પોલીસ તંત્રમાં લોક રક્ષક દળ- LRDમાં 10,988 જગ્યાઓની ભરતીમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે મંગળવારને લાભ પાંચમએ છેલ્લો દિવસ છે. તે પહેલા સોમવારની સાંજ સુધીમાં11 લાખથી વધુ ફોર્મ ભરાયાની માહિતી ઉપલબ્ધ થઈ હતી. 4 વર્ષ પછી થઈ રહેલી આ ભરતી માટે આગામી ડિસેમ્બરથી શારીરિક કસોટી યોજાશે.
આ વર્ષે નવા રચાયેલા LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ અગાઉ ટ્વિટરના માધ્યમથી કમ્પ્યુટર સર્ટિફિકેટની હાલ જરૂર નથી એવી સ્પષ્ટતા કરી હતી. આ સર્ટિફિકેટ ભરતી પ્રક્રિયાના અંતિમ તબક્કે પસંદગી પામેલા ઉમેદવારને દસ્તાવેજ ચકાસણી દરમિયાન રજૂ કરવાનું હોય છે. પોલીસમાં વર્ગ- 3માં ત્રણ સંવર્ગોમાં પાંચ વર્ષ રૂ.19,950ના ફિક્સ પગારે જાહેર થયેલી LRD ભરતીમાં 9 નવેમ્બરને લાભ પાંચમની રાતે 11-59 કલાક સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. ધોરણ-12 પાસની લધુત્તમ લાયકાત સાથે થઈ રહેલી આ ભરતીમાં રવિવારની સવારે કુલ 11,13,251 ઉમેદવારોએ અરજી કરી હતી. જેમાંથી 8,68,422ની ઉમેદવારી કન્ફર્મ થઈ હોવાનું ભરતી બોર્ડના ચેરમેને જાહેર કર્યુ છે. તે પૈકી 6,35,008 પુરૂષ અને 2,33,414 મહિલા ઉમેદવારો છે.