બારમા ધોરણ સુધીમાં વાંચવાનો શોખ સારો એવો કેળવેલો. ભણવા ઉપરાંત ચોપડીઓ, મેગેઝીન, છાપાઓ, વાંચવાનું ગમતું. જામનગરના જિલ્લા પુસ્તકાલયનો સારો એવો ઉપયોગ કર્યો હતો. લગભગ દર અઠવાડિયે એક બુક પૂરી કરી નાખવાની. લાઈબ્રેરીનો ક્લાર્ક પણ પછી ઓળખતો થઇ ગયેલો. અને મારા પ્રત્યે વિશેષ લાગણી રાખતો. મને જોઈતી બુક શોધી રાખે અથવા નવી બુકો આવી હોય તેમાંથી મારી પસંદગીના વિષયની જુદી રાખી મૂકે. ઘણીવાર નિયમ ઉપરાંત વધારાની બે-ત્રણ પણ લઈ જવા દે. તે સમયે વાંચેલી બધી બુકોના નામ તો યાદ નથી. પણ ત્યારે “સરસ્વતીચંદ્ર ભાગ ૧ થી ૪” “ધૂમકેતુ” ની મોટાભાગની નવલકથાઓ, વાર્તાઓ “વીર સાવરકર સમગ્ર” વગેરે નામ યાદ છે.
“વીર સાવરકર” ખરેખર “વીર” છે. સાવરકરના અમુક વિચારો સાથે તમે સંહમત હોવ કે ના હોય આમ છતાં તેમના દ્વારા લખવામાં આવેલી મહાન કૃતિઓ “મારી જન્મટીપ” “૧૮૫૭નો સ્વતંત્ર સંગ્રામ” વાંચવા યોગ્ય છે.સાવરકર વિશે મારો લેખ “ક્રાંતિકારીઓના પક્ષમાં” મેં લખેલો છે. જે મારી ફેસબુક વોલ પર છે. આથી અહીં એના વિશે વધુ લખતો નથી.
ધૂમકેતુનું ગુજરાતી સાહિત્યમાં મોટું યોગદાન છે. ખાસ કરીને ટૂંકી વાર્તાઓ લખવાની કેડી ધૂમકેતુએ કંડારી તેમ કહી શકાય. ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તા લખવાનું સૌપ્રથમ ધૂમકેતુએ ચાલુ કર્યું. સામાન્ય મજૂરવર્ગની વાર્તાઓ અને તેની લાગણીઓને શબ્દો દ્વારા ચિતરવાની કળા ધૂમકેતુની કલમ જ કરી શકે. “ધૂમકેતુ” ખરેખર ગુજરાતી સાહિત્યનો “ધૂમકેતુ” જ છે. "પોસ્ટ ઓફિસમાં" અલી ડોસાની હૃદય દ્રાવક વાર્તા છે. આ વાર્તાએ વિશ્વની મુખ્ય વાર્તાઓમાં સ્થાન મેળવ્યું છે, તેમાં કોઈ આશ્ચર્ય નથી. મને યાદ છે ધૂમકેતુના તણખામંડળ કે જે તેની વાર્તાનો સંગ્રહ છે, તેનો પહેલો અને બીજો ભાગ વેચાતો લીધેલો. ત્રીજો અને ચોથો ભાગ બજારમાં ઉપલબ્ધ ન હતા. છેવટે અમદાવાદના પ્રકાશકની પાસેથી ત્રીજો ભાગ મંગાવેલો. ચોથો ભાગ છપાતો હતો. તે મળી શકેલ નહીં. પણ પાછળથી ઘણા વર્ષો બાદ તે લીધેલો. આજે પણ તે મારી પાસે છે. અને મને તે વારંવાર વાંચવા પણ ગમે છે.
સરસ્વતીચંદ્રના ભાગો પાછળથી મેં ઘણીવાર વાંચેલા. તેમાં ગુજરાતી સાહિત્ય પોતાની સંપૂર્ણ કળાએ ખીલેલું છે. સરસ્વતીચંદ્ર નવલકથાને પંડિત યુગની કૃતિ કહેવામાં આવે છે, તે યોગ્ય જ છે. તેમાં જીવનનાં બધાં અંગોનો સમાવેશ કરવાનો લેખકનો પ્રયત્ન કર્યો છે. આમ છતાં તેના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી વર્ણવ્યવસ્થા વિરુધ્ધ કે અગ્રેજો વિરુધ્ધ લખી શક્યા નથી.
બીજા વર્ષે મેં નક્કી કરેલું કે ગુજરાતી અને હિન્દીના મોટા અને ખ્યાતનામ બધા જ લેખકોને વાંચી જવા. તેમની બધી જ કૃતિઓ વાંચી જવી. પણ આજ સુધી તેમાં હું સફળ થયો નથી. કારણ કે આપણે માનીએ છીએ તેના કરતા ગુજરાતી અને હિન્દી પાસે મહાન અને ખ્યાતનામ લેખકો પુષ્કળ છે. અને તેઓએ જીવનના બધા જ અંગોનું વર્ણન કરતું પુષ્કળ લખ્યું છે.
એન્જિનિયરિંગના બીજા વર્ષ સુધીમેં ગાંધીજીને વાંચેલાં નહી. ક્યાંક છાપાઓમાં કે બીજી કોઈ જગ્યાએ ગાંધીજીના લખેલા શબ્દનો ઉપયોગ કર્યો હોય, એટલું માત્ર વાંચેલું. પણ મૂળ ગાંધીજીએ લખેલું વાંચેલું નહીં. મેં ત્યારે ગાંધીજીને વાંચવાની શરૂઆત કરી. ગાંધીજીની આત્મકથા “સત્યના પ્રયોગો” પહેલી વખત વાંચી. વાંચી કહું તેના કરતા પેટમાં ઉતારી. સરળતા અને એક પ્રવાહમાં લખવાની પદ્ધતિ, વાંચવામાં જરાક પણ કંટાળો ન આવે. તે ગુજરાતી સાહિત્યનું અનમોલ રત્ન છે. ભલે તમે ગાંધીજીના વિચારો સાથે સહમત હો કે ના હો, પણ એટલું તો જરૂર છે કે ગાંધીજીએ ગુજરાતી સાહિત્ય અને ઘણું બધું આપ્યું છે. ગાંધીજીએ ગુજરાતી સાહિત્યને ઘણી સેવા કરી છે. અહીં કહી દઉં કે ગાંધીજીની આત્મકથા “સત્યના પ્રયોગો” વાંચતા પહેલા ગાંધીજી વિશે મારા વિચારો કંઈક જુદા હતા. અને થોડાક તદ્દન વિરોધી પણ હતા. જોકે તે આજે પણ છે. ત્યારબાદ ગાંધીજીએ લખેલ “દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ”... “હિન્દ સ્વરાજ”... “નિત્ય મનન” વાંચેલા. આ બધા સરસ અને સરળ ભાષામાં ગાંધીજીએ લખેલા છે. મારે તે વખતે ગાંધીજીના સંપૂર્ણ લખાણ વાંચવા હતા. અમદાવાદ નવજીવનમાં તપાસ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે ગાંધીજીના સંપૂર્ણ લખાણો કુલ ૮૪ ગ્રંથોમાં સમાયેલા છે. અને એક ગ્રંથ લગભગ ૪૦૦-૫૦૦ પાનાનો છે. તે સમયે આ મારી શક્તિ બહારનું હતું. અને તે ભવિષ્યમાં વાંચવાનું વિચારી છોડી દીધું. જે આજ સુધી હું પૂરું નથી કરી શક્યો. આવતા વર્ષે તે હાથમાં લેવાનો વિચાર છે.
આમ છતાં જેટલી બુકોના ઉપર નામ લખેલ, તેમાં તેના મુખ્ય અને પાયાના વિચારો આવી જાય છે. સત્ય અને અહિંસા વિશે ગાંધીજીનો આગ્રહ અને તે બાબતમાં તેમની મક્કમતા ખરેખર અનુસરવા જેવી છે. મને ખબર છે આ સ્થાન ગાંધીજી વિશે લખવાનું નથી. આમ છતાં થોડું લખી નાખવું યોગ્ય ગણું છું. કારણ કે પાછળથી મારા વિચારોમાં અને આચરણમાં જે પરિવર્તન આવ્યું તેમાં ગાંધીજીના વિચારો પણ મુખ્ય કારણરૂપ છે.
સત્ય અને અહિંસા ખરેખર અનુસરવા યોગ્ય વિચારો જ છે. સત્ય માત્ર વાણીનું નહીં, પણ વિચારો અને કર્મનું હોવું જોઈએ. એ વાત હું અનુભવે શીખ્યો છું. સાચું બોલવાથી પાછળથી કોઈ મુશ્કેલી આવતી નથી. કેહવત છે કે એક “ખોટું સંતાડવા માટે ૧૦૦ ખોટા કામો કરવા પડે” આમ આપણી એક નાનકડી ખોટી વાત પાછળથી પકડાઇ ન જાય, તે માટે આપણે સો વખત ખોટું બોલવું પડે. અને આમ છતાં ખોટુંએ ખોટું જ છે. અને તે ક્યારેક ને ક્યારેક તો પકડાઈ જવાનું છે. આ બધા કરતા પહેલેથી જ ખોટું ન બોલવું, કે ન ખોટું કામ કરવું. તે જ વધારે સારું પણ છે. હું જાણું છું કે આ લખવું જેટલું સરળ છે, સાચું બોલવું, સાચું આચરણ કરવું તેટલું સરળ નથી. હું પણ તેનું સંપૂર્ણ પાલન કરી શક્યો નથી. આમ છતાં બધી પરિસ્થિતિમાં પણ મારા વિચારો એવા જ છે કે ગમે તેમ પણ સત્યનો આગ્રહ રાખવો જોઈએ. જો કે તે માટે નૈતિક હિંમત જોઈએ અને આજ સુધી હું જોઈએ તેવી નૈતિક હિંમત મેળવી શક્યો નથી. ઘણી વખત સ્વાર્થ ખાતર અથવા બીજાને ખોટું ન લાગે કેટલા માટે મહાભારતમાં યુધિષ્ઠિરની જેમ “નરોવા કુંજરવા” એટલે કે “મને ખબર નથી” તેવો અભિગમ હું અપનાવું છું.
સત્ય, અહિંસા વગર અધૂરું છે. અથવા તો સત્ય અને અહિંસા એકબીજા સાથે સંકળાયેલા છે. અહિંસા એટલે કોઈને હાની ન પહોંચાડવી તે જ નહી, કોઈને હાની પહોંચાડવાનો વિચાર સરખો પણ ન કરવો. આ અહિંસાની ગાંધીજીની વ્યાખ્યા સાથે હું સહમત છું. અને તે પણ અનુસરવા જેવી છે. જોકે તે હું ધાર્મિક દ્રષ્ટિકોણથી નથી કહેતો. વ્યાવહારિક દ્રષ્ટીકોણથી કહું છું. ગુજરાતીમાં કહેવત છે કે “ જે ખાડો ખોદે એ જ તેમાં પડે”. બીજાને નુકશાન કરવામાં આપણે આપણી શક્તિ અને સમય વેડફી નાખ્યે છીએ. અને તેનું કંઈ પણ રચનાત્મક પરિણામ આવતું નથી. ઊલટાનું જે શક્તિ અને સમય રચનાત્મક કામ માટે ઉપયોગમાં લેવા જોઈએ તે બરબાદ થાય છે. આમ બીજાને નુકશાન પહોંચાડવામાં આપણે આપણું નુકશાન કરી બેસીએ છીએ. વળી જે વ્યક્તિને નુકસાન પહોંચાડશું, તે માણસ બમણા વેગથી બદલો લેશે. આમ “આંખ માટે આંખ” ફોડી નાખવાનો અમલ કરવામાં આવે તો આખી દુનિયા આંધળી બની જાય. અહિંસા પણ અનુસરવા યોગ્ય જ છે, અને તે વ્યવહારિક પણ છે. અને આપણા લાભની જ વાત છે. આમાં કોઈ ધાર્મિક ભાવના ન હોય તો પણ આ સ્વાર્થની વાત સમજી શકાય.
આમ છતાં અહિંસાનો ઉપયોગ હિટલર જેવા ફાસીવાદીઓનો સામે ના કરી શકાય. તેની સામે તો હથિયાર ઉપાડવા જ પડે. રશિયમાં જે ક્રાંતિ થઈ તે કોઈ દિવસ અહિંસાવાદીથી ન થઈ શકે. ગાંધીજી ભારતનું જેહાદી વિભાજન પણ ન અટકાવી શક્યા.
સત્ય અને અહિંસા વિશે આટલું જ... આ સ્થાન તેના પર વિસ્તૃત લખવા માટે નથી. આમ છતાં મારે એ કહેવું જોઈએ કે જયારે અહિંસાનો પ્રશ્નો આવે છે, ટૂંકમાં એક સાધન તરીકે જ્યારે અહિંસાને સ્વીકારવામાં આવે અને હિંસાનો સંપૂર્ણ ત્યાગ કરવાની વાત કરવામાં આવે તેવા બધા કિસ્સાઓમાં હું સંમત થઇ શકતો નથી.
HJR