મે પાછા ફરવાનું નક્કી કર્યું. મારી સાથે મારો નાનો ભાઇ પણ થોડા દિવસ રહેવા આવવા તૈયાર થયો. જેથી મને અજાણ્યું ન લાગે. અમે બંને જામનગરથી રાત્રે ઉપડતી સૌરાષ્ટ્ર મેલમાં અંકલેશ્વર જવા માટે નીકળવાના હતા. સૌરાષ્ટ્ર મેલના જે સમય હતો, તેના પછી બરાબર દસ મિનિટ બાદ “ઓખા ગોરખપુર એક્સપ્રેસ” આવતી. આ ટ્રેન સપ્તાહમાં એક વખત આવતી. અમે પ્લેટફોર્મ પર આવ્યા. અને જેવા આવ્યા ત્યા જ ગાડી આવીને ઊભી રહી. જનરલની ટિકિટ લીધી હતી. ટ્રેનનું નામ વાંચ્યા વગર ધક્કામુક્કી કરતા જનરલ ડબ્બામાં ચડી ગયા. આખો ડબ્બો ચિક્કાર ભરાયેલો. ક્યાંય પગ મૂકવાની જગ્યા નહીં. લગભગ બધાજ યુપીના મજૂરો. આખા ડબ્બામાં કદાચ અમે બે ભાઈઓ જ ગુજરાતી હશું.
"ગોધરા થી પાછા આવ્યા અંકલેશ્વર" - મારી એન્જિનિયરિંગની યાત્રા ની આત્મકથા ભાગ -5
આમ જેમતેમ માંડ માંડ નીચે બેસવાની જગ્યા કરી. અને તે પણ જેવી તેવી. આખી રાત બે ભાઈઓ એ વાતો કરતા-કરતા કાઢી. લગભગ પાંચ વાગ્યાની આસપાસ અમદાવાદ આવ્યું. ગાડી ધીમી પડી, ત્યાં જ કુલીઓ ચાલુ ગાડીએ ચડી ગયા. ધક્કામુક્કી કરતાં કરતાં સીટ રોકવા લાગ્યા. જરૂર પડે તો હિંદીભાષી મજૂરો સાથે મારામારી કરે, ધક્કા મારે. અને સ્ટેશન ઉપર જ્યારે મુસાફરો ચડે ત્યારે આ રોકેલી જગ્યાના પૈસા લઈને વેચે.
અમે પણ આગળ વધ્યા અને એક સીટ પર બેસવા ગયા. ત્યાં જ એક કુલીએ રાડ પાડી, ” ઓય કહા બેઠતે હો?? વો સીટ મેને રોકી હૈ… નિકલો.”
એક તો આખી રાતનો થાક અને ઉજાગરો, અને તેમાં પણ હદ બહારની ધક્કામુકી. મારો મગજ ગયો. મે ગુજરાતીમાં જ કહ્યું, “તારા બાપની ટ્રેન નથી…અને અહીં કંઈક નામ લખેલ નથી, અને ગાળો બોલતો નહીં.” કદાચ ગુજરાતી બોલતો સાંભળી કઈ બોલ્યા વગર તે ચાલ્યો ગયો.
અમદાવાદથી ટ્રેન ઉપડી. કંઈક હાશકારો થયો. ચાલો છેલ્લે તો છેલ્લે, બેસવાની જગ્યા તો મળી. અમદાવાદથી થોડાક આગળ વધ્યા હશું, ત્યાં પાવૈયાઓ આવ્યા. અને મારામારી કરતા, ગાળો બોલતા પૈસાની ઉઘરાણી કરવા લાગ્યા.
અમને છોકરાઓ સમજી બોલાવ્યા નહી.
આ કેવી દુર્દશા!!! સામાન્ય વર્ગમાં એક તો ઘેટાની જેમ મુસાફરી, ગંદકી અને બીજો આવો ત્રાસ.
વડોદરા ટ્રેન લગભગ અડધા કલાકની આસપાસ ઉભી રહી. ટ્રેન ચાલુ થઈ પણ અમે જે દિશામાંથી આવ્યા હતા તે જ દિશામાં પાછી ચાલવા લાગી. એટલે કે રિવર્સમાં
અત્યાર સુધી હું અંકલેશ્વર બે વખત આવી ચૂક્યો હતો. વડોદરાથી ટ્રેન આગળ જ ચાલતી. આ રીતના રિવર્સમાં ન��ોતી ચાલતી. મને લાગ્યું કે દાળમાં કંઈક કાળું છે. અમે બંને ભાઈઓએ તપાસ કરી ત્યારે ખબર પડી કે આ ટ્રેન વડોદરાથી ગોધરા જશે. પણ ગોધરા શા માટે? ત્યારે ખબર પડી, આતો “ઓખા ગોરખપુર ટ્રેન” છે. વડોદરાથી ગોરખપુર એટલે કે ઉત્તર પ્રદેશ તરફનો રસ્તો પકડશે. અમે સૌરાષ્ટ્ર મેલનાં બદલે ખોટી ટ્રેનમાં ચડી ગયા હતા.
અમારી બન્ને ભાઈઓની હાલત કાપો તો લોહીના નીકળે એવી થઇ ગઇ. એક તો ટ્રેનની મુસાફરીનો અનુભવ નહીં. વળી જામનગરથી આટલે દૂર ક્યારેય નીકળ્યા નહોતા. અને ગોધરા તો ક્યાં આવ્યું તે જ ખબર નહિ?….આતો 2002માં કારસેવકોને જીવતા સળગાવી નાખ્યા, ત્યારે ગોધરાનું નામ છાપાઓ અને સમાચારમાં સાંભળેલ. બાકી ગોધરા વિશે આના સિવાય કોઈ માહિતી નહિ. અમે બીજા લોકોને પૂછ્યું કે, “ગોધરા થી પાછા આવવા, વાહન મળશે કે કેમ?”. પણ ઉત્તરપ્રદેશ જનારા મુસાફરોને તેની માહિતી કોઈ માહિતી નહોતી.
લગભગ ત્રણ કલાક બાદ ટ્રેન ધીમી પડી. અને ગોધરા સ્ટેશન પર ઉભી રહી. અમે બંને ભાઈઓને ઉતર્યા. ગોધરાનું રેલ્વે સ્ટેશન કોઈ અવાવરૂ ગામડાના સ્ટેશન જેવું હતું. મેં જોયું કે અમારી સાથે જ બીજા ડબ્બામાંથી થોડાક લોકો ઉતર્યા છે. આ સિવાય કોઈ નહોતું. પણ ક્યાંકથી ઓચિંતાનો ટીકીટ ચેક કરનાર, કાળો કોટ પહેરીને પ્રગટ થયો. એમ કહું કે હવામાંથી પ્રગટ થયો, તો પણ ખોટું નથી. અમારી પાસે ટિકિટ માગી. અમે ટિકિટ આપી. બીજા લોકો જે ઉતર્યા હતા તેમને પણ બોલાવ્યા. તેમની પણ ટિકિટ માગી. ત્યાં જ ક્યાંકથી એક પોલીસવાળો આવી ગયો. અમે જેમ ખોટી ટ્રેનમાં મુસાફરી કરીને અંકલેશ્વરના બદલે ગોધરા આવી ગયા હતા, તેમ પેહલા લોકો પણ ખોટા સ્ટેશને પહોંચી ગયા હતા. અમારા બધાએ જવાનું કંઈક જુદા સ્ટેશન પર હતું અને પહોંચી ગયા ગોધરા. આથી અમારી પાસે ગોધરાની ટિકિટ હોય ક્યાંથી?
"જ્યારે મેં એન્જિનિયરિંગ છોડી દીધું" - મારી એન્જિનિયરિંગની યાત્રા ની આત્મકથા ભાગ -3
ટીકીટ ચેક કરનારાએ તરત જ દંડ ભરવાનું કહ્યું. અમે બધાએ ખૂબ સમજાવ્યું. “ભૂલથી આવી ગયા છીએ. ટીકીટ તો છે જ અમારી પાસે. વગેરે વગેરે”. પણ ટીકીટ ચેક કરનાર કે પેલો પોલીસવાળો કઈ માનવા તૈયાર નહીં. તેવોને તોડ કરવો હતો. છેલ્લે માંડ વ્યક્તિ દીઠ 50 રૂપિયામાં નક્કી થયું. અમે બંને ભાઈઓના કુલ સો રૂપિયા ચૂકવવા પડ્યા. અમે ઘણું કહ્યું કે, “અમે વિદ્યાર્થીઓ છીએ. પૈસા ઓછા છે. હજી હોસ્ટેલમાં મહિનો કાઢવાનો છે.” પણ માને તે બીજા. ઊલટાનું પોલીસવાળો ગાળો બોલવા લાગ્યો.
- લેખક હર્ષદ રાઠોડ