આમ આદમી પાર્ટીએ તેમના મુખ્યમંત્રી પદના દાવેદાર એવા ઈસુદાન ગઢવીને જામ ખંભાળિયાથી ટિકિટ આપી છે. પરંતુ ખંભાળિયા બેઠકનો રાજકીય ઈતિહાસ જોઈએ તો 1967 પછી બિનઆહીર ઉમેદવારો જીત્યા જ નથી. 1972થી સતત આહીર ઉમેદવાર જ ધારાસભ્ય બન્યા છે. આ વખતે પણ ભાજપ અને કોંગ્રેસમાંથી આહીર ઉમેદવારો છે ત્યારે ઈસુદાન માટે કપરા ચઢાણ સાબિત થશે. જામખંભાળિયા બેઠક પર હાલ કોંગ્રેસના વિક્રમ માડમ ધારાસભ્ય છે. તેને કોંગ્રેસે ફરી ટિકિટ આપી છે. તો સામે ભાજપમાંથી પણ મૂળુ બેરા જેવા અનુભવી ખેલાડી સામે પડેલા છે. આ બન્નેની વચ્ચે આમ આદમી પાર્ટીએ ગઢવી સમાજના ઈસુદાનને મેદાનમાં ઉતાર્યા છે. પરંતુ જો ખંભાળિયા બેઠકનો ઈતિહાસ જોઈએ તો છેલ્લે 1967માં લોહાણા સમાજ સાથે જોડાયેલા સ્વતંત્ર પક્ષના ડી.વી.બારાઈ ત્યાંથી જીત્યા હતા. તેમણે કોંગ્રેસના તત્કાલિન ધારાસભ્ય હરિલાલ નકૂમને હરાવ્યા હતા.
ત્યારબાદ 1972થી આ બેઠક પર આહીર ઉમેદવાર જ ચૂંટાતા આવ્યા છે. 1972માં આહીર સમાજના હેમંત માડમે અપક્ષ ઉમેદવાર તરીકે હરિલાલ નકુમને હરાવ્યા હતા. બાદમાં 1975, 1980, 1985 એમ ત્રણ વખત અપક્ષ હેમંત માડમ ચૂંટાયા હતા. 1990માં હેમંત માડમ ચૂંટણી નહોતા લડતાં એટલે કોંગ્રેસે ખાતુ ખોલાવ્યું હતું. જ્યારે ભાજપે પ્રથમ વખત આ બેઠક પર ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.
ખંભાળિયા બેઠકના દિગ્ગજ નેતા હેમંત માડમનું 1993માં અવસાન થયા બાદ 1995માં ભાજપે પહેલી વખત ખંભાળિયા બેઠક કબજે કરી હતી. ભાજપના આહીર ઉમેદવાર જેસાભાઈ ગોરિયા જીત્યા હતા. બાદમાં 1998, 2002, 2007 અને 2012માં સતત ભાજપના આહીર ઉમેદવાર જ જીતતા આવ્યા છે. 1972થી 2017 સુધીની ખંભાળિયા બેઠકની સફર પર નજર નાખીએ તો એટલું ફલિત થાય કે ચાહે અપક્ષ ઉમેદવાર જીત્યા હોય, કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હોય કે ભાજપના ઉમેદવાર જીત્યા હોય, પરંતુ તે હતા તમામ આહીર સમાજના જ. આની પાછળનું કારણ એ છે કે ખંભાળિયા બેઠક પર સૌથી વધુ આહીર સમાજના મતો છે.
ખંભાળિયા બેઠક પર કુલ 3.02 લાખ મતદારો છે. જેમાં આહીર 52,000, મુસ્લિમ 41,000, સતવારા 21,000, દલિત 18,000 અને ગઢવી 15,000 મતદારોનો સમાવેશ થાય છે.