કોરોનાકાળ ઘોડાની બગ્ગીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે કાળ સમાન સાબિત થયો છે. સુરત શહેરમાં કોરોનાકાળમાં રખરખાવ, ભોજન અને કસરતના અભાવે સુરત શહેરમાં 60થી 70 ઘોડાનાં મોત થયા છે. તેથી, હાલમાં ઘોડાના અભાવે ૩૦થી વધુ બગીઓ ખાલી છે. અને વરરાજાએ ઘોડી પર ચડવું હોઈ તો ગત વર્ષ કરતા ડબલ મોંઘુ થઈ ગયું છે.
કોરોનામાં ઘોડાની તબિયત પર તેની વિપરીત અસર પડી
ઘોડો અને બગ્ગી ઇતિહાસમાં રાજા અને રજવાડાની શાન ગણાતી હતી. તેમાં પણ મહારાણી રાણી લક્ષ્મીબાઈની તો ઘોડી સાથે ઇતિહાસ પણ છે. શિવાજી મહારાજ અને અન્ય મહારાજા સાથે પણ ઘોડાના લેખ લખાઈ ચુક્યા છે. ઘોડો મનુષ્ય માટે સૌવથી વફાદાર હોવાની કહેવત પણ છે. પરંતુ આજે આ ઘોડા માત્ર રેલી અને લગ્ન સિઝનની શાન બનીને રહી ગયા છે. કોરોનાના કારણે લોકડાઉનમાં મહિનાઓ સુધી ઘોડાઓ તબેલામાં બાંધવા પડ્યા હતા. બગ્ગીના ઓર્ડર ન મળતા બગ્ગી સંચાલકોની આર્થિક સ્થિતિ કથળી ગઇ હતી. તેમણે ઘોડાના રખરખાવ પાછળ ખર્ચ ઓછો કર્યો હતો. તેથી ઘોડાની તબિયત પર તેની વિપરીત અસર પડી હતી.
લોકડાઉનમાં ઘોડાને મહિનાઓ સુધી તબેલામાં બાંધી રખાતા
વર્ષોથી બગીના વ્યવસાય સાથે સંકળાયેલા સય્યદ વજ્યુદ્દીન અલીભાઇએ જણાવ્યું હતું કે ઘોડો ખુલ્લામાં ફરતું પ્રાણી છે. તેને દૈનિક ચારથી પાંચ કિમી ચલાવવો અને દોડાવવો પડે છે. પગમાં માલીશ કરવું પડે છે. લોકડાઉનમાં ઘોડાને મહિનાઓ સુધી તબેલામાં બાંધી રખાતા તેના પાચનતંત્ર પર વિપરીત અસર થઇ હતી. કેટલાક વૃદ્ધ ઘોડાઓને અપચો થઇ ગયો હતો. તેથી, ઘોડાના પેટમાં ચુક આવે છે. ચુકને કારણે ઘોડાના પેટમાં દુખાવો ઉપડે છે. ઘોડાના મળ અને મૂત્ર બંધ થઇ જાય છે. તેથી 12થી 24 કલાકમાં ઘોડાનું મોત થાય છે. અમારી પાસે લોકડાઉન પહેલા 10 ઘોડાઓ હતો, પરંતુ દોઢ વર્ષમાં છ ઘોડા મરી ગયા છે. તેથી, અંદાજિત આઠ લાખનું નુકસાન થયું છે. હાલમાં માત્ર ચાર ઘોડા બચ્યા છે. આ રીતે અન્ય ઘોડાના માલિકો સાથે પણ બન્યું છે.
સુરત શહેરમાં કોરોનાકાળમાં 60 ઘોડાઓ મોતને ભેટ્યા
એક ગણતરી મુજબ સુરત શહેરમાં કોરોનાકાળમાં 60 ઘોડાઓ મોતને ભેટ્યા છે. આને કારણે શહેરમાં લગ્નસરામાં ઉપયોગમાં લેવાતી ૩૦થી વધુ બગ્ગી ઘોડા વગર નકામી બની છે. હાલમાં ઓર્ડર મળે છે. પરંતુ, ઘોડાને અભાવે બગ્ગી બેકાર ઊભી છે, તેવું તેમણે ઉમેર્યું હતું. ત્યારે અચાનક કતારગામથી એક વરરાજા આ જગ્યા પર બુકીંગ માટે આવી પહોંચ્યા હતા. પરંતુ વરરાજાના લગ્ન તો આવતા મહિનામાં હોવા છતાં ભાવ કાઢવા માટે આવ્યા હતા. અને એમને પરસેવો છૂટી ગયા હતો. કારણ કે વરરાજાને અનુભવ થયો કે ઘોડી ચડવું હવે ખુબજ મોંઘું બની ગયું છે.
આવકતા અભાવે ઘોડાતા રખેવાળોને છૂટા કર્યા
કોરોનાકાળમાં બગ્ગીવાળાને ઓર્ડર ન મળતા તેમણે ઘોડાની દેખભાળ રાખતા કારીગરોને છૂટા કરી દીધા હતા. તેથી ઘોડાઓનો રખરખાવ થયો ન હતો. કેટલાક કારીગરો અન્ય વ્યવસાયમાં જોડાઇ ગયા હતા. એક ઘોડા પાછળ દૈનિક રૂ. 200નો ખર્ચ થાય છે.
બગ્ગીમાં સીધી, મારવાડી, કાઠી, પંજાબી વગેરે પ્રજાતિના ઘોડાઓ
બગ્ગીમાં સીંધી, મારવાડી, કાઠી, પંજાબી વગેરે પ્રજાતિના ઘોડાઓ વપરાય છે. આ ઘાડાને બગ્ગી સાથે જોડવા બે માસની ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. લગ્નસિઝનને કારણે બગ્ગીઓનો ઓર્ડર પણ હાઉસફુલ થઇ ગયા છે. તેથી, લોકો કારમાં વરરાજાને બેસાડવા માટે મજબૂર બન્યા છે. લગ્નો અને શોભાયાત્રા જેવા સમારોહમાં ખાસ બગ્ગીમાં સફેદ કલરના ઘોડાની માંગ વધારે હોય છે. સુરતમાં અંદાજિત 400થી 450 ઘોડા છે જે પૈકી 60 ઘોડાના મોત થઈ ગયા છે. કોરોનાનું સંક્રમણ તો ઘટ્યું છે. પરંતુ કોરોનાની વેપાર અને વેપારીઓ પરની અસર હજી પણ જોવા મળી રહી છે. માત્ર દોઢ વર્ષમાં જ જો 60 ઘોડાના મોત સુરતમાં થયા છે. તો વિચારો કે રાજ્યમાં અને અન્ય દેશના રાજ્યોમાં રહેલા ઘોડાઓની અસર શું હશે. તો ખરેખર કેહવાય કે નહિ કે ઘોડી પર ચડવા માટે હવે વરરાજાને મોંઘું પડી રહ્યું છે.