સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને લોકોને ઠગનાર ગેંગનો પર્દાફાશ થયો છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના 81 જેટલા લોકોને આ ગેંગ દ્વારા નોકરીની લાલચ આપીને ઠગનાર એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 3 લાખ રોકડા, PSIની ભરતીના ખોટા ફેર્મ, ડોક્યુમેન્ટ, PSIનો યુનિફેર્મ, નકલી આઇકાર્ડ સહિતનો મુદ્દામાલ ક્રાઈમ બ્રાન્ચે કબજે કર્યો હતો. હાલમાં આરોપી મહિલા આરોપી પૂજા ઠાકોર, રવિ પ્રતાપસિંહ રાવત અને હરિશ ગોરુજી પ્રજાપતિની ધરપકડ કરી છે. જ્યારે શાહરુખ અને પૂરવિંદરસિંગ ઉર્ફે કર્નલની બાકી છે. ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે મહિલા આરોપી પૂજા ઠાકોર પોતે PSIની ફિઝિકલ ભરતીમાં નાપાસ થઈ હોવા છતાં તેણે પાસ હોવાનો ખોટો સિક્કો લેટરપેડ પર માર્યો હતો. સરકારી નોકરી અપાવવાના બહાને આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં રૂ.3.25 કરોડની છેતરપિંડી કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. PSI, LRD, આર્મી, તલાટી અને જુનિયર ક્લાર્ક સહિતની વિવિધ પરીક્ષાઓ માટે તેઓએ અલગ-અલગ રકમો પડાવી હતી.
દાહોદ જિલ્લા પોલીસ વડા અને તેમની ટીમને માહિતી મળી હતી કે વિવિધ સરકારી ભરતીઓમાં લોકોને નોકરી અપાવવાના બહાને કેટલાક લોકો છેતરપિંડી કરે છે. જેના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. બાતમીના આધારે રવિપ્રતાપસિંગ રાવતની દહેગામ ખાતેથી ધરપકડ કરી હતી. આરોપી રવિપ્રતાપસિંગ પાસેથી લેપટોપ, બેગ અને મોબાઈલ ફેન મળ્યા હતા. જેમાંથી PSI, LRD, આર્મી, જુનિયર કલાર્ક અને AMCની ભરતીના ફેર્મ તેમજ ફીની રિસિપ્ટ મળી આવી હતી.
PSI અને LRDના ઉમેદવાર પાસેથી 25 લાખ લીધા હતા
શાહરૂખ નામના એક આરોપીએ PSI અને LRDના ઉમેદવાર પાસેથી 25 લાખ લીધા હતા. ફિઝિકલ પરીક્ષામાં ઉમેદવાર નાપાસ થયો હોવા છતાં પણ PST PASS અને PET PASSના સિક્કા મારી દીધા હતા. 11 જેટલા ઉમેદવારોના ફેર્મ તેઓએ મુદત વિતી ગયા બાદ ભર્યા હતા. આરોપી પૂજા ઠાકોર પાસેથી મોબાઇલ મળી આવ્યો હતો. જેમાં PSIની ભરતીમાં ફિઝિકલ પરીક્ષાનું એડમિટ કાર્ડ મળી આવ્યું હતું. પોતે PSIની ફિઝિકલ પરીક્ષા આપી હતી પરંતુ નાપાસ થઈ હતી છતાં પણ હરીશ પ્રજાપતિએ તેના એડમિટ કાર્ડમાં ફિઝિકલ પરીક્ષા પાસ થયાનો સિક્કો મારી આપ્યો હતો. આરોપીઓ પાસેથી આર્મી, જુનિયર કલાર્ક અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતીના ફેર્મ તેમજ ફીની રિસિપ્ટ મળી આવી હતી.
2020થી હરીશ પ્રજાપતિ કૌભાંડ આચરતો હતો
આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે વર્ષ 2020થી ગાંધીનગરના દહેગામ ખાતે મીઠાના મુવાડામાં સ્વામી વિવેકાનંદ તાલીમ કેન્દ્ર નામની એકેડેમી ચલાવતા હરિશ પ્રજાપતિએ પૂરવિંદરસિંગ સાથે મળી ગુજરાતની વિવિધ સરકારી ભરતીઓમાં નોકરી અપાવવાના બહાને ઉમેદવારો પાસેથી પૈસા પડાવતા હતા. પોલીસે દહેગામ ખાતેથી સ્વામી વિવેકાનંદ તાલીમ કેન્દ્ર નામની એકેડમી ચલાવતા હરીશ તેમજ પૂજા ઠાકોરની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પેન ડ્રાઈવ મળી આવી હતી.
આરોપીઓ અલગ-અલગ ભરતી માટે અલગ-અલગ રકમ લેતા હતા
આરોપીઓ અલગ-અલગ ભરતી માટે અલગ-અલગ રકમ લેતા હતા. જેમાં PSI માટે ઉમેદવાર દીઠ 10 લાખ, LRDમાં પુરુષ માટે 5 લાખ અને મહિલા માટે 4 લાખ, તલાટી માટે 5 લાખ, જુનિયર ક્લાર્ક માટે 2.5 લાખ, આર્મી માટે 3.5 લાખ અને AMCમાં ભરતી માટે 1.5 લાખ રૂપિયા પડાવતા હતા. તેઓના ગાંધીનગર જિલ્લાના સરનામા ઓનલાઇન તરીકે ખોટા દર્શાવી અને તેઓનું ફેર્મ ભરાવતા હતા. રાજસ્થાનના 60 ઉત્તર પ્રદેશના ચાર અને ગુજરાતના 17 જેટલા ઉમેદવારો મળી કુલ 81 લોકોના ફેર્મ તેઓની પાસેથી મળી આવ્યા હતા.