પ્રવીણ કુમારનું ધ્યાન રાખે છે. એક દીકરીના લગ્ન મુંબઈમાં કર્યા છે.
પેન્શન પર નારાજગી વ્યક્ત કરી હતી
પેન્શનને લઈને પ્રવીણ કુમારે કહ્યું હતું કે તેમને પંજાબની તમામ સરકારો તરફથી ફરિયાદ છે. એશિયન ગેમ્સ કે મેડલ જીતનારા તમામ ખેલાડીઓને પેન્શન આપવામાં આવતું હતું. પરંતુ તેમને ના પાડવામાં આવી હતી. જ્યારે સૌથી વધુ ગોલ્ડ મેડલ તેમણે જીત્યા હતા. કોમનવેલ્થનું પ્રતિનિધિત્વ કરનાર તે એકમાત્ર એથલીટ હતો. તેમ છતાં પેન્શનના મામલે તેની સાથે સાવકી મા જેવું વર્તન કરવામાં આવ્યું હતું. જો કે હાલમાં તેને BSF તરફથી પેન્શન મળતું હતું.