જુનાગઢમાં સવારે સ્વયંભુ પ્રગટ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં શંખનાદ, ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે. જેમાં મહાવદ નોમથી મહાવદ ચૌદશ (મહાશિવરાત્રી) સુધી યોજાનાર પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાના પ્રારંભે સાધુ-સંતોની ઉપસ્થિતમાં શાસ્ત્ર્રોક્ત વિધિવિધાન કરવામાં આવશે, ત્યાર બાદ શંખનાદ કરીને મેળાનો શુભારંભ કરવામાં આવશે.
250 જેટલા અન્નક્ષેત્રોમાં હર હર મહાદેવનો નાદ સંભળાશે
ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવિધ સંગમ સાથે શિવઆરાધનામાં લીન થવાના ગિરનાર મહાશિવરાત્રી મેળાનો આરંભ થઈ રહ્યો છે, ત્યારે દેશભરમાંથી આવેલા નાગાસાધુઓએ ગીરી તળેટીમાં આવીને પોતાના નિશ્ચિત સ્થાનો પર ધૂણી ધખાવી શિવ આરાધના ઉપાસનામાં લીન જોવા મળ્યા છે. બમ બમ બોલે, જય ગિરનારી અને હર હર મહાદેવના નાદથી ગિરી તળેટી ગુંજી ઉઠી છે.
પાંચ દિવસના મેળામાં ઊમટશે માનવ મહેરામણ
ભવનાથ મંદિર ખાતે ગિરનાર ક્ષેત્રના તમામ મહામંડલેશ્વર, વરિષ્ઠ સાધુ-સંતો, મહંતો સહિતનાઓની ઉપસ્થિતિમાં હર હર મહાદેવના જયઘોષ સાથે 80 ફૂટ ઊંચા શિખર પર ધ્વજારોહણ બાદ ભવનાથમાં આવેલ ત્રણ મુખ્ય અખાડા ખાતે ધ્વજારોહણ કરાશે. ત્યારબાદ મેળાને ખુલ્લો મુકાશે. સાથે 250 જેટલા અલગ અલગ સેવાકીય અન્નક્ષેત્રોમાં ધમધમાટ સાથે સંચાર જોવા મળશે, સાથે મનોરંજન માટે ચકરડી, ચકડોળ જેવા સાધનોનો યાત્રિકો લાભ ઉઠાવશે. મેળાને લઈને ભવનાથ મંદિર, દામોદર કુંડ, મુચકુંદ ગુફને સાજ-શણગાર સજાવ્યા છે.