ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની 15મીં સિઝનની આજે 13મીં લીગ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બે રૉયલ ટીમો વચ્ચે રમાઈ રહી હતી. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રાજસ્થાનની ટીમને 4 વિકેટે હરાવી દીધી છે.
આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાન રૉયલ્સે રૉયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 170 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ટૉસ હારીને બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમની શરૂઆત નબળી રહી. યશસ્વી જાયસ્વાર 4 રન બનાવીને આઉટ થયા બાદ દેવદત્ત પડિકલે જોસ બટલર સાથે બીજી વિકેટ માટે 49 બોલમાં 70 રનની ભાગીદારી કરી.
આ મેચમાં બટલરે IPL કેરિયરની 12મીં હાફ સેન્ચુરી ફટકારી. બટલર 47 બોલમાં 70 રન ફટકારી અણનમ રહ્યો. જેમાં 6 સિક્સર સામેલ છે. બટલરે હેટમાયર સાથે 51 બોલમાં 83 રનની ભાગીદારી નીભાવી. આખરી 5 ઓવરમાં બન્ને જણાએ મળીને 66 રન ફટકારી દીધા. હેટમાયરે 31 બોલમાં 42 રન ફટકાર્યા અને તે પણ નૉટ આઉટ રહ્યો. આમ ઈનિંગના અંતે રાજસ્થાનની ટીમે 20 ઓવરમાં 170 રનનો જંગી સ્કોર ખડક્યો હતો.
જો કે 170 રનના જંગી લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી RCBની ટીમ એક સમયે હારની કગાર પર પહોંચી ગઈ હતી. જો કે આખરી ઓવર્સમાં દિનેશ કાર્તિક અને શાહબાઝ અહમદે તોફાની બેટિંગ કરીને 67 રનની ઉપયોગી પાર્ટનરશિપે મેચનું પરિણામ જ બદલી નાંખ્યું હતું. દિનેશ કાર્તિકે 23 બૉલમાં 44 રન અને શાહબાઝ અહમદે 26 બોલમાં 45 રન ફટકાર્યા હતા.