- વડોદરામાં વડાપ્રધાનના આગમનની તડામાર તૈયારી
- PM માત્ર જંગી જાહેર સભાને સંબોધન કરશે
- PMO તરફથી કાર્યક્ર્મ કન્ફોર્મ કરવામાં આવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 18મી જૂનના રોજ વડોદરા આવી રહ્યાં છે, ત્યારે અગાઉથી નક્કી કરવામાં આવેલો શહેરમાં વડાપ્રધાનનો રોડ શૉ રદ કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ અલકાયદા તરફથી ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં આત્મઘાતી હુમલાની ધમકી આપવામાં આવી હતી. આથી સુરક્ષા કારણોસર વડાપ્રધાનનો રોડ શૉ રદ કરાયો હોવાનું કહેવાય છે.
આથી આગામી 18મી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજવા રોડ પર આવેલા લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે વડોદરા સહિત મધ્ય ગુજરાતના 8 જિલ્લાને લગતી જંગી જાહેર સભાને સંબોધન કરશે. નરેન્દ્ર મોદી વર્ષ 2017 પછી લાંબા સમયગાળા બાદ વડોદરા આવી રહ્યા હોવાથી વડોદરા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહની સાથે ઉત્સુકતા ફેલાયેલી છે.
વડાપ્રધાનના આગમનના પગલે રસ્તાઓ પર સફાઈ, ભંગાર-બિનઉપયોગી સામાન હટાવવા, ડિવાઈડરોને રંગરોગાન, રસ્તાઓ પર પટ્ટા પાડવા, પાર્કિંગ માટેની વ્યવસ્થા સહિતની કામગીરી આરંભી દેવાઈ છે.
મોદીના સ્વાગત માટે રંગોળી તેમજ દીપ પ્રજ્વલીત કરવા માટેની પણ તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી. પાવાગઢ ખાતેના મહાકાળી મંદિરે વડાપ્રધાન ધજા ચઢાવશે અને એ પછી લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધવાના હોવાનો કાર્યક્રમનો શિડયુલ PMOમાંથી કન્ફર્મ થયું છે, પરંતુ સમય હજુ નક્કી થયો નથી.