ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે તમામ પાર્ટીઓ અત્યારથી જ પોત-પોતાના સોગઠા ગોઠવવા લાગી ગઈ છે. વિવિધ સમાજો દ્વારા પોતાની માંગણીને લઈને સરકાર પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જસદણ ખાતે પાટીદાર સમાજનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખોડલ ધામના નરેશ પટેલના નિવેદનના કારણે રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે.
હકીકતમાં નરેશ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, છેલ્લા 4-5 વર્ષોમાં પાટીદાર યુવાનોએ પોતાની શક્તિ બતાવી દીધી છે. પાટીદાર સમાજ જે સંગઠન ઈચ્છતુ હતું, તે આ યુવાનોએ કરી બતાવ્યું છે. વર્ષોથી પાટીદાર સમાજમાં સંગઠનની ભૂખ હતી. યુવાનોની મહેનત અને મુખ્ય પાટીદાર સંસ્થાઓના સંયુક્ત પ્રયાસના કારણે આજે પાટીદારો એક થયા છે. હું કોઈનું નામ નહીં દઉ, પરંતુ પાટીદારો શું કરી શકે છે, તેનો પરિચય આ યુવાનોએ આપી દીધો છે. ખાસ વાત એ છે કે, નરેશ પટેલ જ્યારે સંબોધન કરી રહ્યાં હતા, ત્યારે મંચ ઉપર હાર્દિક પટેલ અને અલ્પેસ કથીરિયા સહિતના પાટીદાર નેતાઓ હાજર રહ્યા.
નરેશ પટેલે વધુમાં જણાવ્યું કે, ક્લાર્કથી લઈને કલેક્ટર અને સરપંચથી લઈને સંસદ સુધી પાટીદારો હોવા જોઈએ. જો આપણો અધિકારી ઉચ્ચ સ્થાને બેઠો હશે, તો જ તે સમાજના કામ કરશે. અધિકારીઓને સારી જગ્યાએ બેસાડવા માટે સારા રાજકારણીની જરૂર છે. આથી એવા રાજકારણીને ચૂંટજો, જે ખુરશી પર બેસીને સમાજનું કામ કરે.
આજે સરકારી નોકરીઓમાં અનેક પાટીદાર દીકરા-દીકરીઓને સ્થાન મળ્યું છે, પરંતુ જો તેમને યોગ્ય સ્થાન પર બેસાડવામાં નહીં આવે, તો સમાજના કામ યોગ્ય રીતે નથી થઈ શકતા. રાજકારણમાં એવા વ્યક્તિને ચૂંટજો, જેની નજર ખુરશી પર બેસ્યા બાદ સમાજ તરફ હોય.