ગાંધીનગરના માણસા તાલુકાના લીંબોદરાની સગીર પ્રેમિકાને અમરાપુર નદીનાં કોતરમાં લઈ જઈ બળજબરીથી શારીરિક સંબંધો બાંધી ઠંડા કલેજે પેપર કટર વડે ગળું કાપી હત્યાનો પ્રયાસ કરનાર પ્રેમી પ્રિ-પ્લાનિંગ સાથે તીક્ષ્ણ કટર અગાઉથી જ સાથે લઈને ગયો હતો. હાલમાં માણસા પોલીસ દ્વારા આરોપી પ્રેમીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. સગીરા ભાગી જવાનું કહેતાં ઉશ્કેરાયેલા પ્રેમીએ જે રીતે પ્રેમિકાનું ગળુ કાપ્યું તે સમગ્ર ઘટના પોલીસને જણાવી હતી.
સુરતમાં ગ્રીષ્મા હત્યા કાંડની શાહી સુકાઈ નથી એવામાં ગઈકાલે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં માણસાનાં લીંબોદરા ગામની સગીર પ્રેમિકાને લલચાવી ફોસલાવી અમરાપુર સાબરમતી નદીનાં કોતરમાં લઈ જઈ બળજબરી કરીને પેપર કટર વડે ગળું કાપી હત્યાનો પ્રયાસ કરનાર પ્રેમી ઉપર લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે.
કાકા બોલાવે છે તેવુ રહી નદીના કોતરમાં લઈ ગયો
માણસાનાં લીંબોદરા ગામે રહેતી સગીરા ગામની શાળામાં ધોરણ-12માં અભ્યાસ કરે છે. જે ગઈકાલે શાળામાં પરીક્ષા આપવા માટે ગઈ હતી. એ દરમિયાન ગામમાં રહેતો સંજય સેધાજી ઠાકોર પરીક્ષા પૂર્ણ થયા પછી મળ્યો હતો અને સગીરાને તેના કાકા બોલાવી રહ્યાં છે તેવી વાત કરી બાઈક પર બેસાડી અમરાપુર સાબરમતી નદીના કોતરમાં લઈ ગયો હતો.
સગીરા જેમતેમ કરીને કોતર તરફ કામ કરતા મજૂરો પાસે પહોંચી
અહીં સગીરા સાથે સંબંધો બાંધ્યા પછી ભાગી જવા બાબતે બંને વચ્ચે તકરાર થઇ હતી. આ તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સંજય એકદમ આવેશમાં આવી ગયો હતો અને સગીરાના ગળાના ભાગે પેપર કટર વડે ઘા ઝીંકી ભાગી ગયો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ સગીરા જેમતેમ કરીને કોતર તરફ કામ કરતા મજૂરો પાસે પહોંચી હતી અને ફોન કરીને તેના કાકાને બોલાવી લીધા હતા.
આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવામાં આવ્યો
108 એમ્બ્યુલન્સ મારફત સગીરાને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં તેના તાત્કાલિક શસ્ત્રક્રિયા કરીને 25 જેટલાં ટાંકા લઈ તેને ગંભીર હાલતમાંથી ઉગારી લેવામાં આવી હતી. બીજી તરફ માણસા પોલીસ મથકના પીઆઈ પરમારે અલગ અલગ ટીમો બનાવીને ફરાર સંજય ઠાકોરને ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની પુછતાછ હાથ ધરવામાં આવી હતી.
સગીરા અને આરોપીને છેલ્લાં બે વર્ષથી પરિચય હતો
આ અંગે માણસા પીઆઈ પરમારે જણાવ્યું હતું કે, સગીરા અને સંજયને છેલ્લાં બે વર્ષથી પરિચય હતો. ગઈકાલે સ્કૂલથી છૂટ્યા પછી સંજય સગીરાને અમરાપુર સાબરમતી નદીના કોતરમાં લઈ ગયો હતો. જ્યાં સંબંધો બાંધ્યા પછી ભાગી જવા મુદ્દે બંને વચ્ચે તકરાર થઇ હતી. પોતાની સાથે પહેલેથી પેપર કટર લઈને આવેલા સંજયે સગીરાનાં ગળાના ભાગે ઘા ઝીંકી દીધા હતા. જેથ�� સંજય અગાઉથી જ પ્રિ પ્લાન સાથે આવ્યો હોવાનું અનુમાન છે.
બન્નેના નિવેદનો વિરોધાભાસ
આરોપી સંજયની પૂછતાંછમાં તેનું કહેવું છે કે, સગીરા ભાગી જવા માટે દબાણ કરતી હતી. જ્યારે સગીરાનું કહેવું છે કે, સંજય ભાગી જવા માટે કહેતો હતો. એટલે બન્નેના નિવેદનો વિરોધાભાસ આવી રહ્યા છે. જેથી ફરીવાર સગીરાની પણ પૂછતાંછ કરવામાં આવનાર છે. સંજયનાં પિતા તેની નાની વયે અવસાન પામ્યા છે. જ્યારે છ મહિના પહેલા તેની માતાનું પણ અવસાન થયું હતું.
સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું
માતાના અવસાન બાદ સંજય તેના કાકાની સાથે રહીને મિનરલ વોટર જગ સપ્લાયની નોકરી કરતો હતો. હાલમાં સંજયને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે અને એફએસએલની ટીમને પણ સાથે રાખવામાં આવી છે. બીજી તરફ સગીરાના કાકાએ પણ મીડિયાનાં માધ્યમથી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી છે.
ગળામાં ઘા 2 MM ઊંડો ઊતરી ગયો હોત તો પ્રિયંકા બચી ન શકી હોત
સિવિલનાં સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે પેપર કટર માર્યા બાદ પ્રિયંકાને બચાવવામાં સિવિલના તબીબોને સફળતા મળી છે, પરંતુ ગળાના ભાગે 2 એમએમ ઘા ઊંડો ઊતરી ગયો હોત તો શ્વાસનળી કપાઈ ગઈ હોત અને બચાવી શકાઈ ન હોત. બોચીના ભાગે પણ ઘા વધારે થયો હોત તો બોચીનું હાડકું તૂટી ગયું હોત. ઓપરેશન સમયે ઇએનટી, સર્જરી વિભાગ વિભાગના તબીબોને સાથે રાખવામાં આવ્યા હતા.
બોચીના ભાગે 12X3 સેમીનો ઘા થયો
યુવતીને બોચીના ભાગે પેપર કટરથી વધારે ઊંડો ઘા થયો હતો. બોચીના ભાગમાં 12X3 સેન્ટિમીટરનો ઘા થયો હતો. ઘા એટલો ભયંકર હતો કે હોસ્પિટલમાં એને ખોલતાની સાથે જ લોહીની ધારા વહેવા લાગી હતી. પરિણામે, સીધી ઇએનટીના ઓપરેશન થિયેટરમાં લઈ જવાઈ હતી, જ્યાં સફળ સર્જરી કરાઈ હતી.
સુરતમાં પણ એકતરફી પ્રેમીએ યુવતીનું ગળું કાપ્યું હતું
સુરત કામરેજના પાસોદરા પાટિયા પાસે માથાભારે યુવકે યુવતીને લોકોની સામે જાહેરમાં ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો વીડિયો સામે આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો, જેને લઈ યુવક યુવતીના ઘર બહાર પહોંચી જઇ હંગામો મચાવ્યો હતો. એ બાદ તેણે યુવતીની જાહેરમાં હત્યા કરી નાખી હતી.