ચેમ્બરમાં દબાણ હટાવ સામે વિરોધ પ્રદર્શન કરતા લારીધારકો સામે પિત્તો ગુમાવ્યો
ટેબલ ઉપર હાથ પછાડીને કહ્યું ‘અવાજ તો મારોય મોટો છે..આઇ સેઈડ ગેટ લોસ્ટ..’ પોલીસે અરજદારને બહાર ખસેડયો
જૂનાગઢમાં જાહેર માર્ગો ઉપર દબાણ કરીને ઊભા રહેતા લારી ગલ્લાવાળા નાના ધંધાર્થીઓને દૂર કરાતા છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ વંટોળ શરૂ થયો છે. જે અંગે મહાનગર પાલિકા કચેરીમાં રેલી સ્વરૂપે પહોંચેલા લારી-ગલ્લાવાળાઓએ રામધૂન બોલાવી હતી. ત્યારે મ્યુનિસિપલ કમિશનરની ચેમ્બરમાં અરજદાર અને કમિશનર વચ્ચે ચકમક ઝરતા મામલો ગરમાયો હતો. અરજદારને કહ્યું કે અવાજ તો મારોય મોટો છે..આઇ સેઈડ ગેટ લોસ્ટ.. અરજદારને બહાર ખસેડયો હતો.
શહેરના તમામ ફ્ૂટપાથ પર લારી ધારકો ધંધો-રોજગાર કરીને ગુજરાન ચલાવી રહ્યા છે. છેલ્લા દસ દિવસથી જૂનાગઢ મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા શહેરની તમામ ફ્ૂટપાથ પરથી લાવી ધારકોને દૂર કરાઈ રહ્યા છે. મેયરને રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નિકાલ ન આવતા લારીધારકો રસ્તા ઉપર ઉતરી ગયા હતા અને રેલી યોજીને મહાનગર પાલિકા કચેરી ખાતે કમિશનરની ચેમ્બરમાં પહોંચીને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હાય હાયના નારા લગાવ્યા હતા.
કમિશનરને આવેદન પત્ર પાઠવીને લારીધારકોએ પ્રશ્ન રજૂ કર્યો હતો અને લારી ધારકોને યોગ્ય જગ્યા ફાળવાય તેવી માંગ કરી છે. લાલી ધારકો મહાનગર પાલિકા કચેરીની બહાર ધરણાં ઉપર બેસી જતાં શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ કોર્પોરેટર મંજુલાબેન પરસાણા, રજાકભાઈ હાલા દોડી આવ્યા હતા. લારી ધારકોના સમર્થનમાં તે પણ ઉપવાસ પર બેસી ગયા હતા. જ્યારે કમિશનરે કહ્યું કે, શહેરમાં અડચણરૂપ દબાણોને દૂર કરવા સરકારની ઝુંબેશ છે. જેને લઇને અમારી ટીમ દ્વારા કામગીરી કરાઈ રહી છે, પરંતુ વોકર ઝોન બનાવવાની પણ વાત છે ત્યારે આ બાબતે લારી ધારકો માટે ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય કરાશે તેમ મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્નાએ જણાવ્યું હતું.
લારીધારકો કમિશનર પાસે પહોંચ્યા ત્યારે રજૂઆત બાદ લારી ધારકોના અગ્રણી રાજુ સોલંકી કમિશનરને સવાલ પૂછતા મામલો બિચક્યો હતો. રાજુ સોલંકીએ કમિશનરને પૂછયું કે, શા માટે લારી ધારકોને દૂર કરાયછે? સવાલ પૂછતાની સાથે જ કમિશનર લાલઘૂમ થઈ ગયા હતા અને અરજદાર સાથે ટેબલ પર હાથ પછાડી અને અરજદારને કહ્યું કે અવાજ તો મારોય મોટો છે. આઇ સેઈડ ગેટ લોસ્ટ..ગેટ લોસ્ટ ત્યારે પોલીસે અરજદાર રાજુ સોલંકીના બહાર ખસેડયો હતો. હાલ તો તમામ લારી ધારકો નમતું મુકવાના મૂડમાં નથી અને ત્યાંથી નીકળી જઈને આગામી દિવસોમાં આંદોલનની ચીમકી આપી હતી.