સુરત શહેરમાં કઠોર ખાતે સીટી બસ સેવાના લોકાર્પણ પ્રસંગે જાહેર મંચ ઉપર જ સ્થાનિક ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ ગઇ હતી.
પોતાના મત વિસ્તારમાં થયેલા વિકાસ કાર્યોની લોકોને મંચ ઉપરથી રૂપરેખા આપી રહેલા ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયાને આપ કોર્પોરેટર મોનાલી હીરપરાએ ‘તમે ફેંકવાનું બંધ કરો’ કહેતા જ લોકાર્પણ કાર્યક્રમના રંગમાં ભંગ પડયો હતો. જાહેરમાં જ બંને વચ્ચે તૂતૂમેંમેં થઇ ગઇ હતી.
કઠોરથી વાયા અબ્રામા અને મોટાવરાછા થઇ રેલવે સ્ટેશનને જોડતા વધુ એક રૂટ ઉપર સીટી બસ સેવાનો પ્રારંભ કરાયો છે. આ પ્રસંગે પાલિકા દ્વારા કઠોર ગામમાં લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સ્થાનિક કામરેજ વિધાનસભાના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયા તથા સ્થાનિક આપના કોર્પોરેટરો એકમંચ ઉપર ઉપસ્થિત થયા હતા. મંચ ઉપરથી ધારાસભ્ય ઝાલાવડીયા પોતાના વિસ્તારમાં થયેલા વિકાસકાર્યોની રૂપરેખા આપી રહ્યાં હતા. રોડ રસ્તા બાબતે થયેલી કામગીરી, તાપી શુદ્ધકરણના ભાગરૂપે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઊભો કરવા કરોડો રૂપિયાના ખર્ચે થયેલી કામગીરી જણાવી રહ્યાં હતા. તે દરમિયાન મંચ ઉપર ઉપસ્થિત આપની કોર્પોરેટર મોનાલી હીરપરાએ ધારાસભ્યને જૂઠ્ઠા પાડવા સૌ કોઇની હાજરીમાં ‘તમે ફેંકવાનું બંધ કરો’ કહેતા જ ભડકો થયો હતો.
મહિલા કોર્પોરેટર હીરપરા દ્વારા કહેવાયેલા શબ્દો સાંભળી વી.ડી. ઝાલાવડીયાએ મંચ ઉપર જ તેમનો ઉધડો લીધો હતો. ફેંકવાનું કામ અમારું નહીં તમારું હોવાનું કહ્યું હતું. અમે વિકાસલક્ષી કાર્યો પહેલા પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ પ્રજા સમક્ષ તેની વાત કરીએ છે. ખોટા વચનો આપતા નથી. તેવું કહેતા બંને પક્ષે શાબ્દિક જીભાજોડી થઇ ગઇ હતી. ધારાસભ્ય અને નગરસેવક વચ્ચે મંચ ઉપર જ ભાંજગડ જોઇ પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ પણ દંગ રહી ગયા હતા. આપના કોર્પોરેટર દ્વારા ઊભો કરાયેલો રાજકીય તમાશો જોઇ સ્થાનિક લોકોમાં પણ કચવાટ છવાયો હતો.