આપણું જીવન ચલાવનાર ચૈતન્યશક્તિ આપણી અંદર વસી છે. તેનું સાનિધ્ય સતત આપણી સાથે છે. પણ આખા દિવસમાં ત્રણ વાર તે શક્તિ આપણી ખૂબ નજીક આવે છે. તે સમયે તેને કૃતજ્ઞાતાથી યાદ કરીએ તેનું નામ “ત્રિકાળ સંધ્યા”. ગયા વખતે આપણે “શક્તિદાતા” ભગવાનને નમસ્કાર કર્યા. તે મારું ખાધું પચાવી મને શક્તિદાન કરે છે. તેથી જમતા પહેલાં તેને પ્રેમથી યાદ કરીએ.
यज्ञशिष्टाशिन:… यत्करोषि.. બોલ્યા પછી ત્રીજો વિચાર એ આવે કે- મનુષ્ય ખાય છે, પણ ભૂખ લાગવી કે અન્ન પચાવવું કશું તેના હાથમાં નથી. પરમેશ્વરરૂપ “વૈશ્વાનર” જઠરમાં પ્રગટ થયો હોય તો જ અન્નગ્રહણ અને પાચન શક્ય થાય છે. આ ‘વૈશ્વાનર’ નામનો અગ્નિ આપણા શરીરમાં વસે છે. પણ આ ઊર્જા શરીરમાં રહીને પણ શરીરને બાળતી નથી, ઊલટું શરીરનો ઘસારો પૂરો કરે છે. તમે કહો, ઈશ્વર સિવાય આ ચમત્કાર કોણ સર્જી શકે? આપણે રોટલી-શ્રીખંડ-શેરડી કંઈપણ ખાઈએ, તેમાંથી લોહી તો લાલ રંગનું જ બને છે. આ કમાલ આપણામાં પ્રજ્વલિત વૈશ્વાનરની છે. અને તેથી જ ત્રીજો શ્લોક આપણે બોલીએ કે-
अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रित : ।
प्राणापानसमायुक्त: पचाम्यन्नं चतुर्विधं ।।
અર્થઃ હું (પરમાત્મા) વૈશ્વાનર અગ્નિ થઈને અને પ્રાણીઓના દેહનો આશ્રય કરીને રહું છું. પ્રાણ, અપાન, ઇત્યાદિ વાયુથી યુક્ત થઈને ચર્તુિવધ એટલે કે ચાર પ્રકારનું (ખાદ્ય, પેય, લેહ્ય અને ચોષ્ય) અન્ન પચાવું છું.
ખરેખર, જમતી વખતે ભોજન કરનાર જો વિચાર કરે કે, ‘હું મારી અંદર રહેલા વૈશ્વાનરને શાંત કરવા ભોજન કરું છું. આ શરીર વડે મારે સત્કર્મો કરવા છે. તેથી તેને શક્તિ પૂરી પાડું છું.’ આવો વિચાર કરનાર જીભના ચટકા માટે તીખું, વાસી, ખાટું, અન્ન ન ખાતાં શુદ્ધ, પૌષ્ટિક, અને સાત્ત્વિક ખોરાક ખાશે. તેનાથી સ્વાસ્થ્ય તો સારું થશે જ, સાથે સાથે મન પણ ઉન્નત બનશે.
મન પર ખોરાકની બહુ અસર થાય છે. આપણામાં કહેવત છે કે ‘અન્ન તેવો ઓડકાર’. આપણે જે અન્ન ખાઈએ છીએ તેની વૈચારિક સૂક્ષ્મ અસર આપણા મન પર થાય છે. ‘ચોરને ત્યાં ભોજન કર્યા પછી સાધુને ચોરી કરવાની બુદ્ધિ સૂઝી’ આવી વાર્તાઓ આપણને એ સમજાવે છે કે અન્નના પાવિત્ર્ય પર વિચારોના પાવિત્ર્યનો આધાર છે. તેથી ભોજન બનાવતી વખતે પણ જો ‘વૈશ્વાનરને જમાડવાનું પવિત્ર કાર્ય હું કરી રહી છું’ એવું બહેનો વિચારે તો રસોઈ બનાવવી પણ યજ્ઞાય કર્મ બની જાય. તેથી જૂના કાળમાં સ્તોત્ર કે ભજન ગણગણતાં રસોઈ બનાવવામાં આવતી. ‘ભોજનનો ઉદેશ્ય ઉદરભરણ નથી’ એ સમજીને રસોઈ કરવામાં આવવી જોઈએ. માત્ર પેટ ભરવા જમીએ તો તેમાં જઠરાગ્નિને સાચો સંતોષ થતો નથી. માત્ર જીભના સ્વાદને માટે અન્ન પકાવીએ તો તે ખાવાથી ભીતરમાં રહેલો વૈશ્વાનર પ્રસન્ન થતો નથી. બીજું, ગૃહસ્થના ઘરમાં તૈયાર થયેલા અન્ન પર અનેકનો અધિકાર હોય છે. તેથી જ આપણે ત્યાં ભોજનપૂર્વે ‘વૈશ્વદેવ’ કરવાનું કહ્યું છે. અતિથિ, આશ્રિત અને આપ્તજનને પ્રથમ સંતુષ્ટ કરીને જ અન્નસેવન કરવાનું છે. સર્વને સંતુષ્ટ કર્યા બાદ ભોજન કરનારો ‘યજ્ઞાશિષ્ટ અન્ન’નું સેવન કરે છે. તેને ‘અમૃતનું ભોજન’ કરનારો કહ્યો છે. આ ભગવાને અંદર મૂકેલી પાચકશક્તિ “વૈશ્વાનર”ને નમસ્કાર કરી મનને પ્રગલ્ભ બનાવીએ.
છેલ્લે, ચોથા શ્લોક તરીકે ઉપનિષદનો શાંતિમંત્ર બોલવો. પછી ભોજનની શરૂઆત કરવી.
ॐ सह नाववतु सह नौ भुनक्तु सह वीर्यं करवावहै
तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ।।
ॐ शांति शांति शांति ।।
હે પરમાત્મા, અમારા બંનેનું બરાબર રક્ષણ કરો, અમારા બંનેનું બરાબર પાલન પોષણ કરો. અમે બંને બરાબર બળ પ્રાપ્ત કરીએ. અમારા બંનેની અધ્યયન કરેલી વિદ્યા તેજસ્વી બને. અમારામાં એકમેક વિષયે પરસ્પર દ્વેષ ન રહે. અમારા ત્રણે સંતાપોની નિવૃત્તિ થવા દો.
ભગવાનનો પ્રેમ સ્મરીને બોલાતા આ શ્લોકોમાં ભાવનો સ્પર્શ છે. આ કૃતજ્ઞાતાથી પ્રભુને યાદ કરી આ ચારે શ્લોક બોલવાથી માણસનું મનુષ્યત્વ ખીલે છે- ભોજનનું પાવિત્ર્ય વધે છે. ભોજનનું મહત્ત્વ આપણા જીવનમાં અન્ય કાર્યોના મહત્ત્વ જેટલું જ છે. સૃષ્ટિ ચલાવનારી શક્તિ મારી અંદર વસી છે તેથી જમવું એ પવિત્ર ક્રિયા થઇ. જમવું એટલે શરીરરૂપી મંદિરમાં વિરાજેલી વૈશ્વિક શાંતિને નૈવેદ્ય ધરવો. શુદ્ધ આસન, શુદ્ધ વાસણ, શુદ્ધ આચાર, શુદ્ધ વિચાર રાખી ભોજન કરવાથી ભોજન યજ્ઞા બને છે. પ��રસન્ન ચિત્તે ભોજન લેવાય તો શરીર અને મન બંને પુષ્ટ થાય. શાસ્ત્રોમાં કહ્યું છે- “अन्नं ब्रहम”– અન્ન એ બ્રહ્મ છે. કારણ કે આપણે જે ખોરાક ખાઈશું તેમાંથી જ અન્નરસ તૈયાર થાય છે. તેનાથી જ આપણું મન પ્રફુલ્લિત થાય છે. અને તે અન્નનું પરિણામ આપણા લોહી પર થાય છે. તે અસર એક મહિના સુધી રહે છે. તેથી પ્રફુલ્લિત થઈને જમીએ, પ્રસન્નતાથી જમીએ, પ્રભુને યાદ કરીને જમીએ તો ભોજન પ્રસાદ બને છે.
આ સમજણ આવે તે માટે ‘ત્રિકાળ સંધ્યા’ રોજ બોલવાની છે. રોજ બોલવાથી હળવે હળવે જીવન પર અસર થાય. આવો કૃતજ્ઞાતાપૂર્ણ માનવ ભગવાનને ગમે. પ્રભુના “સ્મૃતિદાતા” અને “શક્તિદાતા” રૂપને નમસ્કાર કર્યા પછી આવતા વખતે “શાંતિદાતા” રૂપને સમજીશું.