મુંબઈમાં 26/11 જેવો હુમલો કરવાની ધમકી આપવામાં આવી છે. પોલીસને પાકિસ્તાનના એક નંબર પરથી શુક્રવારે રાતે વ્હોટ્સઅપ મેસેજ મળ્યો હતો. એમાં કહેવામાં આવ્યું છે કે જો લોકેશનને ટ્રેસ કરવામાં આવ્યું તો એ ભારત બહારનું હશે અને બ્લાસ્ટ મુંબઈમાં થશે.
ધમકીમાં કહેવામાં આવ્યું છે કે 6 લોકો ભારતમાં આ કામને પાર પાડશે. જે નંબરથી આ મેસેજ કરવામાં આવ્યો છે એ પાકિસ્તાનનો છે. મેસેજમાં ઉદયપુરકાંડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધમકીભર્યા મેસેજ મળ્યા પછી મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
મુંબઈ પોલીસને આ મેસેજ મોકલવામાં આવ્યો...
મહારાષ્ટ્રમાં બોટ પર મળી ત્રણ AK-47
એક દિવસ પહેલાં મહારાષ્ટ્રના રાયગડમાં સમુદ્રમાં એક શંકાસ્પદ બોટ મળી હતી, જેમાંથી ત્રણ AK-47 અને કેટલીક બુલેટ્સ જપ્ત કરવામાં આવી હતી. શરૂઆતની તપાસમાં ભારતમાં આતંકી હુમલો થશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના અધિકારીએ કોઈપણ પ્રકારની આતંકી પ્રવૃત્તિથી ઈનકાર કર્યો હતો.
અધિકારીએ જણાવ્યું હતું કે હાલ આતંકી ષડયંત્ર જેવી કોઈ બાબત બહાર આવી નથી. જોકે સુરક્ષાના હેતુથી NIA અને ATSની ટીમ મામલાની તપાસ કરી રહી છે. શુક્રવારે પોલીસે જણાવ્યું હતું કે જે બોક્સમાં હથિયારો રાખવામાં આવ્યાં હતા એની પર અંગ્રેજીમાં નેપ્ચ્યૂન મેરીટાઈમ સિક્યોરિટી લખેલું છે. આ કંપની બ્રિટનની છે.
શું થયું હતું 26/11ના રોજ?
26 નવેમ્બર 2008ની રાતે પાકિસ્તાનના આતંકી સંગઠન લશ્કરના 10 આતંકવાદી ભારતમાં ઘૂસી ગયા હતા. બે આતંકવાદીએ દક્ષિણ મુંબઈના કોલાબામાં સ્થિત લિયોપોલ્ડ કેફેને ટાર્ગેટ બનાવ્યા હતા. બે આતંકીએ નરીમાન હાઉસ, તો બાકીના આતંકી બે-બેની ટોળીમાં છત્રપતિ શિવાજી ટર્મિનલ, હોટલ ટ્રાઈડેન્ટ ઓબેરોય અને તાજ હોટલ તરફ વધ્યા હતા. આતંકવાદીઓએ તાજ હોટલમાં ચાર દિવસ સુધી કબજો જમાવી રાખ્યો હતો. સૌથી પહેલા નુકસાન પણ અહીં જ થયું હતું.
હુમલામાં લગભગ દેશ અને વિદેશના 237 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે 300 લોકો ઘાયલ થયા હતા. હુમલામાં 8 પોલીસકર્મચારી શહીદ થયા હતા. દેશના ઈતિહાસમાં 26/11 મુંબઈ હુમલો સૌથી ભયાનક આતંકી હુમલો હતો.