ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓના રાજીનામા બાદ નવા સીએમ અને નવી સરકારની રચનાની તૈયારીઓ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે કમલમના સુત્રોના જણાવ્યા અનુસાર, પાટીદાર મુખ્યમંત્રી સહિત બે નાયબ મુખ્યમંત્રીઓમાં એક ઓબીસી નાયબ મુખ્યમંત્રી પદ મહિલાને મળી શકે છે. જ્યારે રૂપાણી મંત્રીમંડળના 6 બિમાર અને નિષ્ફળ રહેલા મંત્રીઓને પડતા મુકી યુવા ધારાસભ્યોને ચાંસ આપવામાં આવી શકે છે. ખાસ કરીને કોંગ્રેસમાંથી આવેલા અને બારોબાર મંત્રીપદ મેળવનારા કુવરજી બાવળીયા અને જવાહર ચાવડાનું પણ પત્તુ કપાઈ શકે છે. નવા સીએમ મંગળવારે શપથ લે તેવી શક્યતાઓ છે જ્યારે નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળની રચના એક અઠવાડિયામાં પૂર્ણ કરી નવી સરકાર કામ કરતી થશે.
વૃદ્ધ-બિમાર મંત્રીઓને પડતા મુકી યુવાનોને તક મળશે
ગુજરાત ભાજપના પ્રમુખ પદે સીઆર પાટીલની નિમણૂંક થયા બાદ તેમણે કેટલાક કઠોર નિવેદનો કર્યા હતા. જેમા ભાજપને હવે કોંગ્રેસની જરૂર નથી. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ અને વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં 60 વર્ષથી વધુ વયના તથા ત્રણ ટર્મથી વધુ ચૂંટાયેલાને ટિકિટ ન આપવાનો નિર્ણય જાહેર કરાયો હતો. પાટીલના આવા નિર્ણય બાદ હવે ભાજપની સરકાર બની રહી છે ત્યારે નવા મંત્રીમંડળમાંથી કોંગ્રેસમાંથી આવેલા અને મંત્રીપદ મેળવેલા બે મંત્રીઓને પડતા મુકવાની સાથે વૃદ્ધ અને બિમાર મંત્રીઓને પણ પડતા મુકી યુવાનોને તક આપવામાં આવે તેવી શક્યતાઓ છે.
મંગળવારે માત્ર મુખ્યમંત્રીની જ શપથ વિધિ થઈ શકે છે
ગુજરાતના નવા મુખ્યમંત્રીનું ના આજે બપોરે 3 વાગે મળનારી ભાજપના ધારાસભ્યોનું બેઠકમાં નક્કી થઈ જશે. ત્યારબાદ મુખ્યમંત્રીના દાવેદાર રાજ્યપાલ સમક્ષ પક્ષના નેતા એટલેકે મુખ્યમંત્રી પદે શપથ લેવા માટેની મંજૂરી માંગશે. જેના આધારે રાજ્યપાલની મંજૂરી બાદ મંગળવારે માત્ર મુખ્યમંત્રીની જ શપથ વિધિ થઈ શકે છે. જ્યારે આવતા અઠવાડિયે શ્રાધ્ધપક્ષ શરૂ થતા હોવાથી તે પહેલા જ નવા મંત્રીમંડળની રચના કરીને ખાતાની ફાળવણી કરી દેવામાં આવશે.
હાઈકમાન્ડ નવી સરકારની રચનામાં જ્ઞાતિ આધારે બનાવી શકે
હાલમાં ગુજરાતમાં રૂપાણીના રાજીનામા બાદ નવા મુખ્યમંત્રી અને નવી સરકારની રચના માટેની કાર્યવાહી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં 15 મહિના બાદ વિધાનસભાની ચૂંટણી આવી રહી હોવાથી ભાજપ હાઈકમાન્ડ નવી સરકારની રચનામાં જ્ઞાતિ આધારે મંત્રીમંડળ બનાવી શકે છે. જેમા ઉત્તરપ્રદેશની ભાજપ સરકારની જેમ એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી છે. તે જ પેટર્નથી ગુજરાતમાં પણ બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મુલા લાવી શકે છે. જેમા મુખ્યમંત્રી તરીકે પાટીદારને મુકી નાયબ મુખ્યમંત્રી તરીકે એક આદિવાસી તેમજ એક ઓબીસીને સ્થાન આપી શકે છે. આ ઉપરાંત રૂપાણી મંત્રીમંડળના 6 મંત્રીઓને પડતા મુકી નવાને સ્થાન આપવામાં આવી શકે છે.
2022માં ભાજપનો 150+ બેઠકોનો લક્ષ્યાંક
ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. છેલ્લા દોઢ વર્ષના કોરોનાકાળમાં રૂપાણી સરકારની કામગીરીથી પ્રજા નારાજ હોવાના રિપોર્ટના આધારે મુખ્યમંત્રીપદેથી રૂપાણીનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. હવે નવા મુખ્યમંત્રી અને નવું મંત્રીમંડળ રચવા માટે કમલમ ખાતેના ભાજપ કાર્યાલયમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. 2022માં ભાજપે 150+ બેઠકો મેળવવા મા��ેનો લક્ષ્યાંક રાખ્યો છે ત્યારે ગુજરાતનું મુખ્યમંત્રી સહિતનું મંત્રીમંડળ વિવિધ જ્ઞાતિના મતદારોની ટકાવારી અને 2017માં ભાજપે ગુમાવેલી બેઠકોના આધારે બનાવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમા સૌથી મોટી નારાજ પાટીદાર જ્ઞાતિને મનાવવા મુખ્યમંત્રી પદ પાટીદારને આપવામાં આવશે. જ્યારે આદિવાસી અને ઓબીસી જ્ઞાતિના આગેવાનોને નાયબ મુખ્યમંત્રી પદ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત નવા મુખ્યમંત્રીની સાથે નવા મંત્રીમંડળ અને નવેસરથી ખાતાની ફાળવણી કરવામાં આવશે. જેમા હાલના 6 મંત્રીઓને પડતા મુકીને તેમના સ્થાને નવા મંત્રીઓને જવાબાદરી સોપવામાં આવી શકે છે.