આ જીત સાથે પાકિસ્તાને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન લગભગ કરી લીધું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર અફઘાનિસ્તાનની ટીમે છ વિકેટે 147 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાને 19મી ઓવરમાં પાંચ વિકેટે 148 રન બનાવીને મેચ જીતી લીધી હતી. સાત બોલમાં ચાર સિક્સર વડે અણનમ ૨૫ રન નોંધાવનાર આસિફ અલીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાન માટે બાબર આઝમે 47 બોલમાં 51 રન બનાવ્યા હતા અને તેણે ટી20 ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ એક હજાર રન પૂરા કરવાની સિદ્ધિ પણ મેળવી હતી. ફખર ઝમાને 30 રનનું યોગદાન આપવા ઉપરાંત બાબર સાથે બીજી વિકેટ માટે 63 રનની ભાગીદારી નોંધાવી હતી. રાશિદ ખાને 26 રનમાં બે વિકેટ ઝડપી હતી.
આ અગાઉ અફઘાનિસ્તાને 13મી ઓવરમાં 76 રનના સ્કોરે છ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ મોહમ્મદ નબી (35) તથા ગુલાબદિન નાયબે (35) છેલ્લી ઓવર્સમાં કેટલાક આક્રમક શોટ્સ રમીને ટીમને 147 રનના સ્કોર સુધી પહોંચાડી દીધી હતી. પાકિસ્તાનના પેસ બોલર હેરિસ રઉફે 153 કિલોમીટર પ્રતિ કલાકેની ઝડપે બોલ નાખીને એનરિચ નોર્તઝેના રેકોર્ડને સરભર કર્યો હતો.