IPLની 15મી સીઝન શરૂ થવાના એક દિવસ પહેલા જ મોટો વિવાદ ઉભો થયો હતો. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને તેની ટીમ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવેલી તેની તસવીરથી ગુસ્સો આવ્યો અને તેણે મેનેજમેન્ટને આ અંગે ફરિયાદ પણ કરી. સંજુની આ તસવીર એડિટ કરવામાં આવી હતી.
આમાં તેને એક મહિલા તરીકે દર્શાવવામાં આવી હતી. તે વિચિત્ર પાઘડી પહેરેલ જોવા મળ્યો હતો. સાથે સાથે કાનમાં પણ અમુક અલગ-અલગ ઈયરિંગ્સ લટકતી હતી. તે ટીમની બસમાં બેઠેલો જોવા મળ્યો હતો. આ ફોટોના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે – કેટલો સુંદર દેખાવ.
આ ટીમ દ્વારા એક રમૂજી પોસ્ટ હતી. જ્યારે સંજુએ આ ફોટો જોયો ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને તેણે ટ્વિટર પર પોતાનો ગુસ્સો કાઢ્યો અને લખ્યું, ‘મિત્રો આ બધું કરવું ઠીક છે પરંતુ તમારે થોડા પ્રોફેશનલ બનવું જોઈએ.’ તેની આ ટ્વીટ બાદ તે ફોટો ડિલીટ કરી દેવામાં આવ્યો હતો.
મેનેજમેન્ટે રજૂ કર્યું નિવેદન
સેમસન અહીં જ ન અટક્યો તેણે સિનિયર મેનેજમેન્ટને પણ ફરિયાદ કરી અને હવે આ તસવીર પોસ્ટ કરનારા લોકોને સજા પણ થઈ શકે છે. રાજસ્થાન રોયલ્સે પણ સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. તેણે સંજુ સેમસન અથવા સમગ્ર વિવાદનો ઉલ્લેખ કર્યો નથી પરંતુ લખ્યું છે કે હવેથી અમે અમારી ટીમ અને સોશિયલ મીડિયા પ્રત્યે વલણ બદલવા માંગીએ છીએ. સોશિયલ મીડિયા ટીમ સામે શું કાર્યવાહી કરવામાં આવી છે. તેની માહિતી હજુ સામે આવી નથી.
આપને જણાવી દઈએ કે IPL 26 માર્ચથી એટલે કે આજથી શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. તો રાજસ્થાન તેની પ્રથમ મેચ 29 માર્ચે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમશે.