કર્ણાટકનાં તુમકૂરમાં કાર ખરીદવા શૉ રૂમ પર જનાર ખેડૂતને ત્યાંના તુમાખીભર્યા સેલ્સમેનનો કડવો અનુભવ થયો હતો. બોલેરો પિક અપ વૅન ખરીદવા કેમ્પે ગૌડા નામનો ખેડૂત મહિન્દ્રાના શૉ રૂમ પર ગયો હતો. શૉ રૂમના સેલ્સમેને ખેડૂતનો લૂક જોઈને તેને અપમાન કરીને હાંકી કાઢયો હતો. તેને એમ કે આ સામાન્ય ખેડૂત રૂ. 10 લાખની બોલેરો પિક અપ વૅન ખરીદી શકે તેટલી તેની હેસિયત નથી. આથી સેલ્સમેને અપમાન કરતા કહ્યું કે પિક અપ વૅનની કિંમત રૂ. 10 લાખ છે અને તમારા ખિસ્સામાં રૂ. 10 પણ નહીં હોય આથી શૉ રૂમમાંથી ચાલ્યા જવાનું કહીને ખેડૂતને હાંકી કઢાયો હતો. આ ઘટનાનો વીડિયો વાઇરલ થયો હતો અને આનંદ મહિન્દ્રાના ટ્વિટર પર શેર કરાયો હતો.
ખેડૂતે ચેલેન્જ ફેંકી પણ સેલ્સમેન વૅનની ડિલિવરી કરવા નિઃસહાય
સેલ્સમેનના અપમાનજનક વર્તનથી રોષે ભરાયેલા ખેડૂત કેમ્પે ગૌડાએ તેને ચેલેન્જ ફેંકી હતી કે હું થોડીવારમાં જ રૂ. 10 લાખ રોકડા લઈને વૅન ખરીદવા આવું છે તમે આજે ને આજે મને તેની ડિલિવરી કરવાની તૈયારી રાખો. સેલ્સમેનના આૃર્ય વચ્ચે ખેડૂત કેમ્પે ગૌડા થોડીવારમાં જ રૂ. 10 લાખ રોકડા લઈને શૉ રૂમ પર હાજર થયા હતા. કારની ડિલિવરીનું વેઇટિંગ લિસ્ટ લાંબું હોવાથી સેલ્સમેન વૅનની વહેલી ડિલિવરી કરવા નિઃસહાય હતો. ખેડૂત અને સેલ્સમેન વચ્ચે આ પછી ઉગ્ર બોલાચાલી થઈ હતી. મામલો ગરમાયો હતો. જેને થાળે પાડવા પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી. આખરે સેલ્સમેન દ્વારા ખેડૂતની માફી માંગવામાં આવી હતી. મારે તમારી કાર નથી જોઈતી કહીને ખેડૂત રોકડ સાથે શૉ રૂમની બહાર નીકળી ગયો હતો.