આઇપીએલ ટી20 લીગનો શનિવાર 26મી માર્ચથી પ્રારંભ થઈ રહ્યો છે અને 15મી સિઝનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઇ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે ઓપનિંગ મુકાબલો રમાશે. બન્ને ટીમો 2021માં વાનખેડે ખાતે જ ફાઇનલ મુકાબલો રમી હતી જેમાં ધોનીની સુપર કિંગ્સ ટીમે ચોથી વખત ટાઇટલ જીત્યું હતું. બન્ને ટીમોમાં વાનખેડે ખાતે કોલકાતાની સામે ચેન્નઇનું પલડું ભારે રહ્યું છે. ચેન્નઇએ વાનખેડે ખાતે અત્યાર સુધીમાં 19 મેચ રમી છે જેમાં તેણે 12માં વિજય મેળવ્યો છે અને સાત મુકાબલા ગુમાવ્યા હતા. ચેન્નઇએ આ ગ્રાઉન્ડમાં 50 ટકાથી વધારે મેચો જીતી છે.
વાનખેડેમાં KKRનો ખરાબ રેકોર્ડ
કોલકાતા નાઇટ રાઇડર્સનો વાનખેડે ખાતેનો રેકોર્ડ નિરાશાજનક રહ્યો છે. કોલકાતાએ અત્યાર સુધીમાં 12 મેચ રમી છે અને 11 મેચમાં પરાજયનો સામનો કર્યો હતો. કોઈ પણ ન્યૂટ્રલ ગ્રાઉન્ડમાં આ તેનો સૌથી ખરાબ રેકોર્ડ છે. કોલકાતાએ 2012માં વાનખેડે ખાતે એકમાત્ર વિજય મેળવ્યો છે. ગૌતમ ગંભીરની કેપ્ટનશિપ હેઠળ કોલકાતાએ મુંબઇ ઇન્ડિયન્સને 140ના ટાર્ગેટ સામે 108 રનમાં સમેટી નાખ્યું હતું. સુનીલ નરૈને 15 રનમાં ચાર વિકેટ ખેરવી હતી.
CSK અને KKR હેડ ટુ હેડ
ચેન્નઇ અને કોલકાતા આઇપીએલમાં કુલ 26 વખત આમને સામને થઈ છે જેમાં ચેન્નઇની ટીમે 18 વખત વિજય હાંસલ કર્યો છે. કોલકાતાએ નવ મેચ જીતી હતી અને એક મેચનું કોઈ પરિણામ આવ્યું નહોતું. ચેન્નઇની ટીમે 2021ની સિઝનમાં ફાઇનલ સહિત ત્રણ મેચમાં કોલકાતાને હરાવ્યું હતું. યુએઇ ખાતે ગયા વર્ષે રમાયેલી લીગમાં ધોનીની ટીમે 27 રનથી ઇયોન મોર્ગનની કોલકાતા ટીમને પરાજય આપ્યો હતો.
દીપક ચહરની ચેન્નઇને ખોટ પડશે
ઈજાના કારણે દીપક ચહર આઇપીએલના પ્રથમ તબક્કાથી દૂર રહેશે અને આ ચેન્નઇની ટીમ માટે મોટો ફટકો છે. દીપક પાવરપ્લેમાં વિકેટ ઝડપવામાં નિષ્ણાત છે. ગયા વર્ષે તેણે પાવરપ્લેમાં સર્વાધિક 10 વિકેટ ખેરવી હતી. દીપક વિના ચેન્નઇની પાસે અન્ય પેસ બોલર છે. ગયા વર્ષે ચેમ્પિયન બની હોવા છતાં ચેન્નઇના પેસ બોલર્સે 8.7ના ઇકોનોમી રેટથી રન આપ્યા હતા.
યુવા ઓપનર્સ વચ્ચે મુકાબલો થશે
આઇપીએલ 2020ના બીજા ભાગમાં ઋતુરાજ ગાયકવાડે અંતિમ ત્રણ મેચમાં ત્રણ અડધી સદી ફટકારીને તમામને પ્રભાવિત કર્યા હતા. તેણે ગયા વર્ષે હાઇએસ્ટ રન બનાવીને ઓરેન્જ કેપ પણ મેળવી હતી. 2021ની સિઝનના બીજા તબક્કામાં વેંકટેશ ઐયરે આક્રમક બેટિંગ કરીને ભારતની ટી20 ટીમમાં સ્થાન મેળવ્યું હતું. ગયા વર્ષે ઋતુરાજે હાઇએસ્ટ 439 રન બનાવ્યા હતા. વેંકટેશ 370 રન સાથે બીજા ક્રમાંકે રહ્યો હતો.