આમ છેલ્લે બંને ભાઈઓના ફુલ સો રૂપિયા ચૂકવવા પડ્યા. જે થયું તે "જવા દો" તેમ માનીને મન ને મનાવી લીધું. પણ હવે આગળ શું? ગોધરા નવું અને પાછું કેમ અંકલેશ્વર જવું તેની કોઈ માહિતી નહીં. મેં પોલીસવાળાને પૂછ્યું "અંકલેશ્વર જવા માટે કોઈ ટ્રેન અહીંથી મળશે કે કેમ?" પોલીસવાળો ચાલતા ચાલતા મોઢું બગાડતા બોલ્યો "તે કંઈ ખબર નથી" અને ઝડપથી ચાલ્યો ગયો. ટીકીટ ચેક કરવા વાળો પણ તે જ રીતના ચાલ્યો ગયો.
કેવું કહેવાય?
ભ્રષ્ટાચાર કરવો છે. પૈસા ખાવા છે. પણ કોઈ અજાણ્યા માણસને, અમારા જેવા ભૂલા પડી ગયેલા છોકરાઓને મદદરૂપ થવું નથી. પાછળથી પણ મારો અનુભવ રહ્યો છે કે મોટાભાગના સરકારી કર્મચારીઓ આવું કરે છે. અને આ રીતના સરકારી સેવાઓ પ્રત્યે પ્રજાને નફરત કરતી કરી દે છે. અને પ્રજા પોતે જ ખાનગીકરણ કરવાનો પક્ષ લેતી થઇ જાય છે. અને ખાનગીકરણ થતા નવી સરકારી નોકરીઓ રહેતી નથી. અને જે સરકારી કર્મચારીઓ હોય તેમને પણ કેટલાક કિસ્સાઓમાં ફરજિયાત નિવૃત્તિ લેવી પડે છે. આમ અમુક સરકારી કર્મચારીઓનો ભ્રષ્ટાચાર અને ખરાબ વર્તન તેમને જે નુકસાન કરે છે. પોતે જ પોતાના પગ ઉપર કુહાડો મારે છે
પોલીસ સ્ટાફના શું વખાણ કરવા? જેટલી સારી વાતો છે, તેના કરતા લાખ ગણી ખરાબ વાતો છે. સરકારો બદલી પણ તંત્ર નથી બદલાતું. અને તે સરકારો બદલવાથી બદલવાનું પણ નથી. પર છોડો તે વાતો.
તો અમને બધાને મૂકી, પૈસા ગણી સરકારી કાગડાઓ ચાલ્યા ગયા. કદાચ અમારું દુઃખ તેમના માટે સુખ બની ગયું. સવાર સવારમાં રોકડી થઈ ગઈ. અમે બંને ભાઈઓ ગભરાયા. પણ અમારી સાથે ટ્રેનમાંથી ઉતરેલા અને ભોગ બનેલા બીજા, સારા માણસો હતા. તેમાંથી એકે કહ્યું "છોકરાઓ નવા લાગો છો? ગભરાવો નહીં. ક્યાં જવાનું છે?"
મેં કહ્યું "અંકલેશ્વર"
પેલાએ કહ્યું ચાલો અમારી સાથે. ચાલતા જ બસ સ્ટેશન પર જઈએ છીએ. અત્યારે અંકલેશ્વર જવા માટે અહીથી કોઈ ટ્રેન મળવાની નથી. બસ સ્ટેશન પરથી બસ મળી રહેશે.
અમે બને ભાઈઓ તે ગ્રુપ સાથે ચાલ્યા. બસ સ્ટેશન આવ્યું. અંકલેશ્વર જવા માટેની એક્સપ્રેસ બસ પડી જ હતી. પેલા ભાઈએ બસ બતાવી અને પૂછ્યું " જવાના પૈસા તો છે ને? કે આપું."
મેં કહ્યું "ના. છે. "
તેમને આભાર માન્યો અને બસમાં ગોઠવાઈ ગયા. અત્યારે ચોક્કસ યાદ નથી કે અંકલેશ્વર પહોંચતા કેટલી વાર થયેલી. બસમાં ત્યારે કદાચ વ્યક્તિદીઠ સો રૂપિયા ટિકિટ થયેલી. અંકલેશ્વર પહોંચીને એક ગેસ્ટ હાઉસમાં રોકાવું પડ્યું હતું. તેની પાછળનું કારણ એવું હતું કે મારા ભાઈની તબિયત બગડી હતી. ઝાડા ઉલટી ચાલુ થઈ ગયા હતા. એક તો આટલી લાંબી મુસાફરીનો આ પહેલો અનુભવ. વળી આખી રાતનો ઉજાગરો અને તેમાં પણ ગોધરાથી અંકલેશ્વરની દોડાદોડી. મને યાદ છે ત્યાં સુધી તે ઉનાળાનો સમય હતો અને ગરમી પણ ખૂબ જ હતી. રેસ્ટોરન્ટમાંથી પાર્સલ લાવી તેને જમાડવાનો પ્રયત્ન કર્યો. પણ પેટમાં કંઈ રહે નહીં. બેડ ઉપરથી ઊભો થવાની પણ ના પાડે. બાથરૂમમાંથી ડોલ લાવી તેની બાજુ રાખેલ તેમાં બે-ત્રણ વખત ઉલ્ટીઓ કરેલ.
"અંકલેશ્વરના બદલે ગોધરા આવી ગયું" - મારી એન્જિનિયરિંગની યાત્રા ની આત્મકથા ભાગ -4
મને ગભરામણ થઇ આવી. હવે કરવું શું? તે ઊભો થાય, તો ડોક્ટરને બતાવવા લઇ જાવ. પણ તે બેડ પરથી ઉભો જ નહોતો થતો. હું ડોક્ટર શોધવા નીકળ્યો. અંકલેશ્વર મારા માટે સાવ નવું હતું. પૂછપરછ કરીને બાજુની એક ગલીમાં કોઈ ડોક્ટર યુસુફ કે યુનીશ એવા કોઈ નામના ડોક્ટરનું દવાખાનું મળ્યું. ડોક્ટરોનું નામ તો આજે મને યાદ નથી. મે ડોક્ટરને બધી વાત જણાવી. ભાઈ આવી શકે તેમ નથી તે કહ્યું. દવાખાનું અને તેના કપડાં જોઈને મને ડોકટર પર વિશ્વાસ આવ્યો નહીં. પણ મારી પાસે બીજો વિકલ્પ પણ ન હતો. ડોક્ટરે ત્યારથી જ દવાઓ આપી.
ગેસ્ટ હાઉસ ઉપર આવી જેવું તેવું ખવડાવી, તે દવાઓ પીવડાવી દીધી. અને બહાર જઈ જામનગર ફોન કર્યો. તે સમયે મોબાઇલ ફોન હતા. પણ આજે જેટલા વ્યાપક ઉપયોગમાં ન હતા. STD PCO હજી ચાલતા હતા. ફોનમાં પપ્પાને પુરી પરિસ્થિતિ જણાવ્યું. ભાઈની તબિયત બગડી છે તે પણ કહ્���ું. તેઓને તરત જ જામનગર થી નીકળવાનું કહ્યું.
પાછો આવ્યો ત્યારે મારો ભાઈ સૂઈ ગયો હોય તેમ લાગ્યું. હું પણ બેડ પર સૂતો. ત્યારે રાતના લગભગ દસ વાગ્યા હતા. પાછલી આખી રાત અને આખા દિવસની દોડધામમાં આખું શરીર થાકી ગયું હતું. પાછળ પીઠ દુઃખતી હતી. અને કોઈ વિચિત્ર પ્રકારનો દુખાવો થતો હોય તેમ લાગતું હતું. આમ છતાં ઊંઘ ન્હોતી આવતી.
મને મારી પલાયનવૃત્તિ ઉપર ગુસ્સો આવ્યો. જો હારમાની ભાગ્યો ન હોત, તો આજે આ પરિસ્થિતિ ન આવત. વળી જામનગર થી દુર રહી એન્જિનિયરિંગ કરવાનું, કંઈ એટલું બધું અઘરું કામ ન હતું. ચારવર્ષના બદલે ભલે પાંચવર્ષ કે છ વર્ષ થાય, પણ એન્જીનીયરીંગ પૂરું કરીને જ હવે જંપવાનુ. વળી આને ઓચિંતાના ઝાડા ઉલટી થઈ આવ્યા. પરિસ્થિતિ વધુ ગંભીર બને તો?? એવા વિચારો કરતા કરતાં ક્યારે ઉંઘ આવી ગઈ તે ખબર ન રહી.
રાત્રે મારા ભાઈએ હદડોલો મારી જગાડ્યો. પછી ઊલટી થઈ હતી. મેં ઉલ્ટી સાફ કરી પાણી પીવડાવ્યું. તે રોવા લાગ્યો. મને પણ ગભરામણ થઇ આવી. પણ શું કરવું? કઈ બીજું ન સૂઝતાં, મે પાછો દવાનો બીજો ડોઝ પીવડાવી દીધો. આમ દવાના ઉપરા-ઉપરી ડોઝ તેના પેટમાં ગયા. કંઈક શાંતિ થઈ હોય તેમ લાગ્યું. થોડી વારમાં તે ઊંઘી ગયો. મારા તો ધબકારા વધી ગયા. મને પોતાને મારા હૃદયના ધબકારા સંભળાતા હતા. ઊંઘ ન આવે. પાણી પીને રૂમમાં, અંધારામાં જ આટા માર્યા રાખ્યા. લગભગ ચાર વાગ્યનો આ રીતના આંટા મારતો હોઈશ.
ચિંતામાં અને ભયમાં સવાર ક્યારે પડી ગઈ તે જ ખબર ન રહી. બારીમાંથી પ્રકાશ આવતો હતો. ભૂખ લાગી, પેટમાં ઉંદર દોડવા માંડ્યા. આથી તંદ્રાવસ્થા તૂટી. વાસ્તવિકતાનું ભાન થયું. ઘડિયાળમાં જોયું તો સવારના સાત વાગ્યાની આસપાસનો સમય થયો હતો. આટલા વર્ષો બાદ પણ તે દિવસની સવાર હજી મને યાદ છે.
મારો ભાઈ હજી સૂતો હતો. બીજી વખતનો દવાનો ડોઝ કામ કરી ગયો અથવા તો પેટમાં જે બગાડ હશે તે બધો નીકળી ગયો. તેને સૂતો જ મૂકી હું બહાર નાસ્તો કરવા ચાલ્યો. તે પહેલીવાર મેં અંકલેશ્વરપર ચા નાસ્તો કર્યો. તે પછીના વર્ષોમાં તો હજારોવાર અંકલેશ્વરમાં ચા નાસ્તો કર્યો હશે, જમ્યો હોઈશ. પણ પેહલી વખતના કરેલા ચા નાસ્તા નો સ્વાદ હજી મને યાદ છે. એમ કહું કે તે મને કાલે જ બનેલી ઘટના હોય તેમ સ્પષ્ટ દેખાઈ છે. તે ટેસ્ટ, આજુબાજુનો ઘોંઘાટ, ૫૦૦ની નોટના પાછા આપેલા છૂટા, રસ્તામાં મળેલો ભિખારી બાળક. કદાચ ભય અને ચિંતા આપણી સ્મૃતિને તીક્ષ્ણ બનાવી દેતા હશે.
- લેખક હર્ષદ રાઠોડ