હેડ ક્લાર્ક પેપર લીક મુદ્દે ગૃહરાજ્યમંત્રીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે પ્રાંતિજ પોલીસમાં ગુનો દાખલ કરાયો છે. તથા તપાસ માટે પોલીસની 24 ટીમ બનાવાઈ છે. તેમજ પહેલા દિવસથી તમામ પાસા અંગે તપાસ કરાઇ રહી છે.
દાખલારૂપ કાર્યવાહી કરાશે – હર્ષ સંઘવી
ઉલ્લેખનિય છે કે હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાની કબૂલાત કરવામાં આવી છે. તથા પેપરલીક કાંડમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તથા પેપર લીકમાં પ્રાંતિજ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્ય શંકાસ્પદ આરોપીએ પેપર લીક, સોલ્વ કર્યુ છે. તથા પ્રાથમિક તપાસમાં 10 લોકોના નામ સામે આવ્યા છે. જેમાં તપાસ માટે પોલીસની 24 ટીમ બનાવાઈ છે. તેમાં દાખલારૂપ કાર્યવાહી કરાશે તેમ પણ હર્ષ સંઘવીએ જણાવ્યું છે.
અન્ય 4 લોકો પેપર લાવી પહોંચાડવાની ભૂમિકામાં સામેલ
હેડ ક્લાર્કની પરીક્ષા લેવાઈ તેના એક દિવસ અગાઉ જ પેપર લીક થયાની ઘટના બાદ ગૌણ સેવા પસંદગી મંડળ અને ખુદ સરકારની ઊંઘ ઉડી ગઈ છે. જેમાં આ મામલે પ્રાંતિજમાં FIR કરવામાં આવી છે. અત્યાર સુધી 15થી વધુની અટકાયત અને પૂછપરછ થઈ છે. તથા ગાંધીનગરમાંથી 2 પરીક્ષાર્થી સહિત 6ને પોલીસે ઉઠાવ્યા છે. તેમજ અન્ય 4 લોકો પેપર લાવી પહોંચાડવાની ભૂમિકામાં સામેલ છે.
અમે પેપરલીકમાં વચેટીયાની માહિતી પણ આપી
યુવરાજ સિંહે આસિત વોરાના પુરાવા સાથે આવેદન પત્ર આપ્યું હતું. ગૌણ સેવા આયોગ સમક્ષ પૂરાવા રજૂ કર્યા બાદ યુવરાજ સિંહે મીડિયાને જણાવ્યું કે, બોર્ડે પેપર ફૂટ્યાની વાતનો આડકતરી રીતે સ્વીકાર કર્યો છે. સાબરકાંઠા SP એ આ સમગ્ર મામલે LCBને તપાસ સોંપી છે. આ મામલે ગૌણ સેવા આયોગ ખુદ ફરિયાદી બને. અમે 78 કલાકની રાહ જોઈશું. જો ગૌણ સેવા આયોગ ફરિયાદી નહીં બને તો અમે હાઈકોર્ટ જઈશું. અમે પેપરલીકમાં વચેટીયાની માહિતી પણ આપી છે.
હકીકતમાં ગઈકાલે આસિત વોરાએ જણાવ્યું હતું કે, પેપર લીક સંદર્ભે અમારી પાસે કોઈ ઓથેન્ટિક પુરાવા નથી. આ સિવાય અમને કોઈ ફરિયાદ પણ મળી નથી. જે બાદ વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે મીડિયા સમક્ષ આવીને તમામ પુરાવા આપ્યા હોવાનું જણાવ્યું હતું. યુવરાજ સિંહે જણાવ્યું હતું કે, પેપર લીક અંગેના પુરાવા અમે ગૌણ સેવા આયોગના સચિવ પરમાર સાહેબને આપ્યા હતા. જો આમ છતાં આસિત વોરા પોતાને પુરાવા ના મળ્યા હોવાનું રટણ કરતાં હોય તો આવતીકાલે એટલે કે આજે તેઓ પુરાવા સાથે આવેદન આપવા જશે.
ગૌણસેવા પસંદગી મંડળ હતુ ત્યાંના ત્યાં જ રહ્યું
વિદ્યાર્થી નેતાનો આરોપ હતો કે, 2019માં બિન સચિવાલય ક્લાર્કની ભરતી હોય કે અન્ય ભરતી હોય આ તમામ પેપર લીક દરમિયાન આસિત વોરા જ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ રહ્યા હતા. બે વર્ષ પહેલા બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના કારણે આંદોલને જોર પકડ્યું હતું. જે બાદ 16 ડિસેમ્બરે એટલે કે આજના દિવસે તત્કાલીક ગૃહરાજ્ય મંત્રીએ પેપર રદ્દ કરવાની જાહેરાત કરી હતી. આથી તમામ ઘટનાની તટસ્થ તપાસ થાય તે માટે આસિત વોરાને અધ્યક્ષ પદેથી દૂર કરવામાં આવે. આ સમગ્ર પ્રકરણમાં વિદ્યાર્થી નેતાએ આસિત વોરાની ભૂમિકા પર સવાલ ઉઠાવતા તેમના પર રાજીનામાંનું દબાણ વધ્યું હોવાની ચર્ચા ચાલી હતી. જો કે આજે આસિત વોરાએ તમામ અટકળોનો છેદ ઉડાવતા જણાવ્યું કે, તેઓ રાજીનામું નથી આપવાના.
ગુજ્જુ કાઠીયાવાડી ન્યૂઝ પાસે એક્સક્લૂઝિવ માહિતી
પેપર લીક પ્રકરણમાં સંડેવાયેલા 12 લોકોના નામ ગુજ્જુ કાઠીયાવાડી પાસે આવી ગયા છે. જે લોકો પેપર લીકમાં સંડોવાયેલા છે તેમના નામ નીતિન પટેલ, રાજુ પટેલ, જયેશ પટેલ, ધ્રુવ બારોટ, પિનાકીન બારોટ, ભરત બારોટ, મહેન્દ્ર પટેલ, પીકે પટેલ, હર્ષદ નાયી, શંકર પટેલ, હેમંત પટેલ અને નરેશ પટેલ છે. પેપર લીક પ્રકરણમાં પોલીસ તપાસમાં જયેશ પટેલ મુખ્ય સુત્રધાર હોવાનું સામે આવ્યું છે. આ જયેશ પટેલ જ પેપરની કોપી લઈને આવ્યો હતો અને તેણે જ પેપર લીક કર્યું હતું.
યુવરાજ સિંહ સામે માનહાનિનો દાવો કરાશે
ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક થયો હોવાનો આક્ષેપ કરનાર વિદ્યાર્થી નેતાની મુશ્કેલી વધી શકે છે. યુવરાજ સિંહ પર આરોપ છે કે, તેણે ફાર્મ હાઉસના ખોટા ફોટા વાઈરલ કર્યા છે. આ મામલે અક્ષરમ ફાર્મ હાઉસના માલિક ડૉ નીતિન પટેલે જિલ્લા પોલીસને અરજી આપી છે.
15થી વધુ લોકોની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ
પેપર લીક મામલે રાજ્યના ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ કેટલાક CCTC ફૂટેજ, મોબાઈલ પર થતી વાતચીત અને શંકાના આધારે સાબરકાંઠા જિલ્લાના 15 થી વધુ લોકોને LCBએ શકમંદ તરીકે માનીને તેમની પૂછપરછ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ રાજ્ય સરકાર આ મામલે કેવી અને કયારે સત્તાવાર જાહેરાત કરીને ખુલાસો કરે છે? તે જોવાનું રહ્યું.