સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ નજીક પોલીસ એન્કાઉન્ટરમાં વોન્ટેડ આરોપી હનિફખાન ઉર્ફે કાળુખાન અને તેના પુત્ર મદીનખાનનું મોત થયું છે.
ઘટનાની મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાની માલવણ નજીક પીએસઆઈ વી.એન.જાડેજા સહિતનો સ્ટાફ રહેણાક મકાનમાં આરોપીને ઝડપી પાડવા રેઇડ કરતા હુમલો કર્યો હતો. આ દરમિયાન વોન્ટેડ હનિફ ખાન ઉર્ફે કાળુખાન અને તેના પુત્ર મદીને પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમ્યાન પોલીસ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં કાળુંખાન મુન્નો અને તેના પુત્ર મદીનનું મોત થયું હતું. પોલીસે બંનેના મૃતદેહનો કબજો લઇ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બંને મૃતક લૂંટ માટે કુખ્યાત ગેડિયા ગેંગના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે આરોપી હનીફ ખાન સામે અત્યાર સુધીમાં કુલ 86 જેટલા ગુના નોંધાયા હતા, જેમાંથી તે 59 ગુનામાં પોલીસના હાથે પકડાયો જ નહોતો.
પીએસઆઈ વી.એન.જાડેજાએ સ્વબચાવમાં પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરતાં મુખ્ય આરોપી હનીફખાન ઉર્ફે કાળુખાન અને પુત્ર મદિનખાનનું મોત નિપજ્યું હતું.
મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઈન્કાર
હાલ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.LCB અને સ્થાનિક પોલીસનો કાફલો હોસ્પિટલ પહોચ્યો છે. તો બીજી તરફ મૃતકના પરિવારજનોએ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.
અગાઉ પોલીસ પર જીવલેણ હુમલાના બે ગુન્હાઓમાં પણ ફરાર હતો. આરોપીની પત્ની બિલકિસબાનું ઉર્ફે બિલ્લુ પણ ગુજસીટોક સહિત 6 ગુન્હાઓમાં હાલ સાબરમતી જેલમાં સજા ભોગવે છે. અન્ય પરિવારજનોમાં મૃતક આરોપીનો સાળો, મામાજીનો દીકરો પણ અલગ-અલગ ગુન્હાઓમાં સાબરમતી જેલમાં સજા ભોગવે છે.
ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલા ગેડિયા ગામની ગેંગ 123 ગુનાઓ આચરી ચુકી છે. ગુજરાતના 7 જિલ્લામાં આતંક મચાવીને પ્રજાને તોબા પોકાવનારી ગેંગના સભ્યોને સાણસામાં લેવા માટે પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુજસીટોક (ગુજરાત આતંકવાદ અને સંગઠ્ઠીત ગુન્હા નિયંત્રણ અધિનિયમ-2015નો) ગુનો દાખલ કર્યો છે.