IPL ટી20 લીગની 2023થી 2027ની આગામી પાંચ સિઝન માટેના મીડિયા રાઇટ્સ 48,390 કરોડ રૂપિયામાં વેચાયા છે. જેમાં બીસીસીઆઇને આઇપીએલના પ્રત્યેક બોલથી 49 લાખ રૂપિયા અને પ્રત્યેક ઓવરથી 2.95 કરોડ રૂપિયાની જંગી કમાણી થશે. 2023થી બોર્ડ IPLની પ્રત્યેક મેચમાં 119 કરોડ રૂપિયા કમાશે. 2018માં સ્ટાર ઇન્ડિયા દ્વારા હાંસલ કરવામાં આવેલા પાંચ વર્ષના અધિકાર મુજબ ભારતને પ્રત્યેક ડોમેસ્ટિક મેચ (IPL)ની સરેરાશ કિંમત 60 કરોડ રૂપિયા મળતી હતી. બોર્ડને 2018થી 2022 સુધીના છેલ્લા પાંચ વર્ષના કરાર મુજબ પ્રત્યેક IPL મેચના લગભગ 55 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. આઇપીએલના આગામી પાંચ વર્ષ માટે બીસીસીઆઇએ ચાર પેકેજ તૈયાર કર્યા હતા જેમાં વાયકોમ18, સ્ટાર ડિઝની તથા ટાઇમ્સ ઇન્ટરનેટે વિવિધ પેકેજ હાંસલ કર્યા હતા. ટીવી અધિકારના પેકેજ-એમાં મેક્સિમમ બોલી 23, 575 કરોડ રૂપિયા (પ્રતિ મેચ 57.5 કરોડ રૂપિયા)ની લાગી હતી.
પાકિસ્તાન ક્રિકેટ લીગની વેલ્યૂ માત્ર 166 કરોડ
BCCIની ટી20 લીગની સામે પાકિસ્તાન ક્રિકેટ લીગની વેલ્યૂ નજીવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને તેની લીગ માટે બે વર્ષના કરાર મુજબ માત્ર ભારતીય કરન્સી મુજબ માત્ર 166 કરોડ રૂપિયા મળ્યા હતા. આમ પીસીબીને એક સિઝનની 34 મેચ 83 કરોડ રૂપિયા જ મળે છે. જેની સામે આઇપીએલની એક મેચના 119 કરોડ મળશે.
IPLને બે ફેઝમાં રમાડવામાં આવે તેવા સંકેત
આઇપીએલની 2022ની સિઝનમાં 74 મેચ રમાઈ હતી અને આ દરમિયાન ફ્રેન્ચાઇઝીઓને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો જેના કારણે આઇપીએલને બે ફેઝમાં રમાડવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. 2020ની સિઝનની લીગ બે હાફમાં ભારત અને યુએઇમાં રમાડવામાં આવી હતી. આગામી સમયમાં આઇપીએલની ટીમો વિદેશમાં જઈને ફ્રેન્ડલી મેચો રમે તેવા પણ સંકેત મળ્યા છે અને બીસીસીઆઇ તથા ફ્રેન્ચાઇઝીઓ આ બાબત અંગે વાટાઘાટ પણ કરી રહ્યા છે. આ મામલે વિદેશની ટીમો સાથે પણ વાતચીત ચાલી રહી છે. જોકે આ લાંબી પ્રક્રિયા છે.