ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પાસે આજે પોલીસ પરિવાર અને એલઆરડી મહિલા ઉમેદવારોએ રસ્તા પર ચક્કાજામ કર્યુ હતું. આંદોલનકર્તાઓ રસ્તા પર બેસી જતા થોડા સમય માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ દરમિયાન પોલીસે તેઓની અટકાયત કરી હતી.
આજે વિધાનસભા બે દિવસના ટુંકા સત્રનો અંતિમ દિવસ હતો. આ દરમિયાન સત્યાગ્રહ છાવણી ખાતે એલઆરડી મહિલા ઉમેદવારો અને પોલીસ પરિવાર દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. એલઆરડી મહિલાઓ વર્ષ 2018માં લેવાયેલી એલઆરડીની ભરતીમાં થયેલા અન્યાય મામલે ન્યાય અપાવવા માંગ સાથે પાટનગરમાં છેલ્લા દસ દિવસથી આંદોલન કરી રહી છે. તેઓએ સત્યાગ્રહ છાવણી ખાતે ધામા નાખ્યા છે. મહિલા ઉમેદવારોનો આરોપ છેકે, 1 ઓગષ્ટ 2018નો ઠરાવ ચાલુ ભરતી દરમિયાન રદ્દ થતા 313 જેટલી બિનઅનામત મહિલા ઉમેદવારોને નોકરીથી વંચિત રહેવુ પડયુ છે. તેઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઇ ગયા છે. તેમ છતા હજુ ઓર્ડર મળ્યો નથી. આજે આ મહિલા ઉમેદવારો વિફરી હતી. તેઓએ ઘ રોડ પર રસ્તા પર આવીને ચક્કાજામ કર્યો હતો. રસ્તા પર બેસી જતા બંને તરફનો ટ્રાફિક થમી ગયો હતો. મહિલા ઉમેદવારોએ ન્યાય આપવાની માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. બીજીતરફ બંદોબસ્તમાં રહેલી પોલીસે ત્યારબાદ આ મહિલા ઉમેદવારોને દુર કરી ડિટેઇન કરી હતી. જ્યારે પોલીસ પરિવારના સદસ્યો રહેમરાહે નોકરીની માંગણીને લઇને આંદોલન પર ઉતર્યા હતા. તેઓએ પણ આજે સત્યાગ્રહ છાવણી ખાતે ઘ રોડ પર આંદોલન કર્યુ હતું. એક સમયે આ આંદોલનકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેના કારણે રસ્તો બ્લોક થઇ ગયો હતો. ટ્રાફિક અટવાઇ જતા પોલીસે આંદોલનકારીઓને ખદેડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બંને પક્ષે ઘર્ષણ થયુ હતું. પોલીસે અહિથી 200 જેટલા આંદોલનકારીઓની અટકાયત કરી હતી.
MLAને આવેદન આપવા ગયેલા ખેડૂતોની અટકાયત
સમાજ વિજદર સહિતના વિવિધ મુદ્દે આંદોલન કરી રહેલા ખેડૂતોએ આજે સદસ્ય નિવાસ્થાને ઘુસીને ધારાસભ્યોને આવેદન આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્થળ પર દોડી ગયેલી પોલીસે આ પૈકી કેટલાક ખેડૂતોની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છેકે, ખેડૂતો છેલ્લા એક પખવાડિયાથી પણ વધુ સમયથી ગાંધીનગરમાં ધામા નાખીને આંદોલન કરી રહ્યા છે. કિસાન સંઘના નેજા હેઠળ આ આંદોલન ચાલી રહ્યુ છે. ખેડૂતો સમાન વીજદર સહિતના વિવિધ મુદ્દે લડત આપી રહ્યા છે. જોકે,તેમના પ્રશ્નનો હજુસુધી કોઇ જ ઉકેલ આવ્યો નથી.
ઘ રોડ પર ચક્કાજામ સમયે એક આંદોલકારીએ પોલીસ સાથે ઝપાઝપી કરી
પોલીસ પરિવાર દ્વારા ચાલતા આંદોલન દરમિયાન કેટલાક આંદોલનકર્તાઓ ઘ રોડ પર ઉતરી આવ્યા હતા. તેઓએ રસ્તો બ્લોક કરી દીધો હતો. પોલીસે તેને રસ્તા પરથી ખદેડવા માટે પ્રયાસ કર્યો હતો અને ડિટેઇનની કાર્યવાહી શરૂ કરી હતી તે દરમિયાન મહેસાણા જિલ્લાના કડીના રાજપુર ગામનો અશોક કનૈયાલાલ સોલંકી ધસી આવ્યો હતો. તેણે ગાળાગાળી શરૂ કરી હતી. આ શખસને પોલીસે રોકવાનો પ્રયાસ કરતા તે વધુ ઉશ્કેરાયો હતો અને તેણે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.