વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપતા કોંગ્રેસ સહિત વિપક્ષ પર જોરદાર પ્રહાર કર્યા હતા. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોના જવાબ પણ આપ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે આઝાદી બાદ ભારતને ત્રણ ટુકડામાં વહેંચી દીધું. પીએમએ તેમના સંબોધનમાં કચ્છતિવુ ટાપુનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કોંગ્રેસને સવાલ કર્યો હતો કે જ્યારે તમે ભારત માતાના ટુકડાની વાત કરો છો તો કચ્છતીવુ ટાપુનું નામ કેમ ભૂલી જાઓ છો. આખરે, આ ટાપુ ક્યાં છે અને તેનો ઇતિહાસ શું છે?
ક્યાં આવેલું છે કચ્છતિવુ ટાપુ
કચ્છતિવુ ભારતના દક્ષિણ છેડા અને શ્રીલંકાના વચ્ચે જમીનનો એક નાનકડો ભાગ છે પરંતુ તેનું મહત્વ વિશાળ છે. 1974 સુધી, કચ્છતિવુ ભારતનો એક ભાગ હતો. પરંતુ શ્રીલંકા પણ આ ટાપુ પર દાવો કરતું રહ્યું. કચ્છતિવુ આઇલેન્ડ, નેદુન્થિવુ, શ્રીલંકા અને રામેશ્વરમ (ભારત) વચ્ચે સ્થિત છે અને પરંપરાગત રીતે શ્રીલંકાના તમિલો અને તમિલનાડુના માછીમારો દ્વારા ઉપયોગમાં લેવાય છે. વર્ષ 1974માં ભારત સરકાર અને શ્રીલંકા સરકાર વચ્ચે થયેલા કરાર બાદ ભારત સરકારે કચ્છતિવુ ટાપુનુ સ્વામિત્વ શ્રીલંકાને સોંપી દેવઆમાં આવ્યું હતું. 1974માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રીમાવો ભંડારનાનાયકે સાથે સંધિ પર હસ્તાક્ષર કર્યા અને કચ્છતિવુ શ્રીલંકામાં ભળી ગયું હતું.
કચ્છતિવુ ટાપુનો ઇતિહાસ
કચ્છતિવુ એ પાલ્ક સ્ટ્રેટમાં દરિયાકિનારે એક નિર્જન ટાપુ છે. એવું કહેવાય છે કે 14મી સદીમાં જ્વાળામુખી ફાટવાના કારણે આ ટાપુની રચના થઈ હતી. બ્રિટિશ શાસન દરમિયાન ભારત અને શ્રીલંકાએ સંયુક્ત રીતે 285 એકર જમીનનો ઉપયોગ કર્યો હતો. કચ્છતિવુ ટાપુ રામનાથપુરમના રાજાના શાસનમાં આવતું હતું અને બાદમાં મદ્રાસ પ્રેસિડેન્સીનો હિસ્સો બન્યું. 1921માં ભારત અને શ્રીલંકા બંનેએ માછીમારી માટે આ ટાપુ પર દાવો કર્યો અને વિવાદ વણઉકેલ્યો રહ્યો. ભારત આઝાદ થયું ત્યારે ભારતે અગાઉના વિવાદને ઉકેલવાના પ્રયાસો કર્યા હતા.