રાજ્યના પ્રવાસી શિક્ષકોને માત્ર 3 હજારનો જ પગાર વધારો મળશે
વેતન વધારાના નામે આઉટસોર્સિગથી શોષણનો તૈયાર કરેલો તખતો પડી ભાંગ્યો, પ્રવાસી શિક્ષક યોજનાની મુદત લંબાવાતા ભરતી પ્રક્રિયા શરૂ
રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં 11 મહિનાના કરાર આધારીત ભરાતાં પ્રવાસી શિક્ષકોને બમણાની જગ્યાએ હવે માત્ર ત્રણ હજારનો જ પગાર વધારો મળશે. પ્રવાસી શિક્ષકોને રૂ.27 હજારની મર્યાદામા પગાર ચુકવવાના શિક્ષણમંત્રીએ બણગાં ફૂક્યાં હતા, પરંતુ નાણા વિભાગે તેમની જાહેરાતનો સ્વિકાર ન કરતાં તેઓ છોભીલા પડયાં છે. એટલુ જ નહી, સતત સેવામાં દોડતાં શિક્ષકોના શોષણનો તૈયાર કરેલ તખતો પણ પડી ભાંગ્યો છે. ઓછા વેતનમાં વિદ્યાર્થીઓને ભણાવતાં પ્રવાસી શિક્ષકોની ભરતી પ્રક્રિયા આઉટસોર્સથી કરવાની તૈયારીઓ કરી દેવાઈ હતી અને તેના માટે ખાનગી એજન્સીઓને બખ્ખાં માટે પ્રવાસી શિક્ષકોના વેતન બમણાં કરવાની જાહેરાત કરાઈ હોવાનું નિષ્ણાંતો જણાવે છે.
ગુજરાતના દરિયાકાંઠેથી રૂ.400 કરોડના ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાની પકડાયા
રાજ્યની સ્કૂલોમાં જ્યાં વિષય શિક્ષકોની ઘટ હોય ત્યાં 11 માસના કરાર આધારીત પ્રવાસી શિક્ષકોની દર વર્ષે ભરતી કરવામાં આવતી હતી પરંતુ આ વર્ષે અડધા સત્ર પછી પણ ભરતીના કોઈ ઠેકાણા નથી. હવે પ્રવાસી શિક્ષકોની જોગવાઈની મૂદત લંબાવાતાં દરેક જિલ્લામાં ભરતી પ્રક્રિયા થશે. 1લી ડીસેમ્બરે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી કે, પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા સરકારે મંજૂરી આપી છે જે હેઠળ મહત્તમ રૂ.27,000ની મર્યાદામાં વેતન અપાશે અને દરરોજ આ શિક્ષકોએ 7 તાસ લેશે. બીજી તરફ આજે શિક્ષણ વિભાગે પ્રસિદ્ધ કરેલા ઠરાવ મુજબ રૂ.16,700ની મર્યાદામાં પ્રવાસી શિક્ષકોની ભરતી થશે અને 6 તાસ લઈ શકશે. આમ શિક્ષણ વિભાગના ઠરાવ અને શિક્ષણમંત્રીની જાહેરાત પરથી સ્પષ્ટ થાય છે કે, નાણા વિભાગ સાથે ચર્ચા કર્યા વિના જ શિક્ષણ મંત્રીએ રૂ.27 હજારનો પગાર અને 7 તાસનો બણગો ફૂંક્યો હતો.
શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ પ્રવાસી શિક્ષકોને પ્રાથમિકમાં મહત્તમ રૂ.7,500થી વધી રૂ.10,500, માધ્યમિકમાં મહત્તમ રૂ.13,500થી વધી રૂ.16,500 અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકને રૂ.13,700 થી વધી રૂ.16,700 વેતન ચુકવાશે અને દરરોજના 7 તાસ લઈ શકાશે. તાસ દીઠ જે મહેનતાણું વધારવાનું નક્કી કરાયુ છે તેમા પ્રાથમિકમાં રૂ.50ના બદલે રૂ.85, માધ્યમિકમાં રૂ.75ના બદલે રૂ.135 અને ઉચ્ચત્તર માધ્યમિકમાં રૂ.90ના બદલે રૂ.140 ચુકવાશે.
ખાનગી એજન્સીને બખ્ખા કરાવવા માટે જે વેતન નક્કી થયું હતુ તે પ્રમાણે, પ્રાથમિકમાં રૂ.15,000, માધ્યમિકમાં રૂ.27,000 અને ઉચ્ચત્તર માધ્યમિકમાં રૂ.27,400 વેતન ચુકવવામાં આવશે. હાલના નિયમ પ્રમાણે, પ્રવાસી શિક્ષકને વધુમા વધુ 6 તાસ લેવાની છુટ છે જેમા વધારો કરીને 7 તાસ લેવાની છુટ આપવામાં આવી છે. તાસ દીઠ જે મહેનતાણું વધારવાનું નક્કી કરાયુ હતુ તેમા પ્રાથમિકમાં રૂ.50ના બદલે રૂ.100, માધ્યમિકમાં 75ના બદલે 150 અને ઉચ્ચત્તર માધ્યમિકમ���ં 90ના બદલે રૂ.180 ચુકવાશે.