સરકાર એકબાજુ LICનો IPO લાવવાની તૈયારીઓ પૂરી કરવામાં લાગ્યું છે. તો બીજીબાજુ આ વીમા કંપની પાસેથી મોટા ટેક્સની વસૂલી પર પણ તકરાર ચાલુ છે. LIC દ્વારા સબમિટ કરવામાં આવેલા ડ્રાફ્ટ પેપરમાં જાણવા મળ્યું છે કે સરકારે કંપની પર લગભગ 75 હજાર કરોડ રૂપિયાની ટેક્સ જવાબદારી દેખાડી છે.
ડ્રાફ્ટ પેપર અનુસાર LICમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સના 63 મોટા કેસ ચાલી રહ્યા છે. આમાં માત્ર ડાયરેક્ટ ટેક્સના 37 કેસ છે જેમાંથી 72,762.3 કરોડ રૂપિયા વસૂલવાના છે. ઇનડાયરેકટ ટેક્સના 26 કેસમાંથી 2,132.3 કરોડની વસૂલાત કરવામાં આવશે. આ જ રીતે કંપની પર કુલ રૂ. 74,894.5 કરોડનો ટેક્સ બાકી નીકળે છે. દેશની કોઈપણ એક કંપની પર આ સૌથી વધુ બાકી ટેક્સ છે.
કંપની ટેક્સ ભરવા માટે તેના પૈસા આપવા માંગતી નથી
LIC એ તેના ડ્રાફ્ટ પેપરમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે તેના ભંડોળનો ઉપયોગ ટેક્સની દેણદારીઓ ચૂકવવા માટે કરશે નહીં. કંપનીનું કહેવું છે કે ઘણા કેસમાં કોર્ટ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો યોગ્ય નથી અને તે તેની સામે આગળ પણ અપીલ કરશે. આ કેસમાં પણ 24,728.03 કરોડ રૂપિયા સામેલ છે.
આવકવેરા વિભાગનો આરોપ – LICએ પોતાની કમાણી છુપાવી
એલઆઈસી સામે ચાલી રહેલા ઈન્કમ ટેક્સના કેસ અંગે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે આમાંના મોટા ભાગના કેસ વિવાદાસ્પદ એટલા માટે થઈ રહ્યા છે કારણ કે કંપનીએ તેની કુલ આવક છુપાવવાનું કામ કર્યું છે. વિભાગનું કહેવું છે કે આમાંથી ઘણા કેસ વર્ષો જૂના છે. કંપનીએ વર્ષ 2005 પછી ઘણી વખત તેની આવક યોગ્ય રીતે જાહેર કરી ન હતી, જેના કારણે વિવાદો ઉભા થયા હતા.
રોકાણકારો પર શું અસર થશે
જો આ કેસમાં LIC પોતાનો કેસ હારી જાય છે અને તેને ટેક્સના રૂપમાં મોટું ફંડ ચૂકવવું પડે છે તો કંપનીના પબ્લિક શેરહોલ્ડર્સને મળનાર વળતરમાં ઘટાડો આવી શકે છે. એટલું જ નહીં, LICનો માર્કેટ શેર પણ નીચે આવી શકે છે, જે ભવિષ્યમાં તેની કમાણી પર અસર કરશે. સપ્ટેમ્બર, 2021 સુધીમાં કંપની પાસે 26,122.95 કરોડ રૂપિયાની રોકડ હતી.