ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં જમીન અને પહાડ જમીનમાં અંદર સરકી રહ્યા છે. અહીં 561 મકાનોમાં તિરાડો પડી ગઇ છે. અત્યારસુધીમાં 66 પરિવાર પલાયન કરી રહ્યા છે. મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામી સ્થિતિની સમીક્ષા કરવા ટૂંકસમયમાં સ્થળ મુલાકાત કરશે. તેમણે જણાવ્યું કે ઘટનાક્રમની તપાસ કરવા તજજ્ઞોની ટીમ જોશીમઠ જશે. તેમણે રાહત અને બચાવ કામગીરી માટે જરૂરી પગલાં લેવા સૂચના આપી છે.
વિસ્તારમાં જમીન અંદર સરકી રહી હોવાથી એશિયાના સૌથી લાંબા રોપવેને બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. પીએમઓ પણ જોશીમઠમાં જમીન અંદર સરકી રહી હોવાની ઘટના પર નજર રાખી રહ્યું છે. પ્રદેશની સમીક્ષા કરવા ટીમ પહોંચવામાં છે. જોકે લોકો સરકારની કાર્યશૈલીથી નારાજ છે. વહીવટીતંત્ર દ્વારા થઇ રહેલા કામો સામે સવાલ ઉઠાવી રહ્યા છે. જોશીમઠ બચાવો સમિતિએ આજે બજાર બંધનું એલાન આપ્યું હતું. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે જોષી મઠને બચાવવા વહીવટીતંત્ર કોઇ પગલાં નથી લઇ રહ્યું. નારાજ લોકોએ બુધવારે મશાલ સરઘસ પણ યોજ્યું હતું. દેખાવકારોનું કહેવું છે કે જમીનમાં પાણી રીઝાઇ રહ્યું છે. અનેક સ્થાને પાણી નીકળવા લાગ્યું છે. ઘરોમાં તિરાડ પડી છે.
શું કહ્યું તપાસ સમિતિએ?
આ પહેલાં પણ ભૂસ્તરશાસ્ત્રી, ઇજનેરો અને અધિકારીઓની બનેલી પાંચ સભ્યોની ટીમ મકાનોમાં પડેલી તિરાડોની તપાસ કરી ચૂકી છે. સુત્રોના જણાવ્યા મુજબ તે ટીમનું માનવું છે કે જોશીમઠના અનેક વિસ્તારોમાં માનવનિર્મિત અને કુદરતી કારણોસર જમીન અંદર ઊતરી રહી છે. ટીમનું કહેવું છે કે વૃક્ષો અને પહાડોને કાપવામાં આવતાં જમીન અંદર ઊતરી રહી છે. લગભગ તમામ વોર્ડમાં ખોદકામ ચાલી રહ્યું હોવાથી પણ મકાનોમાં તિરાડો પડી છે. 24 ડિસેમ્બરે જોશીમઠના લોકોએ વિરોધમાર્ચ કાઢયા બાદ આ સમિતિની રચના કરવામાં આવી હતી.