અંજાર તાલુકાના ખેડોઈ ગામે અવિશ્વસનીય ઘટના બની હતી. જેમાં 75 વર્ષ પહેલાં મંદિરના શિખર પરના કળશમાં રાખવામાં આવેલી શીરારૂપી પ્રસાદી મળી આવતા ગ્રામજનો ચકિત થઈ ગયા હતા. આ અંગે પાટીદાર સનાતન સમાજ, ખેડોઈના પ્રમુખ અંબાલાલભાઈ સોમજી છાભૈયાએ વિગતો આપતા જણાવ્યું હતું. અંજાર તાલુકાના ખેડોઈ ગામના પટેલવાસમાં વડીલો દ્વારા વર્ષ 1945માં લક્ષ્મીનારાયણનો મંદિરનું નિર્માણ કરાયું હતું. જે મંદિર ભૂકંપમાં જર્જરિત થઈ ગયું હોવાથી તેનો શિખર બદલાવવા માટે તા. 8/9ના સવારે મંદિર ખાતે એક હવનનું આયોજન કરાયું હતું.
જે વેળાએ શિખરના ટોચ પર આવેલા કળશને ઉતારતા તેમાંથી એક નાનો કુંભ મળી આવ્યો હતો. જે કુંભના માથે એક તાંબાનો સિક્કો મળ્યો હતો. જેમાં “માગસર સુદ છઠ, સોમવાર સંવંત 2002, મહારાવ વિજેરાજજીના વખતમાં” લખ્યું હતું. જેને ખોલી જોતા જે તે વખતે કળશની પ્રાણપ્રતિષ્ઠા સમયે ધરાવવામાં આવેલો શીરા રૂપી પ્રસાદ મળી આવ્યો હતો. આ શીરો જાણે તાજો બનાવેલો હોય તેવો અને ઘી ની સુગંદ વાળો મળી આવતા સૌ કોઈ આશ્ચર્ય પામ્યા હતા અને સૌએ તે પ્રસાદ લઈ ફરી વખત ભગવાન પાસે તે શીરો ધર્યો હતો.
પ્રસાદ રૂપી શીરો લોકો જોઈ શકે તે રીતે રખાયો
ખેડોઈ ગામે આશ્ચર્ય પમાડે તેવી ઘટના બની હોવાથી પુરાવા રૂપે પ્રસાદ રૂપે મળી આવેલો 75 વર્ષ જૂનો શીરા મંદિરમાં સાચવી રખાયો છે, ખેડોઈ ગામમાં આ અદ્દભુત ઘટના બનતા હાલે લોકો શીરા રૂપી પ્રસાદને જોવા અને લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શનાર્થે મોટી સંખ્યામાં આવી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું.