ઈન્ડિયન પ્રિમીયર લીગ-2022 (IPL 2022)ની આજે 5મીં મેચમાં હૈદરાબાદની ટીમ અને રાજસ્થાન રોયલ્સની ટીમ સામસામે ટકરાઈ હતી. પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સે હૈદરાબાદને 61 રને હરાવીને ટૂર્નામેટન્ટમાં પોતાની વિજયી શરૂઆત કરી છે.
ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમે 6 વિકેટે 210 રનનો જંગી સ્કોર ખડક્યો હતો. જે બાદ હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 7 વિકેટના નુક્સાને માત્ર 149 રન જ બનાવી શકી હતી. રાજસ્થાન આ સિઝનની પ્રથમ એવી ટીમ બની ગઈ છે, જેણે પ્રથમ બેટિંગ કર્યા બાદ મેચ જીતી હોય.
આ મેચમાં રાજસ્થાન માટે કેપ્ટન સંજુ સેમસને 55 રનોની શાનદાર ઈનિંગ્સ રમી હતી અને પોતાની 16મીં હાફ સેન્ચ્યૂરી ફટકારી હતી. આ સિવાય જૉસ બટલરે 35, દેવદત્ત પડિકલે 41, યશસ્વી જયસ્વાલે 20 અને સિમરન હેટમાયરે 13 બૉલમાં 32 રન ફટકાર્યા હતા. હૈદરાબાદ માટે ઉમરાન મલિક અને ટી નટરાજને 2-2 જ્યારે રોમારિયો શેફર્ટ અને ભુવનેશ્વર કુમારે 1-1 વિકેટ ઝડપી હતી.
રાજસ્થાન તરફથી મળેલા 211 રનના જંગી લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ 20 ઑવરના અંતે 7 વિકેટના નુક્સાને માત્ર 149 રન જ બનાવી શકી. કેપ્ટન ક્રેન વિલિયમનસન (2), રાહુલ ત્રિપાઠી (0), નિકોલસ પુરન (0), અભિષેક શર્મા (9), અબ્દુલ સમદ (4), રોમારિયો શેફર્ડ (24) રન જ બનાવી શક્યા. આ સિવાય એડન માક્રરમે અણનમ 57 અને વૉશિંગ્ટન સુંદરે 40 રન ફટકાર્યા હતા. રાજસ્થાન તરફથી યુજવેન્દ્ર ચહલે 3 અને પ્રસિદ્ધ કૃષ્ણા અને ટ્રેન્ટ બોલ્ટે 2-2 વિકેટ ઝડપી હતી.
હૈદરાબાદનો પાવરપ્લેમાં સૌથી ઓછા રનનો રેકોર્ડ
સ્ટાર ખેલાડીવિહોણી હૈદરાબાદની ટીમે વર્તમાન સિઝનની પ્રથમ મેચમાં શરમજનક રેકોર્ડ નોંધાવ્યો હતો. હૈદરાબાદે રાજસ્થાન સામેની મેચમાં પાવરપ્લેમાં 3 વિકેટે માત્ર 14 રન બનાવ્યા હતા. આઇપીએલના 15 વર્ષના ઇતિહાસમાં આ પાવરપ્લેનો લોએસ્ટ સ્કોર નોંધાયો છે. આ પહેલાંનો રેકોર્ડ રાજસ્થાનના નામે હતો, જેણે 2009માં પાવરપ્લેની 6 ઓવરમાં માત્ર 14 રન બનાવ્યા હતા.