ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પેથાપુર ગૌશાળામાં શિવાંશને ત્યજવાના કેસમાં એક પછી એક ચોંકાવનારા વળાંકો આવી રહ્યા છે. શિવાંશની માતાનું મોત થઇ ચુક્યું છે. અને પિતા જેલમાં જાય તે લગભગ નક્કી છે. ત્યારે આજે સચિન દીક્ષિતને કોર્ટમાં રજૂ કરાયો છે. પોલીસે સચિન દક્ષિતના 14 દિવસના રિમાન્ડ માગ્યા છે અને છેલ્લે મળતી માહિતી પ્રમાણે કોર્ટે 14 તારીખ બપોર 2 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આજે સચિન દિક્ષિતને ગાંધીનગર હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોર્ટમાં હાજર કરાયો હતો.
ગાંધીનગર કોર્ટમાં આરોપી સચિન દિક્ષિતને રજૂ કરવામાં આવ્યો ત્યારે કોર્ટમાં કાનૂની કાર્યવાહી દરમિયાન સચિન ઈમોશનલ થતો જોવા મળ્યો હતો. કોર્ટમાં સચિન દિક્ષીતની હેવાનિયત ભરી કરતૂત બદલ તેના વકીલ તરીકે રહેવા કોઈ તૈયાર નથી. જેના કારણે કોર્ટ દ્વારા મફત કાનુની સહાય ઉપલબ્ધ કરાવાઈ છે. પોલીસે જણાવ્યું છે કે આરોપી સચિન દિક્ષીત તપાસમાં સહકાર આપતો નથી. સચિન પોલીસ સમક્ષ વારંવાર નિવેદન બદલે છે. ગુનો કર્યા બાદ કોને કોને મળ્યો તેની તપાસ કરવાની બાકી છે. કોર્ટમાં આરોપી સચિનના રિમાન્ડ માટેની દલીલો પૂર્ણ થઈ ગઈ છે.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આ ગુનામાં વિવિધ સીસીટીવી કબ્જે લેવાના છે, બે મોબાઈલ કબ્જે લેવાના બાકી છે. આ કેસમાં અન્ય કોઈની સંડોવણી હોઈ શકે છે તે તપાસ બાકી છે. આરોપીની મદદગારી કોણે કરી? તે જાણવું જરૂરી છે. રાજસ્થાનમાં સચિનને કોણે આશરો આપ્યો છે તે જાણવા રાજસ્થાન જવું જરૂરી છે. બીજી બાજુ આરોપી પક્ષના વકીલે પણ કોર્ટને જણાવ્યું હતું કે આરોપીના 14 દિવસના રીમાન્ડની માગણી એ વ્યાજબી નથી. પોલીસે હજુ સુધી આરોપીની એફઆઈઆરમાં નંબર પણ લખ્યો નથી. ઠેરઠેર સીસીટીવી કેમેરા છે જ એટલે આટલા દિવસના રીમાન્ડ જરૂરી નથી. આરોપી પક્ષના વકીલની રીમાન્ડ અરજી નામંજૂર કરવા કોર્ટને વિનંતી કરાઈ રહી છે. હાલ આરોપી પક્ષના વકીલ અને પોલીસ તેમજ સરકાર તરફી રીમાન્ડ માટેની દલીલો પુર્ણ થઈ ગઈ છે.
ઓઢવ બાળ સંરક્ષણ ગૃહમા શિવાંશ
પેથાપુર ગૌશાળામાં શિવાંશને ત્યજવાના કેસમાં હાલ બાળક ઓઢવ બાળ સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવ્યું છે. શિવાંશને સંરક્ષણ ગૃહમાં 16 કલાકથી વધુ સમય થયો છે. તમને જણાવી દઈએ કે 0થી 6 વર્ષના બાળકોને ઓઢવ બાળ સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવે છે. શિવાંશને સ્પેશિયલ વોર્ડમાં રાખવામાં આવ્યો છે. 2 કેર ટેકર સતત બાળકની સાર સંભાળ લઈ રહ્યા છે. શિવાંશની હવે ઓળખ પ્રસ્થાપિત નહિ કરી શકાય. બાળકના ભવિષ્ય અને કાયદાકીય રીતે ઓળખ હવે પ્રસ્થાપિત નહિ કરી શકાય.
ગૌશાળા ખાતે ઘટનાનું રિકસ્ટ્રક્શન કરાયું
પેથાપુર ગૌશાળામાં શિવાંશ કેસમાં આજે પોલીસે સવારે 6 વાગ્યે ઘટના સ્થળે પંચનામું કર્યુ છે. આરોપી સચ��નને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે. આ ઘટનામાં અત્યાર સુધી 25થી વધુ લોકોના નિવેદન લેવાયા છે. આ સિવાય સચિન દિક્ષીતનો DNA રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે. શિવાંશના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત સચિન અને હિનાના મૃતદેહમાંથી પણ ડીએનએ સેમ્પલ લેવાશે. આ તમામ સેમ્પલ મેચ કરીને શિવાંશ આ બંન્નેનું જ બાળક હતું તે સાબિત કરવામાં આવશે.
છેલ્લા 1 મહિનાથી હિના પેથાણી અને સચિન દીક્ષિતે દર્શનમ ઓસીસ મકાન ભાડે લીધું હતું. ત્યારબાદ હિના અને સચિન વચ્ચે અવાર નવાર કંકાસ શરૂ થયો હતો. સચિનને રાજસ્થાન જવાનો હીનાએ વિરોધ કર્યો હતો, જેના કારણે ઉશ્કેરાટમાં સચિને હીનાની હત્યા કર્યાની પ્રાથમિક માહિતી ખૂલી છે. આ કેસમાં હવે બાપોદ પોલીસ મથકના પીઆઇ જોશી તપાસ અધિકારી તરીકે નિમાયા છે. ડીસીપી ઝોન 4 દ્વારા બનાવેલ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ સાથ સહકાર આપશે. ગાંધીનગર પોલીસની કસ્ટડી પૂર્ણ થયા બાદ સચિનનો કબજો બાપોદ પોલીસ હાથમાં લેશે.