ગુજરાતમાં સરકારી નોકરી માટે તનતોડ મહેનત કરતા લાખો યુવાનો સાથે વિશ્વાસઘાતના પેપરલીકેજ કમ ભરતીકાંડમાં ફરીથી ગૌણ સેવા પંસદગી મંડળ- GSSBના ચેરમેન અસિત વોરાને બચાવવા તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે. બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ સંકૂલમાં અસિત વોરાને બોલાવ્યા હતા. બંને વચ્ચે CMOમાં બંધબારણે થયેલી બેઠકમાં શુ થયુ તે તો મુદ્દે કોઈએ ફોડ પાડયો નથી પરંતુ, મીડિયા સમક્ષ અસિત વોરાએ ‘આ શુભેચ્છા મુલાકાત હતી’ એમ કહેતા હેડક્લાર્કના પેપર લિકેજકાંડમાંથી ઉગારવામાં આવી રહ્યાનું ચિત્ર સ્પષ્ટ થયુ છે.
ગુજરાતમાં સરકાર બદલ્યા પછી ચહેરા બદલ્યા પણ ચાલકી એની એ જ
CMને મળવા જતી વખતે ન્યુઝ ચેનલોના કેમેરાને દૂર રાખવા સલામતી રક્ષકોને સુચના આપનારા અસિત વોરાએ મળ્યા પછી બેશરમી પૂર્વક ‘શુભેચ્છા મુલાકાત’નું કારણ આગળ ધરતા ભાજપે ગુજરાતમાં સરકાર બદલ્યા પછી સરકારમાં ચહેરા બદલ્યા પણ ચાલકી એની એ જ રાખી એ ઉક્તિ વધુ એક વખત સાચી પડી રહી છે.
વોરાના બચાવમાં નૈતિકતા તળિયે, પ્રવક્તા મંત્રી વાઘાણીની ચૂપકિદી
પેપરકાંડમાં અસિત વોરાની સંડોવણી, બેદરકારીથી આખુ ગુજરાત વાકેફ હોવા છતાંયે ભાજપમાં નૈતિકતા પગની નીચે સાવ તળિયે ગઇ હોય એમ હોદ્દા ઉપરથી હકાલપટ્ટીને બદલે આખી સરકાર વોરાના બચાવમાં ઉતરી છે. કેબિનેટ બાદ પ્રેસ કોન્ફન્સમાં આ મુદ્દે પત્રકારોએ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પહેલા તો ગોળગોળ જવાબો આપ્યા અને પછી જ્યારે સરકારે ક્લિનચિટ આપી છે ? એમ પુછતા ટીવીના કેમરા સામે પ્રવક્તા મંત્રીએ ચૂપકિદી સેવી લીધી હતી.