ખેડા ટાઉન પોલીસ સ્ટેશનની બહાર મોડી રાત્રે આગની ઘટના બની હતી. આ આગની ઘટનામાં 25થી વધુ વાહનો બળીને ખાખ થયા છે. 25 જેટલા વાહનો સાથે કેમિકલ અને ઓઇલના બેરલોમાં આગ પ્રસરી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગ વધુ પ્રસરી હતી. આગ લાગતા આસપાસના સ્થાનિક લોકોના ટોળા પોલીસ સ્ટેશન બહાર ઉમટ્યા હતા અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
આગ એટલી વિકરાળ હતી કે ઘટનાની જાણ થતાં નડિયાદ સહિત મહેમદાવાદ, અમદાવાદ, ONGCના ફાયર ફાઇટર્સની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા હતા. આશરે દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. આ આગની ઘટનામાં કાર, ટ્રક, સીએનજી રીક્ષા, બાઇક સહિત 25થી વધુ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા તેવુ નડિયાદ ફાયર બ્રિગેડના ફાયર સુપરિટેન્ડન્ટે જણાવ્યું હતું.
આગ લાગવાનું પ્રાથમિક કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ.