રાજ્યમાં શિયાળાની શરૂઆત થવા સાથે ઠંડીનું પ્રમાણ આગામી દિવસોમાં વધી શકે છે. હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે કે લઘુત્તમ તાપમાન આગામી ત્રણ થી ચાર દિવસ સુધી યથાવત રહેશે. હાલમાં 17 ડિગ્રી છે તેમાં કોઈ ફેરફાર થશે નહીં. રાત્રિના સમયે ઠંડીનું પ્રમાણ સવિશેષ અનુભવાઈ રહ્યું છે. અમદાવાદમાં આજે 15.9 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. પાટનગર ગાંધીનગરના લોકો પણ ઠંડીથી ધ્રુજી રહ્યાં છે.
દિવાળી બાદથી ઠંડીના પ્રભાવમાં સતત વધારો જોવા મળ્યો છે. શીત ઋતુની ગુલાબી ઠંડી હવે ચમકારાનું સ્વરૂપ લઈ રહી છે. હાલમાં ઉત્તર પૂર્વથી પૂર્વ દિશા તરફનો પવન ફૂંકાઈ રહ્યો છે. ભેજનું પ્રમાણ ઘટી જવાના કારણે ત્વચા ફાટી જવાનો અનુભવ લોકો કરી રહ્યાં છે. રાત્રિના સમયે ગરમ કપડાં લપેટાવાની ફરજ પડી રહી છે. રાતપાળીના કર્મચારીઓને ફરજિયાત ગરમ કપડાં સાથે રાખવા પડે છે. દિવસ હવે ટૂંકો થતો જાય છે અને રાત્રિ લંબાતી જાય છે. જો કે હજુ પણ દિવસે થોડું ઉંચું તાપમાન રહેતું હોવાના કારણે બેવડી સિઝનથી લોકો ઋતુજન્ય બીમારીનો ભોગ બની રહ્યાં છે.
હવામાન ખાતાએ આગામી દિવસોમાં રાજ્યભરમાં વાતાવરણ સુક્કું રહેવાની આગાહી કરી છે. અમદાવાદમાં તા.11, 12ના રોજ 17 ડિગ્રી, તા.13ના રોજ 16 ડિગ્રી, તા.14ના રોજ 15 ડિગ્રી, તા.15 અને તા.16ના રોજ 16 ડિગ્રી ઠંડી રહેવાની આગાહી હવામાન ખાતાએ કરી છે.