મેં અનુભવ્યું કે કોલેજમાં ચાલતા લેક્ચર પૂરતા નથી. તેના પર આધાર રાખી શકાય તેમ નથી. જાતે મહેનત ચાલુ કરવી પડશે. પણ અંગ્રેજીમાં લખેલુ સમજાયુ નહીં. ભાષાનો પ્રશ્ન નડતો હતો. આ માટે એક ઉપાય શોધી કાઢ્યો.
સૌપ્રથમ આખું પેઇજ વાંચી જાવ અને જે અંગ્રેજી શબ્દ ન સમજાય, તે નીચે પેન્સિલથી અન્ડરલાઇન કરી નાખું. ત્યારબાદ બીજા વિદ્યાર્થીઓને પૂછીને કે ડીક્ષનરીનો ઉપયોગ કરી તેનો ગુજરાતી અર્થ, તે શબ્દની નીચે જ લખી નાખું. આમ બધા શબ્દોનું ગુજરાતી થઈ ગયા બાદ, આખા પેઇજ નું ગુજરાતીમાં ભાષાંતર લખું. આ પ્રક્રિયા લાંબી અને કાંટાળાજનક લાગતી, પણ આના સિવાય કોઈ બીજો વિકલ્પ ન હતો. જે મુદ્દા ગુજરાતી કે હિન્દીમાં હોય, તો સમજતા પાંચ મિનિટ પણ ન થાય, તે અંગ્રેજીમાં આ રીતે ભાષાંતર કરી સમજતા કલાક થતી. આ મહેનતના કારણે મારું અંગ્રેજી શબ્દભંડોળ તો વધી ગયું. અને થોડાક સમય બાદ ડીક્ષનરીનો કે બીજા વિદ્યાર્થીઓને ગુજરાતી પૂછવાનું પણ ઓછું થતું ગયું. પણ વ્યાકરણ કાચું રહી ગયું. આમ પણ ટેકનિકલ વિષયોમાં વ્યાકરણને બહુ મહત્વ આપવામાં નથી આવતું. આથી વ્યાકરણ સુધારવાની જરૂર ન લાગી. અને સમય પણ નહોતો. એન્જિનિયરિંગ દરમિયાન અને તે પછીના વર્ષોમાં પણ સ્પેલિંગના ઉચ્ચારો અને અંગ્રેજી વ્યાકરણ સુધારવાનો પ્રયત્ન કરેલો. પણ મારી અનિયમિતતા અને આળસવૃતિના કારણે હજી પૂરતો સફળ થઇ શકયો નથી. અને આજે પણ તે સુધારવાની જરૂર છે. આ તે લોકો માટે બોધપાઠ સમાન છે, જે કહે છે કે બધું શિક્ષણ અંગ્રેજીમાં આપવુ જોઈએ. ન તો બરાબર અંગ્રેજી ભાષા આવડે, અને ન વિષયને બરાબર સમજી શકાય…
"અતિઆત્મવિશ્વાસ" મારી એન્જિનિયરિંગની યાત્રા ની આત્મકથા ભાગ - 7
પેહલા સેમેસ્ટરના છ વિષયના બદલે મેં માત્ર ચાર વિષયની જ તૈયારી કરી. બાકીના બે વિષયો છોડી દીધા. તેની પાછળ મારો વિચાર એવો હતો કે ક્યાંક બધા વિષયોમાં મહેનત, તૈયારી કરવાથી એવું ન બને કે એક પણ વિષય પાસ ના થાય. આમ મે “ડિફેન્સિવ” એટલે કે “રક્ષણાત્મક” રીતે તૈયારી કરી.
આ મારી મોટામાં મોટી ભૂલ હતી. મેં મારી જાતને વધારે પડતી નબળી વિચારી. અને પરિણામે બે વિષયની તૈયારી છોડી દીધી. આમ બંને વિષયોમાં હું પરીક્ષા પહેલા નપાસ થયો. મારી ક્ષમતા તો પહેલા સેમેસ્ટરના માત્ર ૬ વિષયો જ નહીં, પણ બીજા સેમેસ્ટરના બીજા ૬ વિષયો, આમ કુલ બાર વિષયોની પરીક્ષા સાથે આપવાની હતી.
પણ તે સમયે હું વધુ પડતો નિરાશાવાદી બની ગયો હતો. આ બાબતમાં મને ઘણા મિત્રોએ સમજાવ્યો. મારો એક જ તર્ક રહેતો, “ક્યાંક બધાની તૈયારી કરવા જતા, એવું ન બને કે એક પણ વિષયની પુરતી તૈયારી ન થાય. અને છ વિષયો પાસ કરવાની લાલચમાં, ક્યાંક એક વિષય પણ પાસ ન થવાય…”
મારો ભય સાચો પણ હતો. કેટલાક નબળા વિદ્યાર્થીઓએ છએ છ વિષયની તૈયાર કરેલી. અને એમાંથી એક પણ વિષય પાસ ન થયા. આના કરતા જો બે વિષય કે ત્રણ વિષય રાખીને મહેનત કરી હોત, તો કમસેકમ એકાદ બે વિષયમાં તો પાસ થઈ જાત. મારા રૂમના વિશાલનું ઉદાહરણ તે માટે પૂરતું છે. છએ છ વિષયની થોડીઘણી તૈયારી તે કરતો. છેલ્લે માત્ર એક જ વિષયમાં પાસ થયો..
"મારી કોલેજ" મારી એન્જિનિયરિંગની યાત્રા ની આત્મકથા ભાગ - 6
જોકે પરિસ્થિતિ અને પોતાની જાતનું અવલોકન કરીને યોગ્ય પદ્ધતિ પસંદ કરવી જોઇએ. વિશાલ જેવા વિદ્યાર્થીઓ અતિઆત્મવિશ્વાસમાં રમતા હતા. જ્યારે ���ું વધુ પડતો નિરાશાવાદી બની ગયો હતો. અને બંને સ્થિતિ ખરાબ છે… પરિસ્થિતિ અને પોતાની શક્તિ પ્રમાણે આયોજન પૂર્વક મહેનત કરવી જોઈએ. પણ જો શક્તિ ન હોય તો મારી જેમ “રક્ષણાત્મક” એટલે કે “ડિફેન્સિવ” મહેનત કરવી… પણ એ વાતનું ધ્યાન રાખવું કે ક્યાંક વધુ પડતા નિરાશાવાદી તો નથી બની રહ્યા ને. જેમ હું બની ગયો હતો. એવું ના થાય કે આપણી ક્ષમતા વધુ હોય અને આપણે આપણી જાતને નબળી માની લઈએ.
આજે પણ હું જોઉં છું કે ઘણા વિદ્યાર્થીઓ, બારમા ધોરણની અંદર એક વિષય પણ માંડ માંડ પાસ કરી શકવાની શક્તિ ધરાવતા હોય છે. આમ છતાં તેવો બધા વિષયો લઈને બેઠા હોય છે. આમ છેલ્લે બધા વિષયોમાં નપાસ થાય છે. આને બદલે જો તેવો માત્ર એક જ વિષયમાં ધ્યાન કેન્દ્રિત કરતા, તો કમસેકમ એક વિષયમાં તો પાસ થઈ જવાત.
મારું આયોજન એવું હતું કે પેહલા સેમેસ્ટરના ચાર વિષયમાં મહેનત કરવી અને બીજા સેમેસ્ટરમાં ચાર વિષયમાં મહેનત કરવી. આમ કુલ આઠ વિષયોમાં મેહનત કરવી. બાકીના વધેલા અને નપાસ થયેલા વિષયો “સેકન્ડ યરમાં” માં પાસ કરવા… આમ નિયમ મુજબ આઠ વિષયોમાં પાસ થઈ જવાય અને બીજા વર્ષમાં પ્રવેશ મળી રહે. અને “ડીટેન” એટલે કે “નાપાસ” ન થાવ…
જે ચાર વિષય પસંદ કરેલ તેમાં તૈયારી પેઇજે પેઇજની કરી નાખી. જેટલા સંદર્ભ પુસ્તકો (Reference books) હતા તેમાંથી અગત્યના મુદ્દાઓ તૈયાર કરી નાખ્યા. ગમે તેટલું અઘરું પેપર નીકળે, તો પણ વાંધો ન આવે, તેવી મહેનત કરી.
હકીકતમાં આ મારી ગધેડા મંજૂરી હતી. જે મુદ્દાઓ પરિક્ષા માટે બિન અગત્યના હતા, તે પણ સંદર્ભ પુસ્તકોનો ઉપયોગ કરી ઊંડાણ પૂર્વક તૈયાર કર્યા. જોકે ત્યારે પરીક્ષામાં તો મને તેનો કોઇ ફાયદો ન થયો. પણ પછી મે જ્યારે એન્જિનિયરિંગ ભણવાનું ચાલુ કર્યું ત્યારે આ ઊંડાણપૂર્વક વાંચેલુ કામ આવ્યું. પરીક્ષા પાસ કરવા માટે તો આટલી ઊંડાણપૂર્વકની મહેનત જરૂરી નહોતી.
થોડાક દિવસો બાદ તરત જ પરીક્ષાના ફોર્મ ભરાવવાનું ચાલુ થયું અને લાગ્યો મોટો ઝટકો… આ “મોટો ઝટકો” શું હતો તે હવે પછી.
- લેખક હર્ષદ રાઠોડ